ભારતમાં ગોઠણીયા ભરથી ઉભુ થઇને બે પગે ચાલતા શિખતુ પ્લેટફોર્મ : પોડકાસ્ટ

ઇન્ટરનેટ ભારતમાં સસ્તુ થયુને એ જ ટાઇમે સ્માર્ટ ફોન આવ્યા એમાં તો યુટ્યૂબને ઇન્સ્ટાથી ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ્સનાં કન્ઝ્યૂમર્સ વધ્યા. લોકોને હાથ આખો વિશાળ ખજાનો આવી ગયો. આપણી શિક્ષણ પધ્ધતિ શિવાજી મહારાજનાં મૂગટ જેટલી પ્રાચીન હોઇ, ભૂલકાઓથી મોટાને રંગ લાગી ગયો. ઇન્ટરનેટ પર પોતાની સ્કૂલ કરતા સારા પ્રોફેસરોનાં લેક્ચરોને દુનિયા ભરની ગતિવિધિઓ સુધીનું બધુ ઓછા રૂપિયે મળતા નેટ ડેટાને કારણે આંગળીનાં ટેરવે ફરતુ થયુ. છેલ્લા પોણો ડઝન વર્ષોમાં તો બહારની દુનિયામાં સપાટાબંધ ફેરફારો આવવા લાગ્યા. ચોઇસ વધી ગઇ.

અને જ્યારે વર્ષો સુધી રોટલોને શાક ખાતી પેઢી પાસે પાણી પૂરીને પીઝ્ઝા આવેને ગમે તેમ ખવાવા માંડે તેમ ગમે તે આરોગાવા લાગ્યુ. પણ ધીમે ધીમે બદલાવ આવ્યો. પાણી પૂરીને પીઝ્ઝા ખાતી ફાસ્ટ ફૂડ જનરેશન ક્યારેક ઘરનાં સાત્વિક ભોજન તરફ વળે એ પ્રકારનો. લોકો રેઢીયાળ કન્ટેન્ટમાંથી ક્વોલિટી કન્ટેન્ટ તરફ આગળ વધ્યા. ફિલ્મોથી ટીવી સિરીઝ સુધી બધુ ક્વોલિટી કન્ટેન્ટ શોધવા લાગ્યા.

નેટફ્લિક્સને એમેઝોન પ્રાઇમ જેવાં ઓટીટી પ્લેટફોર્મ પર સારી સિરીઝોને સારાં મૂવીઝ આરોગાવા લાગ્યાને બોલિવૂડમાં બેકાર મૂવીઝની જગ્યાએ સારો ફાલ આવવા લાગ્યો. ત્યારે એ સારા વિડિયોઝની સાથે ભારતમાં સારા ઓડિયોનો પણ નવો ક્વોલિટી કન્ટેન્ટ માલ ય આવ્યો. પોડકાસ્ટ રૂપે.

આમ તો પોડકાસ્ટ શબ્દ બહુ જૂનો. ઇન્ટરનેટ કરતાંય જૂનો. 1980નાં દસકામાં પોડકાસ્ટનો ઇજાદ થયેલો, પણ શરૂઆતમાં એનું નામ હતુ ‘ઓડિયો બ્લોગીંગ’. જેનાં વડે લોકો પોતાના એક્સપિરિયન્સને જાણકારી ઓડિયો રેકોર્ડિંગ કરીને બીજા લોકોને શેર કરતા. પણ ઓડિયો રેકોર્ડિંગને વધારે શેર કરવાનાં સાધન ન હતા. એટલે હજુ ઓડિયોનું વિમાન ટેક ઓફ નહોતુ થયુ.

પણ 2000નાં દશકામાં ગીત સંગ્રહી શકાયને ગમે ત્યાં હેરવીફેરવી શકાય એવાં આઇપોડની પોપ્યૂલારિટી વધી. અને આ ઓડિયોબ્લોગ્સ એમપીથ્રી ફાઇલ રૂપે ધીમે ધીમે અમેરિકા જેવાં સધ્ધર દેશોનાં જનજીવનમાં અને અફકોર્સ ભારત જેવા વિકાસશીલ દેશોનાં એલાઇટ વર્ગોમાં દાખલ થવા માંડ્યા.

2003 સુધીમાં ઓડિયોબ્લોગ્સ આઇપોડમાં ડાઉનલોડ થવા લાગ્યા. અને એજ વર્ષમાં બેન હેમર્સ્લે નામનાં ફ્યૂચરીસ્ટ જર્નાલિસ્ટે ‘આઇપોડ + બ્રોડકાસ્ટ – પોડકાસ્ટ’ નામ બજારમાં વહેતુ કરી દિધુ.

એપ્પલ કંપનીએ 2005માં પોતાની આઇટ્યૂન મ્યૂઝીક લાઇબ્રેરીમાં પોડકાસ્ટીંગને ઓફિશ્યલ સ્થાન આપ્યુ. 2005માં જ ગેમ ચેન્જર સ્ટીવ જોબ્સે એક ઇન્ટરવ્યૂમાં કઇ રીતે લોકો પોતાનો એક્સપિરિયન્સને નોલેજ પોતાનાં પર્સનલ કમ્પ્યૂટર ‘મેક’માં પોડકાસ્ટ સ્વરૂપે બનાવી શકે.

અને 2005થી અત્યાર સુધીમાં સાત લાખથી વધુ પોડકાસ્ટ દુનિયા ભરમાં બન્યા છે. હજુ તો સોળેક વર્ષ પહેલાંથી જ પોડકાસ્ટ પોપ્યૂલર થયાને 3 કરોડ જેટલા એપિસોડ વહેતા મૂકાઇ ચૂક્યા છે. અને એમાંનાં મોટા ભાગનાં ફ્રિ છે!

આ લેખ જો તમે ડ્રાઇવીંગ કરતા કરતા, જીમમાં ભક્કમ બોડી બનાવવા વર્ક આઉટ કરતા, રાંધતા કે કંઇ પણ કામ કરતા હો ત્યારે ઓડિયોમાં સાંભળવા મળે તો? એ પણ કોઇ સ્મૂથ, બ્યૂટીફૂલ અવાજમાં? એક એક શબ્દ તમે ધ્યાનથી ન સાંભળો? એક પછી એક કેટલાંય લેખો ઘબઘબ પૂરા ન કરી નાંખો? ધેટ્સ ધ બ્યૂટી ઓફ પોડકાસ્ટ. તમારે મોબાઇલ સ્ક્રીન સામે જોયા જ ન કરવુ પડે. એ બેકગ્રાઉન્ડમાં ચાલતુ રહે.

આપણે ભારતીયોને પહેલેથી જ વાર્તાઓને પ્રવચનો સાંભળવા બહુ ગમે. કારણકે સ્ટોરી ટેલિંગ આપણા લોહીમાં છે. આપણા પ્રાચીન ગ્રંથો પેઢી દર પેઢી બોલી બોલીને વારસામાં અપાતા. લેખિત સ્વરૂપમાં બહુ ઓછુ હતુ. હજુ પણ મેદાનમાં રામ કથા કે શિવ કથા હોય ને હજારો લોકો ઉમટી પડે છે. સત્યનારાયણ ભગવાનની કથાથી દાદીમા-મમ્મીની નાઇટ ટાઇમ સ્ટોરીઝ સુધી આપણને સાંભળવુ બહુ ગમે. ક્રિકેટ જોઇ શકાય એમ ન હોય ને ક્રિક બઝમાં કોમેન્ટ્રી વાંચી નાંખતા હોઇએ છીએ. એટલે જ તો આપણે ત્યાં મૂશાયરામાં યે એટલા લોકો આવે ને સ્ટેન્ડ અપ કોમેડીમાં ય.

હમણા સુધી નેટનાં ડેટા ખૂબ મોંઘા હતાને કોઇ વાણંદની દુકાને, પાનનાં ગલ્લે, ચાની ટપરીએ ઘૂસો એટલે ટીવી ન હોય તો રેડિયો બેકગ્રાઉન્ડમાં વાગતો જ હોય. રેડિયોમાં મૂવીની આખી સ્ટોરીઓને ન્યૂઝ સાંભળવા કાન ઊંચા થતા. હજુ ઘણી જગ્યાએ રેડિયોને પેઇન ડ્રાઇવ ચડાવીને વ્યાખ્યાનોને ગીતો વાગતા સંભળાય છે.

એટલે જ તો પોડકાસ્ટીંગ ઇન્ડસ્ટ્રી દબાતે પગલે સાઇલેન્ટલી ભારતમાં પગપેસારો કરી રહી છે. ભારત યંગ ઇન્ડિયનથી ભરેલો દેશ. હમ ભારતીયોને ફિક્શન, કોઇનો એક્સપિરિયન્સ, ઇન્ટરવ્યૂ, ન્યૂઝ, કરન્ટ અફેર્સ બધુ જ સાંભળવુ બહુ ગમે. આપણને બાજુ વાળા કરતા પહેલા ખબર પડી જાય અને બીજાંને કહી શકીએ એવો ધખારો બહુ. અને આપણને સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટને મોટીવેશનને એજ્યૂકેશનને હેલ્થનાં ટોપિક બહુ ગમે. એટલે ન્યૂઝ પોડકાસ્ટથી એન્ટરટેઇન્મેન્ટ, કોમેડીથી સાયફાઇ કે સસ્પેન્સ વાર્તા, ખાણીપીણી આખે આખી વિશાળ રેન્જ પોડકાસ્ટ આપે.

ભારતમાં ટ્રાવેલિંગ કરતા યંગસ્ટર્સય બહુ. એટલે ટ્રેન કે બસની ધક્કામૂક્કીમાં વિડીયોની જગ્યાએ ઓડિયો સાંભળવાનું વધારે પસંદ કરે. ભારતની ગૃહિણીઓ સૌથી વધુ સમય ઘરે જ વિતાવતી હોય ભારતમાં અત્યારે પોડકાસ્ટ હાઉસવાઇફમાં સૌથી વધુ ફેમસ છે. અને આમેય જ્યાં આટલી બધી ભાષાને, કલ્ચરને, ધર્મનાં રંગો હોય ત્યાં અઢળક વિષયો પરનાં પોડકાસ્ટ પોપ્યૂલર થાય જ એનાં માટે મસમોટા રીસર્ચ ન કરવા પડે. અને પાછી ઓડિયોની રેન્જ હિટીંગ તો અનલિમિટેડ. તમે વિચારો એવા ક્રિએટીવ એપિસોડ્સ કાઢી શકો. અને અલગ અલગ વિષયનાં પોડકાસ્ટ સર્ચ કરીને સાંભળી શકો.

પોડ કાસ્ટીંગમાં કન્ટ્રોલ તમારા હાથમાં હોઇને તમે મન પડે ત્યારે એપિસોડ ડાઉનલોડ કરીને તમને ગમે ત્યારે સાંભળી શકો છો. મન પડે ત્યારે કાપી શકોને મન પડે ત્યારે સ્ટોપ બટન દબાવી મન પડે ત્યારે અધૂરો એપિસોડ સાંભળી શકો. ઓડિયોબૂક ય એક પ્રકારનો પોડકાસ્ટ જ થયો કહેવાય. મોદી સાહેબની મનકી બાત રેડિયોમાં આવે ને પછી તમે ડાઉનલોડ કરીને સાંભળો એ ય એક પોડકાસ્ટ જ કહેવાય.

જેમ ટીકટોકને ઇન્સ્ટા રીલ્સને એમ એક્સ ટકાટકમાં માત્ર અમૂક તમૂક સેકન્ડોમાં તમારી ક્રિએટીવિટી બતાવી દેવાની એમ પોડ કાસ્ટમાં તમે કંઇ બતાવી ન શકો વિડિયોઝની જેમ. એમાં તમારે બોલીને જ સમજાવવુ પડે. એટલે આ પરીબળ પણ પોડકાસ્ટની ક્વોલિટીને ઓર રીચ બનાવે.

ઓડિયો બૂકમાં તો અવાજ ય મિકેનિકલ હોય એવો લાગે પણ પોડકાસ્ટ એપિસોડ્સમાં અવાજ લીવલી જીવતો હોય એવો લાગે. જાણે તમારો દોસ્તાર તમારી બાજુમાં બેસી તમને કંઇક કહી રહ્યો છે ને તમે સાંભળી રહ્યા છો એવું ફિલ થાય. વાર્તા ચાલતી હોય તો અલગ અલગ અવાજો – ઘોડાનાં ડાબલા ને ઝાંઝરીનું ઝમઝમ ક્રિએટરની કલ્પના શક્તિ દ્વારા બધુ ય આપી શકાય. અને એ જ વાત પોડકાસ્ટને ઓડિયોબૂકથી અલગ બનાવે છે.

ઇન્ડિયામાં શરૂ શરૂમાં તો સ્વીડનની સ્પોટીફાઇને એપ્પલ એપ્સને બીજી ઘણી બધી એપ્સમાં પોડકાસ્ટ હતાં જ. પણ બધા અંગ્રેજીમાં. એટલે પોડકાસ્ટની ઇમેજ ‘એલાઇટ વર્ગનાં કન્ટેન્ટ’ તરીકેની હતી. પણ કેટલાંક વર્ષોમાં પોડકાસ્ટીંગની પોપ્યૂલારિટી ભારતમાં આહિસ્તા આહિસ્તા વધી છે. ઘણા સોશિયલ મિડીયા સેલિબ્રિટીઝ, રાઇટર્સ, રેડિયો જોકીઓએ પોડકાસ્ટીંગમાં જંપ લાવ્યુ. અંગ્રેજીની સાથે હિન્દી અને હિન્ગલીશ તેમજ ભારતની બીજી પણ ઘણી બધી ભાષાઓમાં પોડટાસ્ટીંગ શરૂ થયુ. અને પોડકાસ્ટીંગ એલાઇટની ફ્લાઇટમાંથી જમીન પર આવ્યુ.

2015માં, હબહોપર પોડકાસ્ટીંગ કંપની સ્ટાર્ટ અપ તરીકે લોંચ થઇ. અને પછી તો કૂકૂ એફ એમ, આવાઝ ડોટ કોમ, હેડ ફોન, રેડ એફ એમ, મેજીક એફ એમ પોડકાસ્ટીંગની રણભૂમિમાં કમ્પિટ કરવા મેદાનમાં ઉતર્યુ. વાર્તા અને નોન ફિક્શન ઓરીજનલ કન્ટેન્ટ વાંચકોને આપતી પ્રતિલિપી એ આઇવીએમ પોડકાસ્ટ કંપનીને પોતાની સાથે લઇ લીધી. તો ભારતની સૌથી પોપ્યૂલર મ્યૂઝીક એપ ગાના અને મૂકેશ અંબાણીનાં જીયો સાવનેય પોડ કાસ્ટીંગ ઇન્ડસ્ટ્રીમાં જંપ લાવ્યુ.

અત્યારે ભારતમાં 40 થી વધુ મલ્ટી-ભાષી કંપનીઓ પોડકાસ્ટ માર્કેટમાં ઘૂસેલી છે. અને હળવે કદમે કઇ રીતે માર્કેટ બનાવવુ ને કઇ રીતે પોડકાસ્ટને મોનેટાઇઝ કરવું યાને કે પૈસા કમાવવા એનાં અવનવા પ્રયોગો કરી રહી છે. ઇનશોર્ટ, પોડકાસ્ટ માર્કેટ એક્સપાન્ડ થઇ રહ્યુ છે. મોટી મોટી કંપનીઓ માર્કેટમાં સટ્ટો લગાવી રહી છે.

જેફ બેઝોસની એમેજોને પણ ઓડિબલ ઓડિયો બૂકની સાથે ઓડિબલ સૂનો એપ લોંચ કરી. સ્પેશિયલ પોડકાસ્ટ માટે. અને હમણાં 2020નાં ડિસેમ્બર મહિનામાં એમેજોને વન્ડરી નામની પોડકાસ્ટ કંપનીને 30 કરોડ ડોલર જેવી અધધ કિંમતે હાયર કરી. પોડકાસ્ટ માટે. અને એય ભારતનાં ઓડિયન્સ ને ટાર્ગેટ કરવા માટે. તો જીયો સાવનેય 2019થી 200 ગણા પોડકાસ્ટ વધારી દિધા છે. નવેમ્બર, 2020માં ગાના એપ્પ એ વર્લ્ડનાં વન ઓફ ધ લાર્જ ઓડિયો પ્લેટફોર્મનાં ઓમ્ની સ્ટૂડિયો સાથે કરાર કર્યા.

ભારતમાં 2017નાં અંત સુધીમાં 2 કરોડ 56 લાખ મંથલી યૂઝર્સે પોડકાસ્ટ સાંભળ્યુ તો 2018નાં અંત સુધીમાં આંકડો 4 કરોડ મંથલી યૂઝર્સ સુધી પહોંચ્યો. 57.6ટકાનો વધારો!! જેણે ભારતને અમેરીકા અને ચીન પછી ત્રીજા નંબરનું પોડકાસ્ટ સાંભળનાર માર્કેટ બનાવી દિધુ.

એમાંયે 2020નાં લોકડાઉને તો ભારતમાં પોડકાસ્ટ ઇન્ડસ્ટ્રીનાં વિકાસમાં ચાર ચાંદ લગાવી દિધા. લોકોએ ખૂબ પોડકાસ્ટ સાંભળ્યા. સપ્ટેમ્બર, 2020નાં જીયોનાં અહેવાલ પ્રમાણે 60% યૂઝર 18-35 વર્ષનાં છે. અને એ પણ વીકલી પોડકાસ્ટ સાંભળવા વાળા. ધી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફ આઇ સી સી આઇ) એ જારી કરેલા રીપોર્ટ મુજબ 16-44 વર્ષનાં પોડકાસ્ટ લીસનર્સ 50% જેટલાં છે. એટલે યૂથમાં ખૂબ પોપ્યૂલર છે. અને ભારતમાં જે પણ વસ્તુ યૂથમાં પોપ્યૂલર હોય એ હંમેશાં હીટ થતી આવી છે.

હજુ તો પોડકાસ્ટ નામ પણ સામાન્ય મીડલ ક્લાસ ભારત માટે નવુ હોવા છતાં ય ભારત દુનિયામાં પોડકાસ્ટ લીસનર્સમાં દુનિયામાં ત્રીજાં નંબરે હોય તો ફ્યૂચર કેવું હશે?! થોડા જ વર્ષોમાં પોડકાસ્ટીંગનાં મોજાં ઊંચે સુધી પહોંચવાની વકી છે, ભારતમાં પોડકાસ્ટ માર્કેટ થોડા સમયમાં ધડાકો કરશે. કારણકે અત્યારથી જ પોડકાસ્ટનું ફ્યૂચર જબરદસ્ત દેખાઇ રહ્યુ છે. એટલે જ 2021 પોડકાસ્ટ માટેનું બેટલ ગ્રાઉન્ડ બની જવાનું છે!


ચાલો હવે આવડો મોટો લેખ વાંચ્યો તો રીડર ફ્રેન્ડ્સ તમને કેટલાંક સરસ પોડકાસ્ટનો ભેટો કરાવી દઉં.

1) ઉમ્મીદ – ઝાકિર ખાન (ગાના)

પહેલી વાર લોકડાઉનમાં ગાના પર બોલિવૂડ ગાણા સાંભળતી વખતે આ પોડકાસ્ટ હાથમાં આવેલો. આમ તો પોડકાસ્ટ નામ સાંભળેલું પણ ક્યારેય પોડકાસ્ટ સાંભળવાનું નહોતુ થયુ, ઘણીયે ઓડિયો બૂક સાંભળેલી. પણ પોડકાસ્ટ સાથે પ્રથમ ભેટો આ પોડકાસ્ટે કરાવ્યો. એમાંય ફેવરીટ સ્ટેન્ડ અપ કમેડિયન અને સરસ ઉર્દુ બોલી જાણતો લિટરેચરનો જાણકાર ઝાકિર ખાન પોતાનાં એક્સપિરિયન્સને લોકડાઉન વખતે દર અઠવાડિયે શેર કરતો.

12 એપિસોડનો આ પોડકાસ્ટ અને ઝાકિર ખાનનો ક્યૂટ અવાજ… ઉફ્ફ. લોકપ્રિય કમેડિયન હોઇ ભારત ભરમાં ઘૂમતો ઝાકિર જ્યારે પોતાનાં એક્સપિરિયન્સ શેર કરે અને ઉર્દુ શેરોની સાથે પોતાનાં કમેડિયન દોસ્તોને ય પોડકાસ્ટમાં બોલાવી ખૂબસૂરત શિખ આપતો જાય. જાણે કોઇ દોસ્ત હોય એવું જ લાગે.

2) મહાભારત – ધ્રુવ રાઠી (સ્પોટી ફાઇ)

અવનવા સમાચારોને પોલિટીકલ વાતો યુટ્યૂબ ખોલી જાણતા સમજતા હોય એમનાં માટે ધ્રુવ રાઠી નવુ નામ નહીં હોય. ‘નમસ્કાર દોસ્તો.’ કાંઇ યાદ આવ્યુ. હીહીહી. ધ્રુવ ભાઇ આ પોડકાસ્ટમાં દર અઠવાડીયે આપણા અખિલ ભારતમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ પરથી ભારતને જાણવા સમજવા એક સવાલ લઇને આવે.

કોણ ભારતીય કરન્સી બનાવે ને કેવીરીતે? ભારતનો નાગરીક કોણ કહેવાય? યુનિયન ટેરીટરી એટલે શું? આરબીઆઇ- શું કરે અને તમને શું ફરક પડે? જેવાં બીજાં કેટલાંય સવાલો દર અઠવાડિયે લઇને આવે ને આપણને ભારત દેશ કેવી રીતે ચાલે ને એ સવાલની આમ ભારતીયો પર શું ઇફેક્ટ પડે એવાં કેટલાંક ટોપિક્સ પર ઉંડી સમજ આપે.

3) ધ બીગ ફેટ ઇન્ડિયન ઘોટાલા (સ્પોટી ફાઇ)

ભારતમાં જેટલી સિસ્ટમ અને પ્રોસેસ છે. એટલાં જ સ્કેમ્સ અને ઘોટાળા પણ છે. મહિને મહિને કેટલાંય કરોડોનાં ઘોટાળા ન્યૂઝ પેપર ભરી ભરીને કે ન્યૂઝ ચેનલ એન્કરો રાડો નાંખી નાંખીને આપણને બતાવતા હોય છે. આવા જ કેટલાંક તાજેતરમાં કે ઘણા સમય પહેલા થઇ ગયેલા ફ્રોડ અને ઘોટાળા કેવીરીતે થયા ને ઘોટાળા પછી સરકાર કેવી નિતીઓ લાવીને એનાંથી કેવીરીતે બચી શકાય એ બધું આ પોડકાસ્ટમાં જાણવા મળે.

ઇન્ડિયન ઘોટાળા અને ફ્રોડની ખૂબ સરળતાથી જાંચ પડતાલ કરે ને કોઇ પોલિટીકલ કે ઇન્ડિવિઝ્યૂઅલ કોમેન્ટ આપ્યા વગર આ પોડકાસ્ટ ખૂબ સરસ રીતે આખે આખી ઘટના આપણને ફની રીતે સરળ શબ્દોમાં બયાં કરે.

4) પરમનેન્ટ રૂમમેટ્સ : હી સેઇડ, શી સેઇડ – ધી વાઇરલ ફિવર (ઓડિબલ સૂનો)

ધ વાઇરલ ફિવર ઉર્ફ ટીવીએફની પરમનેન્ટ રૂમમેટ. વેબ સિરિઝનાં અઠંગ રસિયાંઓએ આ સિરિઝ જોઇ જ હશે કે નામ સાંભળ્યુ જ હશે. કારણકે ભારતમાં શરૂઆતની વેબ સિરિઝોમાંની સૌથી પોપ્યૂલર સિરિઝ છે. પણ વિચારો તમને આખી સિરિઝ ઓડિયો રૂપે સાંભળવા મળે તો? જાણે આખી ઘટના તમારી સામે બની રહી છે તો? કેવી મજા આવે સાંભળવાની!

આખી વાર્તા ફની ક્યૂટ લવ સ્ટોરી. બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ એક એપાર્ટમેન્ટમાં રહેને એક બીજાંને સમજવાનો જાણવઃનો પ્રયત્ન કરે. અને ક્રિએટર્સની કળાશક્તિયે અથભૂત. વાર્તામાં તમને ચાલવાનો અવાજે ય આપે ને ગાડીનો હોર્ન ય. વસ્તુ ભટકાવાનો અવાજે ય આપે ને સ્વિચ ઓનની ક્લિકેય. સરસ અનુભવ !

5) માઇડ ઇન ઇન્ડિયા – માઇ મરીયમ થોમસ (જીયો સાવન, સ્પોટીફાઇ)

મ્યૂઝીક, લાફ્ટર, સ્ટોરી, ટોક – ધેટ્સ ધી માઇડ ઇન ઇન્ડિયા ફોર યુ. છેલ્લા ચાર વર્ષથી ચાલતો ભારતનો ઇન્ડી મ્યૂઝીક પોડકાસ્ટ. જે પોતાનાં પોડકાસ્ટ શોમાં ભારતનાં અલગ અલગ બેન્ડને લાવે ને બેન્ડને ઇર્દગીર્દ વાતો કરે. બેન્ડ મેમ્બર્સનું ઇન્ટરવ્યૂ લે અને આપણને ભારતીય સંગીતોનાં ફળદ્રૂપ નોલેજ વિશે માહિતગાર કરે.

તમે ક્યારેય ન સાંભળ્યુ હોય એવું અન રિલીઝ્ડ મ્યૂઝિક, અવનવી સ્ટોરીઓ, હીપહોપ-બ્લૂ-સોલ-પન્ક-રોક જેવા કોપિકેટ નહીં પણ ઓરિજનલ મ્યૂઝિક સાથે આપણને મળાવે.

6) ઉર્દુ નામા – ફાબેહા સૈયદ (ધ ક્વિન્ટ, સ્પોટીફાઇ, એપ્પલ પોડકાસ્ટ)

આપણને બોલિવૂડનાં ગીતો ખૂબ સાંભળવા ગમે, ગણગણવા ગમે. પછી ભલેને ગીતમાં આવતા કેટલાંક ઉર્દુ શબ્દોનાં અર્થ ભલેને ખબર ન હોય! આ ખૂબ પોપ્યૂલર પોડકાસ્ટ ઉર્દુ નામા દર એપિસોડમાં બેફિકરેથી રશ્કે કમર ને મૂકમ્મલથી જૂસ્તુજુ જેવો એક શબ્દ લઇને આવે અને એનાં પરથી કેટલાંક ઉર્દુ શેર, કેટલાંક ગીતો આપણને સંભળાવેને એ શબ્દનો અર્થ આપણને શિખવાડે.

ક્યારેક કોઇ ઉર્દુ સાહિત્યનાં જાણકારને લઇને આવે. આપણને એકદમ સચોટ માહિતી આપવા માટે. અને ફાબેહા સૈયદનો બબલી અવાજ.

7) કિસ્સા ખ્વાબોં કા – અનુપમા ચોપરા (ઓડિબલ સૂનો)

પોડકાસ્ટનાં નામ જેવું જ એનું કામ. આ દસ એપિસોડ સિરીઝનાં પોડકાસ્ટમાં મૂવી રીવ્યૂ ક્રિટીક અને ઇન્ટરવ્યૂવર અનૂપમા ચોપરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અલગ અલગ હસ્તીઓને લઇને આવે.

પંકજ ત્રિપાઠીથી, નવાઝુદ્દીન સિદ્દીકીને નીના ગુપ્તાથી કેટરીના સુધીનાં તાજેતરનાં બોલિવૂડ સૂપર સ્ટાર પોતાની ગાંડી સ્ટ્રગલ અને પોતે કઇ રીતે સાવ ખાલી હાથોથી શરૂ કરી ફિલ્મી પડદાંનાં બ્રાઇટેસ્ટ સ્ટાર બન્યા એ સફર આપણને સમરાઇઝ કરે. ઇન્સ્પિરેશનનાં બૂસ્ટર ડોઝ જેવું જ કંઇક.

8) 22 યાર્ન્સ વીથ ગૌરવ કપૂર – ગૌરવ કપૂર (સ્પોટીફાઇ)

પોપ્યૂલર એક્ટર, વીજે અને ક્રિકેટ શો હોસ્ટ ગૌરવ કપૂર 22 યાર્ન્સમાં ક્રિકેટરો, રીટાયર થઇ ગયેલા સ્ટાર, કોમેન્ટેટરો, ક્રિકેટ જર્નાલિસ્ટો, પીચ ક્યૂરેટર્સ ને ક્રિકેટ હિસ્ટોરીયનોને લઇને આવે ને એમનાં ક્વોલિટી ઇન્ટરવ્યૂ લે.

ક્રિકેટ લવર્સ માટે પરફેક્ટ ફન. ક્રિકેટની આસપાસની કહાનીઓને ઘટનાઓને રમૂજી કિસ્સાઓ બહાર નિકળે. અને એમાંય દેશની સૌથી પોપ્યૂલર ગેમ વિશેનું નોલેજ તો ખરૂં જ.

9) રણવીર શો – રણવીર અલ્લાહવાડીયા (સ્પોટીફાઇ, એપ્પલ પોડકાસ્ટ, સિમ્પલ કાસ્ટ)

‘બીયર બાયસેપ્સ’ તરીકે ઓળખાતા પોપ્યૂલર યુટ્યૂબર રણવીરનો આ પોડકાસ્ટ જ્યારથી આવ્યો છે ત્યારથી પોપ્યૂલારિટી રેન્કમાંથી નીચે ઉતરવાનું નામ જ નથી લેતો. રણવીર પોતાના શોમાં સ્પોર્ટ્સમેનથી લઇને સાધુ અને એક્ટરથી લઇને ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ સુધી વાઇડ રેન્જ ઓફ સક્સેસ ફૂલ પર્સનાલિટીઝનું ઇન્ટરવ્યૂ લે.

એનો એક એપિસોડ પૂરો થાય ને મોટીવેશનથી હેલ્થને કરીયરથી મની કંટ્રોલ સુધીનું કંઇક તો તમારામાં નવુ ઉમેરાય. આ પોડકાસ્ટની ઓળખ ભારતનાં સૌથી ‘સ્માર્ટ પોડકાસ્ટ’ તરીકેની થઇ ગઇ છે.

10) શી સેય્ઝ શી ઇઝ ફાઇન – ડો. મૂંઝાલ કાપડીયા (ઓડિબલ સૂનો)

ડો. મૂંઝાલ કાપડીયા હોસ્ટેડ આ પોડકાસ્ટ ફિમેલનાં હેલ્થ ઇશ્યૂઝ અને ભારતની સોસાયટીનાં કેટલાંક બંધનોને વૂમન રીલેટેડ અત્યાર સુધી બંધ ઓરડાઓમાં થતી ઘટનાઓની ખૂલીને વાત કરે.

ડો. કાપડીયા અલગ અલગ મહેમાનોને પોતાનાં શોમાં ઇન્વાઇટ કરે અને સેક્સ, પિરીડ્સ, સુવાવડ, કસુવાવડ, મહિલાઓનાં ડિઝાયરને એવી બધી વાતોની હવા ખૂલીને વહેવા દે. આ શો મહિલાઓને હેવી ટોપિક પર ફ્રિલી બોલવા પાવરફૂલ બનાવેને મર્દોને આ ટોપિક પર નવુ જ્ઞાન પીરસે.

(મને તો આટલાં સુગંધીદાર પોડકાસ્ટીંગ ફૂલો મળ્યા. તમારા પોડકાસ્ટનાં બાગમાં જો વધારે સારા ફૂલોને વેલાઓ હોય તો આ લેખકડાંને મોકલો.)

પૃથથીંગ :

પોડકાસ્ટ એક પ્રકારનો ઓડિયો નેટફ્લીક્સ જ છે. જૂનવાણી ઓડિયો પ્લેટફોર્મ્સમાંથી ટોટલ ફ્રિડમ.


Share with your friends, follow me on wordpress, facebook, telegram, whatsapp with sundaywithpruthvi and if u really enjoy this article or you want to suggest something… please comment…

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.