કહો દુશ્મન’ને દરિયાની જેમ… હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈ કિનારે… ઘર બનાવે છે…

भाग गए रणछोड़ सभी, देख अभी तक खड़ा हूँ मैं,
क्या हुआ विजय न चूम सका, क्षमता भर अपनी लड़ा हूँ मैं,
ग्लानि जो खुद से हार गए, वैसा बेचारा नही हूँ मैं,
जाके कह दो विषम लक्ष्य से, हारा नही हूँ मैं|

प्रत्यंचा टूट गई तो क्या फिर से पिनाक मैं बाँधूंगा,
अड़चन आएंगी आने दो अंतिम साँसों तक साधूंगा,
कब तक चूकेंगे साध्य मेरे भाग्य सहारा नहीं हूँ मैं,
जाके कह दो विषम लक्ष्य से हारा नहीं हूँ मैं |

जितना संघर्ष कठिन होगा उतनी ही प्यारी जय होगी,
फिर तूफानों में भी लड़ने में काया वो निर्भय होगी,
मजधारों का ही राही हूँ देख किनारा नही हूँ मैं,
जाके कह दो विषम लक्ष्य से हारा नही हूँ मैं |

राहों को और कठिन कर दो मैंने भी हार नही मानी,
चाहे चट्टानें ही ला दो है उन्हें तोड़ने की ठानी,
खुद का प्रकाश ना बन पाऊँ वैसा अंधियारा नही हूँ मैं,
जाके कह दो विषम लक्ष्य से हारा नही हूँ मैं |

जीवन तो है बस इतना ही हम जीते हैं या मरते हैं,
बेकार बैठने से अच्छा जो शुरूआत तो करते हैं,
कम से कम अपनी आकांक्षाओं, का हत्यारा नही हूँ मैं,
जाके कह दो विषम लक्ष्य से, हारा नही हूँ मैं |

जब मेहनत सफल नही होती,हिम्मतें दांव दे जाती है,
विश्राम नही दूंगा खुद को,ये हार बहुत सिखलाती है,
गिरकर उठने का आदी हूँ, ठोकर का मारा नही हूँ मैं,
जाके कह दो विषम लक्ष्य से, हारा नही हूँ मैं
– हर्षित पाण्डेय

આત્મ વિશ્વાસ, હિંમત, સાહસ, મોટીવેશન, ઇન્સ્પિરેશનનાં ઇન્જેક્શન કે દવાનાં ડોઝ બજારમાં ઉંચી કિમતે ખરીદવા નિકળો તોયે મળતા નથી. પણ લેખનાં શિર્ષકમાં મઢાયેલી મરીઝની ટૂ લાઇનર્સ કે લેખનાં શરૂઆતમાં ટપકાવેલી હર્ષિત પાંડે નામનાં કોઇ અનજાન અજ્ઞાત લેખકની કવિતા કે કોઇ મૂવીનો ડાયલોગ-સોંગ-પ્લોટ કે રોજ બરોજમાં બનતી પોઝીટીવ ઘટનાઓ એકપ્રકારનાં ઇન્જેક્શન કે ડોઝ જ છે.

રોજ પોતાની જાતને આવા છોટા મોટા બ્રેઇન ફૂડનાં ડોઝ થકી સેલ્ફને પોઝીટીવ દિશામાં આગળ ધપાવવાની ધગશ હોય તો રોજ સવારે ઉઠીને અરીસા સામે ખાલી ખોટું હસી ‘આઇ એમ ધ બેસ્ટ’ અને ‘આઇ કેન ડૂ એનીથીંગ’ જેવાં જાતને મૂર્ખ બનાવવાનાં પ્રયાસો ન કરવા પડે.

તેમજ શેરીયે શેરીયે વેચવા નિકળેલા મોટીવેશનલ સેમિનારોનાં ઘોડાદોડ બિઝનેસ ચલાવતા મોટીવેશનલ સ્પિકર્સનાં થોડી વાર માટે હાઇ પર લઇ જતા અને જેવો શો ખતમ… પૈસા હજમ અને ફરી મગજને સ્ટ્રેસફૂલી લો લેવલ પર લાવી દેતા પડીકાઓ ખાવા ન પડે. બ્રેઇન ફૂડ તો મગજમાં થઇ નસો થકી ધીમેધીમે લોહીમાં ભળે અને સમયજતા આપણી બીલીફ સિસ્ટમને સ્ટ્રોંગ કરે. કસરત અને યોગાની જેમ જ. અને મૂશ્કેલ પરીસ્થિતિમાં ભાંગી પડ્યા હોઇએ ત્યારે ધૂળ ખંખેરી ઉભા થવાનો હોંસલો આપે.


આવી જ એક બ્રેઇન ફૂડ તરીકે આરોગી શકાય એવી ઘટના ઇન્ડિયન ક્રિકેટમાં હમણાં જ બની. બીજીટી. બોર્ડર ગાવસ્કર ટ્રોફી. ક્રિકેટ લવર્સ માટે તો ઓસ્ટ્રેલિયાનાં ગબ્બામાં મેચ જીતવાની એ ઘટના વર્લ્ડ કપ જીત્યાની ખૂશી કરતા જરાય નીચી આંકી ન શકાય એવી ઘટના હતી એ. ફરી ટેસ્ટ ક્રિકેટ ઇઝ ધ બોસ ઓફ ઓલ ફોર્મેટએ સાબિત થઇ ગયુ. એ સિરીઝમાં ઘણી એવી ઘટનાઓ બની કે જે હું મારાં મગજનાં ખિસ્સામાં સ્ટોર કરી રાખીશ. જો તમે ક્રિકેટ ફેન હો કે ન હો પણ ઓલ લાઇફ લર્નર હો તો તમારા માટે પણ બ્રેઇનફૂડનો આ ઘાણવો ચાવી ચાવીને ખાવા જેવો ખરો.

બન્યુ એવું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી શ્રેણી ‘બોર્ડર-ગાવસ્કર ટ્રોફી’ની ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાનાં એડિલેડ ઓવલમાં હતી. ભારતે પહેલી ઇનિંગમાં 244 રન કર્યા. ભારતનાં બોલરોએ ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં 191માં ઓલ આઉટ કરી દિધુ. ત્રાજવું ભારત તરફ ઝૂકેલુ હતું.

પણ જેમ લાઇનમાં ખડકાયેલી સાયકલમાં એક સાયકલને ધક્કો મારો અને ધડ ધડ કરતી સાયકલો પડવા લાગે એવી રીતે બીજી ઇનિંગમાં ભારતનાં બેટ્સમેનો આઉટ થવા લાગ્યા. 36 રનમાં ઓલ આઉટ. એકેય ખેલાડી બે આંકડાનાં રન સુધી ન પહોંચી શક્યો. અને અચાનક વક્ત-જઝબાત બધુ જ બદલાઇ ગયુ. ઓસ્ટ્રેલિયાએ આરામથી જીત પોતાનાં ચોપડે લખી લીધી.


લોકોએ ઇન્ડિયન ટીમને ક્રિટીસાઇઝ કરી. ગાળો આપી. ઇન્ટરનેટ મીમ્સ અને જોક્સથી છલકાઇ ગયુ. 36 એ ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી લો સ્કોર હતો. ઘણા ક્રિકેટ ક્રિટીક્સ અને માંધાતાઓ એ તો ભવિષ્ય ભાંખી નાંખેલું કે ભારત આ ટેસ્ટ સિરીઝ હારી જશે. અને ઘણાએ તો 4-0 થી ઓસ્ટ્રેલિયા જીતી જશેની ગૂલાબી આગાહીઓ કરી નાંખી.

બટ કમબેક્સ આર ઓલ્વેઝ સ્ટ્રોંગર ધેન સેટ બેક્સ. અને એક તરફ બૂમરાહ અને અશ્વિને બોલીંગ સાઇડ સંભાળી અને 195 પર ઓસ્ટ્રેલિયાને દબોચી લીધું. તો બીજી તરફ કપ્તાન રહાણે એ શતકીય પારી રમી ટીમને મજબૂત સ્થાન પર લાવી દિધી. અને ભારત આસાનીથી બીજી મેચ પણ જીતી ગયુ.

ભારતની ટીમમાં ઇંજર્ડ તેમજ અન અવેલેબલ ખેલાડીઓનું લિસ્ટ પણ લાંબું થતુ જતુ હતુ. હજુ તો પહેલી ટેસ્ટ રમાય એ પહેલા જ ઇશાંત શર્મા તેમજ કેએલ રાહુલનાં નામ ઇજાને લીધે પ્લેયીંગ લીસ્ટમાંથી છેકાઇ ગયા હતા. પહેલી મેચ રમી વિરાટ કોહલી દિકરીનાં જન્મ સમયે ઉપસ્થિત રહેવા પેરેન્ટલ લીવ પર જતો રહ્યો અને બીજી મેચથી અજીંક્યા રહાણેને સૂકાન પદ સોંપવામાં આવ્યું જ હતુ કે ભારતીય ટીમને ઓર બે ઝટકા લાગ્યા.

ઉમેશ યાદવ બીજી ટેસ્ટ મેચમાં બોલીંગ નાંખતી વખતે ઇન્જર્ડ થયો, તો પહેલી મેચ પૂરી થતામાં મહમ્મદ શમી પણ બેટીંગ કરતી વખતે ઇન્જર્ડ થયો. ભારતીય ટીમનાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ ધીમે ધીમે મેદાન બહાર જતા હોઇ બીજી ટેસ્ટમાં મહમ્મદ સિરાઝ અને શુભમન ગીલ તેમજ ત્રીજી ટેસ્ટમાં નવદિપ સૈનીનો ડેબ્યૂ ખેલાડી તરીકે ચાન્સ લાગી ગયો.

ત્રીજી ટેસ્ટ શરૂ થઇ. પહેલી ઇનીંગમાં ઓસ્ટ્રેલિયાએ 338 ટીપી નાંખ્યા. ભારતનાં પહેલા દાવમાં 244માં બધા બેટ્સમેન ફરી પેવિલિયનમાં પહોંચી ગયા. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનીંગમાં પણ માતબર 312 રન કરી 6 વિકેટે ભારતને દાવ આપી દિધો. ભારતને જીતવા માટે 407 રનનો માતબર ટાર્ગેટ હતો.

સ્પેશિયલ ટેસ્ટ જોવા માટે વહેલા ઉઠતા ક્રિકેટ લવરને ટેસ્ટનાં ચોથા દિવસની શરૂઆતમાં જ રહાનેને 4 રને આઉટ થયેલો જોઇને ટીવી ફોડવાનું (હવે તો મોબાઇલ ઘા કરવાનું) મન થયુ હશે. અને અડધા લોકો ફરી ચાદર તાણીને સૂઇ ગયા હશે. રહાનેની વિકેટ બીજી ઇનીંગમાં ટીમ ઇન્ડિયાની 102 રનમાં 3જી વિકેટ હતી. અને રિષભ પંત સાહેબ ક્રિઝ પર આવ્યા. અને શરૂ થઇ લાયન હર્ટ જેવી બહાદુર ઇનીંગ.

લંચ બ્રેક સુધીમાં તો ભારતનો સ્કોર 206/3 થઇ ચૂક્યો હતો. મેચ બચાવવા ઉતરેલી જોડી મેચ જીતાડવાની ઉમ્મીદ બની ગઇ હતી. રિષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ઘડી ભર તો ભારતને જીતની આશા જગાવી દિધી. લંચ બાદ બીજી આઠ ઓવરમાં 44 રન સ્કોરબોર્ડ પર લટકાવી દિધા. ધીમે ધીમે જીતની ઉમ્મીદ ઉમડ ઘૂમડ થઇ જ રહી હતી.

ત્યાં પંત યોધ્ધો પોતાનાં શતકથી બસ ત્રણ રન દૂર હતો. પણ પોતાનાં આગવા અંદાજમાં રમતા આઉટ થઇ ગયો. પંત સાહેબ સદી ભલે ન મારી શક્યા. પણ એ એક લડવૈયાની જેમ જઝૂમ્યો. વેલ ફોટ. પહેલી ઇનીંગમાં રિષભ પંત રમતા ચોટીલ થયેલો એટલે તેણે બીજી ઇનિંગમાં કિપીંગ પણ નહોતી કરી. પેઇન કિલર લઇને રમી રહ્યો હતો. ડગ આઉટમાંથી પાણી લઇને આવતો ખેલાડી રિષભને પોતાના હાથથી પાણી પિવડાવતો હતો.

બંને ખેલાડીઓએ મળીને 148 રન જોડેલા જે ચોથી ઇનીંગમાં ચોથી વિકેટે ભારતની હાઇએસ્ટ રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશીપ હતી. જેણે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો. અને થોડીવારમાં ઇઝીલી રમતો પૂજારા પણ આઉટ. એ પણ જેવીતેવી બોલ પર નહીં. સારા સારા બલ્લેબાજ આઉટ થઇ જાય એવી ગેંદ પર.

હવે ભારતને મેચ જીતવા 240 દડા રમવાનાં હતા. અને ઓસ્ટ્રેલિયાને જરૂર હતી માત્ર પાંચ વિકેટની. પછી તો હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને મોરચો સંભાળ્યો. રમતી વખતે હનુમા વિહારી ભાઇની પગમાં ખીંચાવ આવી ગયો અને મારી જેવા ક્રિકેટ લવર્સનાં દિલમાં ખીંચાવ આવી ગયો. તો અશ્વિનની વાઇફ પ્રિતી અશ્વિન ક્રિઝ પર હતો ત્યારે ટ્વિટ કરેલી કે અશ્વિન સવારે બેડ પરથી ઉભો થઇ શક્તો ન હતો. પોતાનાં બૂટની લેસ સુધ્ધાં બાંધી શક્તો ન હતો. વોટ એ બ્રેવરી. જે શરૂ કર્યુ છે એ પૂરૂં કરવાનું સેલ્ફ બીલીફ.

કદાચ બંને ખેલાડીઓ રીટાયર્ડ હર્ટ થઇ શકત. પણ હાર માનવા કરતા બંને એ લડવાને પ્રાયોરીટી આપી. બંને તલવાર અને કવચ વગરનાં યોધ્ધાઓ રણમેદાનમાં અડીખમ ઉભા રહ્યા. વીસ ઓવર ઘટીને દસ થઇ. દસ રમાઇને પાંચ. ઓસ્ટ્રેલિયા વાળા મૂંઝાઇ ગયા. શું કરવું બેન સ્ટોક્સ. હીહીહી. એવું લાગ્યુ કે હમણાં જ ઓસ્ટ્રેલિયા કુરિયર દોડાવી બંને ખેલાડીઓને ઈનામમાં દસ હજાર સોનામહોર મોકલાવી દઉ. પણ સોનામહોર તો હતી નહીં. એટલે ચૂપચાપ થૂંક ગળી થ્રીલર મેચનો લૂત્ફ ઉઠાવ્યો. ભારતે એ ટેસ્ટ ડ્રો કરાવી. જીત કરતાય ડ્રો થયેલી મેચ વધારે સુહાની લાગી.


અને હવે આવ્યો સિરીઝનો ક્લાઇમેક્સ. ચોથી અને થ્રિલર ટેસ્ટ. એ પણ બ્યૂટીફૂલ સીટી બ્રીસબેનમાં વોલૂનગાબ્બા નામનો વિસ્તાર છે. જ્યાં આવેલું છે ગાબ્બા સ્ટેડિયમ. વીઝીટર ટીમો માટે ડર પેદા કરતુ બિહામણું સપનું. પત્રકારો અને એમાંય ખાસ કરીને ઓસ્ટ્રેલિયાઇ પત્રકારો આ સ્ટેડિયમમાં રમાતી મેચને ગાબ્બા-એબેઇટોર કહે. એબેઇટોર મિન્સ કસાઇખાનું. ગાબ્બાનું કસાઇખાનું. જ્યાં સામે વાળી ટીમ હલાલ થાય. અહીંયા બોલ પીચ પર બાઉન્સ, સ્વીંગ અને તેજ પેસ લે છે. અહીંયા ઘણા સારા સારા બેટ્સમેનનાં આત્મવિશ્વાસ તોડવામાં આવે છે. બેટ્સમેનોને પોતાની ઔકાત બતાવવામાં આવે છે.

1988થી ઓસ્ટ્રેલિયાનો આ ગઢ કોઇપણ દુશ્મન સેના સર નહોતી કરી શકી. 32 વર્ષ. એ ખૂબ મોટો ટાઇમ કહેવાય. જ્યારે કોઇ ખેલાડીની સ્લેજીંગ કરવાની હોય કે ટોણો મારવાનો હોય એટલે ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ ‘આવી જજો ગબ્બામાં જોઇ લઇશું.’ કહીને છાતી બહાર કાઢીને ચાલી શકે એવું રજવાડું. સિડની ટેસ્ટ વખતે ઓસ્ટ્રેલિયન વિકેટ કિપર કેપ્ટન ટીમ પેઇને પણ અશ્વિનનું બેટીંગમાંથી ધ્યાન બટકાવવા ટોન્ટ મારી દિધો, ‘તને ગાબામાં જોઇ લઇશું.’ ગાબ્બા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયા માટે ફેયરી ટેલ જેવું જ કંઇક.

ભારતનાં સૈન્યમાં ચોટીલ ખેલાડીઓનું લીસ્ટ લાંબુ થતુ જતુ હતુ. ત્રીજી ટેસ્ટમાં બેટીંગ કરતી વખતે રવિંદ્ર જાડેજાનો ડાબા હાથનો અંગૂઠો ભાંગી ગયો. એમાંય ભારતના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બૂમરાહને પણ માંસપેશીઓમાં ખેંચાણને કારણે હાઇ વોલ્ટેજ ટેસ્ટ મૂકાબલામાં સીમા રેખાની બહાર બેસવાનો વારો આવ્યો. તો ત્રીજી ટેસ્ટનાં હીરો હનુમા વિહારી પણ પગની માંસ પેશીઓમાં ખેંચાણને લીધે રૂલ્ડ આઉટ થઇ ગયો. તો અશ્વિન પણ બેક પેઇનને લીધે સીમા રેખાની બહાર હતો. ભારતનાં ટોટલ આઠ અનુભવી ખેલાડીઓ ચોટીલ કે અન અવેલેબલ હતા.

અને ચોથી ટેસ્ટમાં બીજાં બે ન્યૂ યંગ કમર્સ ટી નટરાજન, વોશિંગ્ટન સુંદરને ભારત તરફથી પહેલી મેચ રમવાનો મોકો મળી ગયો. ગીલ, સિરાઝ, સૈની, સુંદર, નટરાજન મળીને ટોટલ પાંચ ડેબ્યૂટન્ટ થયા. પ્લસ રીષભ પંત માંડ 15 ટેસ્ટમેચ રમેલો. તો મયંક અગરવાલની 14મી ટેસ્ટ મેચ હતી. આ સિરીઝ પહેલા એક ટેસ્ટ રમેલા શાર્દુલ ઠાકુરને પણ પ્લેયીંગ ઇલેવનમાં સ્થાન મળ્યુ. અગિયારમાંથી આઠ પ્લેયર્સ ન્યૂ કમર્સ, માત્ર ત્રણ – ચેતેશ્વર પૂજારા, કેપ્ટન અજીંક્યા રહાને અને રોહિત શર્મા ત્રીસથી વધુ ટેસ્ટ રમવા વાળા ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયાનું મોં ફાડીને રાહ જોતું ગબ્બા સ્ટેડિયમ.

યંગ ઇન્ડિયા ઓસ્સીઝની માટી પર કાંગારૂઝનાં ગઢને ભેદવા ટકરાવવાની હતી. એ પણ ઓસ્ટ્રેલિયાની ટીમના દુનિયાભરની ક્રિકેટ ટીમનાં સૌથી સારા બોલીંગ અટૈક સામે. પૈટ કમીન્સ, જોશ હેઝલ વૂડ, નૈથન લાયન, મિચલ સ્ટાર્ક – આ ચાર અનુભવી બોલરોએ મળીને 1000થી વધુ ટેસ્ટ વિકેટ પાડેલી છે. ટેસ્ટમાં જે ટીમનો બોલીંગ અટૈક સારો એ ટીમ બીજી ટીમ પર હાવી થઇ જતી હોય છે. કારણકે ત્રીજા, ચૌથા અને પાંચમા દિવસે બોલર્સને પીચ તરફથી ખાસ્સી મદદ મળતી હોય છે. તજજ્ઞો દ્વારા એવી રાય બાંધી દેવામાં આવી હતી કે ભારતની ટીમ ગમે તેમ કરીને મેચ ડ્રો કરાવી નાંખે તો પણ બહુ મોટી વાત છે.

પણ ચર્ચા અને અટકળોની વચ્ચે ટીમ ઇન્ડિયાની બોડી લેંગ્વેઝ કંઇક ઓર જ હતી. પહેલા દિવસથી જ આખી ટીમમાં ક્યાંય પણ શંકાને સ્થાન હોય એવું લાગતુ ન હતુ. ટીમ જીતવા માટે રમી રહી હોય એવું લાગતુ હતુ. મહમ્મદ સિરાઝ કે જેનાં રિક્ષા ચાલક પિતા સિરીઝ શરૂ થાય એ પહેલાં જ દિવંગત થઇ ગયા અને ટીમ મેનેજમેન્ટે તેને ઇન્ડિયા રવાના થવાની પરવાનગી આપી. પણ પોતાનાં પિતાનાં માન માટે ટૂર રમ્યો.

એણે મેચનાં પહેલા દિવસે બોલીંગની કમાન્ડ સંભાળી. અને છઠ્ઠા દડે જ ડેવીડ વોર્નરને ચાલતો કરી દિધો. અને પછી તો સુંદર, નટરાજન, સૈની, શાર્દુલ બધાંએ ઉમદા બોલીંગ કરી. ઇનીંગનાં કેટલાંક દડાઓ સિવાય લાગ્યુ જ નહીં કે નવાણીયા બોલરોનાં હાથમાં લાલ બોલ આપી દેવામાં આવ્યો છે. પણ ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનીંગમાં બેટીંગ કરતા 369નો માતબર સ્કોર ખડકી દિધો.

ઘડી ભર તો થયુ કે ટીમ ઇન્ડિયા હારી જશે. ગીલની વિકેટ થોડી જલદી પડી ગઇ. પણ શરૂઆત ઓવર ઓલ સારી રહી. પણ ધીમે ધીમે ધબડકો બોલી ગયો.186 રનમાં અડધો ડઝન ભારતીય ખેલાડીઓને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાઇ બોલરોએ ડગ આઉટમાં બેસાડી દિધા.

પણ વી આર ધ ટીમ એન્ડ વી રોક કહીને શાર્દુલ ઠાકુર અને સુંદરનાં અતિસુંદર રણોનાં વરસાદની બદૌલત બંને વચ્ચે 123 રનની પાર્ટનરશીપ થઇ અને ભારતીય ટીમની પહેલી ઇનીંગ સમાપ્ત થતા થતા 336 રનસ્કોર બોર્ડમાં જડાઇ ગયા.

ઓસ્ટ્રેલિયાની સેકન્ડ ઇનીંગને મહમ્મદ સિરાઝની પાંચ વિકેટનાં સ્પૈલ અને શાર્દુલ ઠાકુરની ક્રુશિયલ ચાર વિકેટે 294 રન પર બ્રેક મરાવી દિધી. છતાંય 97 ઓવરમાં 328નો ટાર્ગેટ હતો. અસંભવ તો ન કહેવાય, પણ ટેસ્ટ ક્રિકેટમાં 4 આસપાસની રનરેટનો રનચેજ મૂશ્કિલ જરૂર હતો. અને એમાંય આ મેદાન પર 240 ઉપરનો રણચેજ થયો જ ન હતો.

પણ રોહિત શર્માનાં ચોકાએ ખાલી સ્કોરબોર્ડને 4થી ભરી દિધુ ત્યારે લાગ્યુ કે ટીમ જીતવા ઉતરેલી છે. પણ શર્માજીનો છોકરો પોતાની પારીને સાત પર સંકેલીને પેવિલિયન ભણી ચાલતો થયો. અને ચેતેશ્વર પૂજારા મેદાન પર આવ્યો. એક બાજુ ગીલ પોતાની સ્ટાઇલથી રમતો હતો. એણે સ્ટાર્કની એક ઓવરમાં 20 રણ પેલી દિધા. તો બીજી તરફનો છોર પૂજારાએ ટકાવી રાખ્યો. દિવાલ તરીકે ઉભો રહી રીતસરનો ઝંડો ખોડી દિધો.

પૂજારાની પહેલી બાઉન્ડ્રી 103 બોલ પર આવી. કેટલાંક પાનનાં ગલ્લે બેસી ભાષણ ઝાડતા પકાઉ ભાઇસાહેબોએ તો રાડો પર ભાંભરવા માંડી હશે કે પૂજારા થોડું જલદી રમે તો જીતી જવાય કારણકે એક જ વિકેટ પડેલી છે. પણ એ ભાઇસાહેબોને બતાવી દેવાનું કે ભારતની એક જ વિકેટ એટલે પડેલી હતી કે એક તરફનો છોર ચેતેશ્વર બાપુએ મૂઠ્ઠી ભીંસીને પકડી રાખેલો હતો.

ગિલ 91 રન બનાવીને નેથન લાયનનો શિકાર બન્યો. કેટલાંક લોકોનું એવુ માનવુ હતુ કે શુભમન ગીલ આવનાર સમયનો સુપર સ્ટાર છે. પણ આ મેચમાં બતાવી દિધુ કે તેણે આવનાર સમયની પણ રાહ ન જોઇ. આ જીત હતી મોટા નામો પર મોટા કામની. થોડાં રનમાં રહાણે એ પણ પોતાની વિકેટ ગુમાવી દિધી.

પણ બીજી તરફ માથામાં, હાથ પર, છાતી પર સાત – આઠ વાર બોલ શરીર પર વાગવા છતાં પૂજારા જાણે મેડિટેશનમાં હોય એમ ફૂલ ફોકસ સાથે રીતસરનો ઝંડો ખોડી રીતસરની દિવાલ બનીને ઉભો રહ્યો. (ફિઝીયો ભાઇ એટલી વખત મેદાનમાં આવ્યા કે એની પોતાની કૈલરી ઘટી ગઇ હશે. હહહ.) હવે ભારતને જરૂર હતી 161 રનની.

અને ક્રિઝ પર રીષભ પંત આવ્યો. અને પોતાનાં આગવા અંદાજ પ્રમાણે ફાટ્યો પણ ખરો. ટી લંચ સુધીમાં ભારતનો સ્કોર હતો. 183 માં 3 વિકેટ. ઓવર વધી હતી 37 અને રન બાકી હતા 145 રન. 196 બોલમાં પૂજારાએ પોતાનાં કરીયરની સૌથી ધીમી ફિફ્ટી પૂરી કરી. અને માત્ર 6 રન ઉમેરી 56 પર એલબીડબલ્યૂ થઇ ગયો. (કોહલી, રોહિત શર્મા સૂપર સ્ટાર પોસ્ટર બોય ખેલાડીઓ – સૂપર સ્ટાર હશે. પણ ચેતેશ્વર પૂજારાને પોસ્ટર પર ચોંટવાની જરૂર સુધ્ધાં નથી. કારણકે એની એટલી બધી મહત્વપૂર્ણ ઇનિંગ્સ જ એને પોસ્ટરમાં પણ ન સમાય એવો લાર્જ ખેલાડી બનાવે છે.)

પેવિલિયનથી બેટ ઉંચકીને આવેલ મયંક અગરવાલ અને પંત સાહેબ જીત સિવાય કશું વિચારી જ નહોતા રહ્યા. બંને એ સ્કોર આગળ વધાર્યો. ભારતને 100 બોલમાં 80 રનની જરૂર હતી. અને મયંક આઉટ થઇને સીધી લીટી થયો.

અને નવા બેટ્સમેન સુંદરે ફરી અતિસુંદર ખેલ રમવાનું શરૂ કર્યુ. ઇન્ડિયાને 53 ગેંદમાં 53 રનની જરૂર હતી. મેચ થ્રિલર થઇ ગઇ હતી. મમરાનો ચેવડો મંગાવાઇ ગયો હતો. વિકેટ પડવાની બીકે શુકનિયાળ જગ્યાએથી ઉભા ન થવાનું નક્કી થઇ ગયુ હતુ. બંને ખેલાડીઓ વચ્ચે 52 દડામાં 50 રનની પાર્ટનરશિપ થઇ ચૂકી હતી. પણ ગેમનાં અંત સુધીમાં સુંદર અને શાર્દુલ બંને આઉટ તો થયા પણ ત્યાં સુધીમાં ટીમને જીતવા માટે 20 દડામાં 3 રન બાકી હતા. અને ફરી પંત સાહેબની 89 રનની બલ્લેબાજીએ જગાવેલી આશાએ ચોક્કો મારી જીતમાં ફેરવી નાંખી.


ગાબ્બાનાં ઐતિહાસિક મેદાન પર એક્શન પેક્ડ-થ્રીલર-એડવેન્ચરથી ભરેલી મેચ જીતી ભારતે ફરી ઇતિહાસ બનાવ્યો. ગાબ્બાનાં કિલ્લાને ભેદી નાંખ્યો. આમેય દુનિયામાં મોટામાં મોટા ઘમંડીનો ઘમંડ ભારતની ટીમે જ તોડેલો છે. એ પછી 1983નો વર્લ્ડ કપ જીતી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ઘમંડ હોય કે 2002ની નેટવર્થ સિરીઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ હોય, 2011માં વર્લ્ડ કપની દાવેદાર ઓસ્ટ્રેલિયાની ટીમ હોય કે 2021માં એ જ ઓસ્ટ્રેલિયાનો ગાબ્બા ઘમંડ હોય.


પહેલી ટેસ્ટમાં 91 વર્ષમાં સૌથી લોએસ્ટ સ્કોર 36 રન પર ઓલ આઉટ ટીમનું કમબેક શાનદાર લાગ્યુ હતુ. કારણકે જ્યારે તમે પડો ત્યારે બે પ્રકારનાં કેરેક્ટર ઉપસી આવતા હોય છે. એક જે મુસીબત આવે એટલે વધારે મૂસીબત તળે દટાતા થાય અને બીજાં મૂસીબત આવે ત્યારે એનાંથી ડબલ ધક્કે મૂસીબત પર હલ્લા બોલ કરે. અને ઇન્ડિયન ક્રિકેટ ટીમે બીજો રસ્તો અપનાવ્યો. અને બીજી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને 195 રને રોકી દિધુ. જ્યારે કોઇ ટીમ કે માણસ સૌથી નીચલા સ્તર પર પડી ફરી પાછો ઉભો થાય એને હરાવવો મૂશ્કેલ થઇ જાય. કારણકે હવે એની પાસે આત્મવિશ્વાસની સાથે સમજણ પણ આવી ગઇ હોય.

કેપ્ટન કોહલીની દુકાનની સાર સંભાળની જીમ્મેદારી જ્યારે અજીંક્યા રહાણે પર આવી ત્યારે તેણે થોડાંક ડબ્બા આમ તેમ કર્યા. પોતાની શક્તિ પ્રમાણે દુકાન ચલાવી. એમાંય પોતાનાં સાથીઓને લડતા, વાગતા જોયા છતાંય ખેલાડીઓએ એકબીજાંનો સાથ આપી પોતાની લડત શરૂ રાખી. વિચારો કે તમે તમારી કેપ્ટન છો અને તમારા સારા બેટ્સમેન – બોલર્સ ધીમે ધીમે લીસ્ટમાંથી નિકળવા લાગે, તો તમારાં મગજ પર શું વીતે? તમારી નીચેના ખેલાડીઓ પોતાનાં મિત્રોને ઘાયલ થતા જોઇને હતાશ થઇ જાય એનાંમાં યે જઝ્બો જગાવી રાખવાનો. પણ રહાણે એ હાર માની નહીં. અને આમ જ આત્મ વિશ્વાસ – લીડરશીપ – કેરેક્ટર બીલ્ડીંગ થતુ હોય છે.

ટીમ બિલ્ડીંગ એ એક દિવસ, એક મહિના જેટલા સમયથી ન બને. ધીરે ધીરે ચેન્જ આવે. સાત – આઠ વર્ષોની મહેનત હતી આ. જ્યારે ઘણાંય રાહુલ ડ્રવિડો ઇન્ડિયન સિનિયર ટીમનું કોચ પણુ એમ કહીને ઠુકરાવી દે કે ‘સિનિયર ટીમને શિખવાડનાર ટીચર્સ ઘણા હશે, પણ કેટલાંય જુનિયર ટેલેન્ટેડ ખેલાડીઓ માત્ર સારા કોચનાં અભાવે ગુમનામ થઇ જાય છે. હું એને શિખવાડીશ.’ ભારત બહાર પણ જીતી જ શકાય. એવુ જ્યારે ગાંગુલી કે ધોની શિખવીને જાય. ત્યારે પછીની જનરેશનને એક સમયે નામૂમકિન લાગતુ કામ પણ મૂમકિન થતુ જાય. આમ જ નવી જનરેશનની દુનિયામાં માસ્ટર માઇન્ડ કોહલીઓ જન્મે.

રણજી ટ્રોફી, આઇપીએલથી લઇને કાઉન્ટીની મેચોમાં દુનિયાનાં સારા ખેલાડીઓ સાથે રમીને કોઇ પણ પ્રેશર કન્ડિશનમાં રમી શકે એવા ખેલાડીઓ તૈયાર થાય. ત્યાં રમતા નવાણીયા ખેલાડીઓને વાતાવરણ જ એવુ મળ્યુ હોય કે એ ઓપર્ચ્યૂનિટીની રાહ ન જોવે પણ પોતાની સ્કિલ ડેવલપ કરતા રહે. કારણકે અગાઉની જનરેશનો પાસેથી શિખવા મળેલું છે. અને જ્યારે પોતાને ચાન્સ મળે એટલે ચાન્સ પર ચોક્કો જ મારી દે. કારણકે નવી જનરેશન આવે ત્યાં સુધીમાં એ પ્રકારનું પોઝીટીવ વાતાવરણ ઉભી થઇ ગયુ હોય.

કોઇ સિરાઝ છેલ્લી મેચમાં પાંચ વિકેટનો સ્પૈલ ખતમ કરીને સીમારેખાએ પહોંચે ત્યારે એક બૂમરાહને જાણે ભાઇ હોય એમ ગળે મળે. કારણકે બૂમરાહ બહાર રહીને પણ બોલર્સને મદદ કરતો હતો. કોઇ પૂજારા આખા શરીરે બોલ ખમીને પણ કોઇ વિહારી, ગીલ, પંત સાથે ક્રિઝ પર અડીખમ ઉભો રહે. ક્યારેક ઓવરમાં પાસે.આવીને સમજાવે – સજેશન આપે. કોઇ પંત ગીલને બેક કરે. કોઇ શાર્દુલ નટરાજન સાથે ખભે ખભો મિલાવીને ઉભો રહે. કોઇ અશ્વિન સુંદરને ટીપ્સ આપે. અને આમ ડ્રેસીંગ રૂમનાં માહૌલ, ફાઇટીંગ સ્પિરિટ અને સેલ્ફ બિલીફથી એક આત્મવિશ્વાસ, ડિટરમિનેશનથી ભરપૂર ટીમ તૈયાર થાય.

એક સમયે સચિન આખા ભારતની ઉમ્મીદ પોતાનાં ખભે લઇને મેદાન પર ઉતરતો. પછી સેહવાગ આઉટ થાય અને ટીવી બંધ થઇ જતી. પછી યુવરાજ સિંહ નો દૌર હતો. અને પછી કોહલી. પણ આ સિરીઝ જોઇને લાગ્યુ કે ફાઇનલી ટીમ ઇન્ડિયા એ ઇન્ડિવિઝ્યૂઅલ ખેલાડી પર નભવાનું મેન્ટલ બેરીયર ખતમ કરી નાંખ્યુ છે. હવે ટીમ ઇન્ડિયા જનરેશન નેકસ્ટનાં હાથમાં છે. જ્યાં કોઇ એક ખેલાડી સૂપર સ્ટાર નહતુ. પણ બધાં ખેલાડીઓ પોતપોતાની રીતે સ્ટાર ખેલાડીઓની જેમ ટીમ સ્પિરીટ સાથે લડ્યા.

અગિયારે અગિયાર ખેલાડીનો પોતપોતાનો રોલ હતો. બહાર બેઠેલા ખેલાડીઓનો પણ એક ખૂબસૂરત રોલ હતો. અને બધાએ પોતપોતાનો રોલ અદા કર્યો.

ઘણી મેચો રમાશે ને જીતાશે. ઘણી સિરીઝોનાં કપ દેશનાં નામે થશે. પણ આ સિરીઝ હંમેશાં યાદ રહેશે. હંમેશાં યાદ દેવડાવશે કે, ‘જ્યારે જીંદગી તમને 36નો આંકડો આપે ત્યારે, ગભરાયા વગર ગાબ્બા જેવી મૂસીબતોનાં પણ ગાભ્ભા કાઢી શકાય છે.’


વસીમ બરેલવીનો એક શેર છે ને, ‘કોઇ ટૂટી હૂઈ કશ્તી હી બગાવત પર ઉતર આયે, તો કુછ દિન કે લિયે યે તૂફાં સર ઉઠાના ભૂલ જાતે હૈં.’


લાસ્ટ શોટ :

વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય,
વિપત ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય.

-કવિ લલિત

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.