Tenet : a new way of time travel…

ટેનેટ : ટાઇમ ટ્રાવેલનો એક નવીન રસ્તો…

અત્યાર સુધી મૂવીઝમાં ટાઇમ ટ્રાવેલ બતાવવું હોય એટલે એક મશીન બતાવી દેવાનું જેમાં થોડીક સ્વીચ હોય, જેનાં વડે આસાનીથી પાસ્ટ કે ફ્યૂચરમાં જઇ શકાય. અને પોતાનાં પેરેન્ટ્સની યંગર લાઇફ, પોતાની જાતની ફ્યૂચર સેલ્ફ અને બીજું ઘણું બધું એક ‘ટાઇમ મશીન’ વડે જોઇ શકાય.

પણ, ક્રિસ નોલાન ભાઇ કે જેની ફિલ્મો આમજનતા માટે તો ઠિક પણ મોટા મોટા સાયન્ટીસ્ટ અને વિચારકોનાં ટોળામાંયે બૂમ પેદા કરતી હોય છે એ ભાઇ આગળ આવ્યા ,‘ભાઇઓ અભી હમ જીંદા હૈં. હમ ટાઇમ ટ્રાવેલ કા નયા તરીકા લાયે હૈં. ઉસકા નામ હૈં. ટાઇમ ઇન્વર્ઝન’.

હજુ તો ડન્કર્કની વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ આંખોમાં રમે છે, ‘ઇન્ટરસ્ટેલર’નાં બ્લેક હોલ અને વર્મહોલનાં પ્રતાપે ઇન્ટરનેટ પર બ્લોગ લખાતા જ રહે છે, ઇન્સેપ્શનનાં ડિસ્કશનની આગ ઓલવાઇ નથી, ‘ડાર્ક નાઇટ રાઇઝીસ’નો સૂર્ય આથમવાનું નામ નથી લેતો અને ત્યાં તો ભાઇ બીગ બજેટ કોમ્પ્લેક્સ ‘ટેનેટ’ મૂવી લઇને આવી ગયા. અને ફરી બીગ બઝ્ડ વાવાઝોડાં ઇન્ટરનેટની જાળીમાં ગુંથાવાનાં શરૂ થઇ ગયા.

સ્પોઇલર્સ અહેડ. ડોન્ટ વરી, આખી સ્ટોરી માથામાં મારીને જેમણે મૂવી જોયુ નથી એમની મજા બગાડવી નથી. બસ મૂવીમાં બતાવેલા કેટલાંક સાયન્ટીફિક ટર્મ્સ સમજીએ. એટલે જેમણે મૂવી નથી જોયુ અને જેમણે જોયું છે પણ કંઇ ટપ્પો નથી પડ્યો એમને ફિલ્મ સમજવામાં આસાની રહે. નોલાને ફરી એકવાર મૂવીનાં સાયફાઇ કોન્સેપ્ટને મજબૂતી આપવા 2017નાં ફિઝીક્સમાં નોબેલ પ્રાઇઝ વિજેતા ભૌતિકશાસ્ત્રી ‘કિપ થોર્ન’ને નિયૂક્ત કર્યા. જેમણે ‘ઇન્ટરસ્ટેલર’માં ક્રિસ નોલાનની ખૂબ મદદ કરેલી.

ટેનેટ ફિલ્મ વર્તમાન અને ભવિષ્ય વચ્ચેની સિક્રેટ બેટલ અને વર્લ્ડ વોર થ્રી થતુ અટકાવવાની કોશિશ પર છે. વર્તમાનનાં લોકોએ ફ્યૂચરનાં લોકો માટે પૃથ્વી જીવવા લાયક નથી રહેવા દિધી. અને એટલે ભવિષ્યનાં લોકોએ ગુસ્સામાં આવીને એક એવી ટેક્નોલોજી ‘ટર્નસ્ટાઇલ્સ’ બનાવેલી છે જેનાં વડે તે લોકો કોઇ વસ્તુ કે ઇવન વ્યક્તિઓની એન્ટ્રોપીને રીવર્સ કરી ટાઇમને રીવર્સ કરી શકે છે અને યુધ્ધ શરૂ કરવા વસ્તુને ફ્યૂચર જનરેશન વર્તમાનમાં મોકલી શકે છે.

પણ અહીંયા એક સવાલ છે : એન્ટ્રોપી એટલે શું? જો સાયન્સનાં વિદ્યાર્થી હો અને ભણવામાં ધ્યાન આપ્યુ હોય તો અગિયાર – બારની કેમેસ્ટ્રી અને ફિઝીક્સ બંનેની બૂકમાં એન્ટ્રોપીનો કોન્સેપ્ટ સરસ રીતે સમજાવેલો છે. અને જો તમે ભણવામાં ધ્યાન નથી આપેલું કે તમે સાયન્સનાં સ્ટૂડન્ટ નથી તો કોઇ વાંધો નહીં. આઇ વીલ એક્સપ્લેઇન.

આમ જોઇએ તો ફિઝીક્સનાં મૂળભૂત સૂત્રો ( ઇક્વેશન્સ, યૂ નો!) ટાઇમની દિશા વિશે કોઇ માહિતી આપતા જ નથી. માત્ર ટાઇમનું મૂલ્ય જ આપે છે. પણ થર્મો ડાયનેમિક્સનો બીજો નિયમ જ ટાઇમની દિશા આપે છે. અને એનાં માટે પહેલા એન્ટ્રોપી શબ્દને સમજવો પડે. એન્ટ્રોપી એટલે સિસ્ટમ કે વસ્તુમાં કેટલી અચોક્કસતા છે એનું માપ. સિમ્પલ ભાષામાં એન્ટ્રોપી ટાઇમનું તીર છે. જ્યારે કોઇ વસ્તુ આગળ વધે ત્યારે તેની એન્ટ્રોપી વધે. હવે આવે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. જ્યાં સુધી કોઇ સિસ્ટમ (કોઇ વસ્તુ જેમાં હજારો પાર્ટીકલ્સ હોવાનાં) માં વિક્ષેપ પાડવામાં ન આવે ત્યાં સુધી તેની એન્ટ્રોપી વધવાની અને સિસ્ટમ વધારે અચોક્કસ થાય. જ્યાં સુધી સિસ્ટમને રીવર્સ ન કરવામાં આવે ત્યાં સુધી.

ખબર પડી? નોન સાયન્સ માણસોનાં માથા પરથી બાઉન્સ થઇ ગયુ હશે. હાહાહા. ઓકે. ઇઝી પીઝી લેમન સ્ક્વીઝી એક્ઝામ્પલથી સમજીએ. આઇસ્ક્રીમ ઓગળે કે લાકડું બળે ત્યારે એન્ટ્રોપી વધે અને વસ્તુઓ ફરી પાછી ઓરીજીનલ સ્ટેટમાં ન આવે. કારણકે આપમેળે એન્ટ્રોપી ઘટવાની નથી. બૂલેટમાંથી ગોળી છૂટે તો એ આપમેળે પાછી ન આવે, એકવાર ઇંડુ તૂટી જાય તો ફરી જેવુ હતુ તેવુ અકબંધ ન થાય, એકવાર હાથમાંથી પડેલી કાંચની ચીજ ફૂટી જાય તો આપમેળે હેરીપોટરની જાદૂઇ છડીનાં ઝટકાની જેમ વસ્તુ ફરી પાછી જોડાઇ ન જાય. રેફ્રિજરેટરમાં આપણે પાણીમાંથી બરફ બનાવીએ એ એન્ટ્રોપીને કુત્રિમ રીતે ઘટાડવાની કરવાની પ્રક્રિયા થઇ. પણ આપણે બધી વસ્તુઓની એન્ટ્રોપી ઘટાડી ન શકીએ.

‘ટેનેટ’ફિલ્મનાં ડાયરેક્ટર-લેખક ક્રિસ નોલાને એન્ટ્રોપીને રીવર્સ કરી શકે એવું ડિવાઇઝ ઘડી નાંખ્યુ એટલે હવે ટાઇમ પણ રીવર્સ થઇ ગયો. તમે પોતે નોર્મલ હશો, પણ બાકીની દુનિયા રીવર્સ ગિયરમાં ચાલતી હશે. ઉડીને આવતી ધૂળ પાછી જતી હશે. આજુબાજુનાં માણસો રીવર્સમાં ચાલતા હશે. ઓગળીને થઇ ગયેલા દૂધમાંથી આઇસ્ક્રીમ બનતો હશે.

પણ મજાની વાત એ છે કે તમારે પાંચ વર્ષ પાછળ જવું હશે તો ટાઇમ મશીનની જેમ સ્વીચ દબાવીને પાંચ વર્ષ પાછળ નહીં જઇ શકાય. તમારે પાંચ વર્ષ રીવર્સ જીંદગી જીવવી પડશે. જેવા તમે ‘ટર્નસ્ટાઇલ્સ’ નામનાં ડિવાઇઝમાં એન્ટર થાવ એટલે તમારા બે વર્ઝન રચાય. એક વર્તમાન વાળું વર્ઝન અને એક ભૂતકાળમાં જતુ વર્ઝન જેની એન્ટ્રોપી રીવર્સ થઇ ગયેલ છે.

એટલે ભવિષ્યનો વ્યક્તિ ભૂતકાળમાં જઇ ભૂતકાળમાં રહેલી પોતાની જાત સાથે ભવિષ્યમાં શું બનવાનું છે. એની માહિતીનું આદાન પ્રદાન કરે. અને રચાય એક માહિતીનું લૂપ. એને કહેવાય ટેમ્પોરલ પીન્સર મૂવમેન્ટ.

જે માણસની એન્ટ્રોપી ઇન્વર્ટ થઇ હશે તેણે પોતાની સાથે પોતાની હવા પણ લઇ જવી પડશે. કારણકે હવા નાક વાટે શરીરમાં જવાની જગ્યાએ બહાર નિકળતી હશે. એટલે જ ફિલ્મ સમજવી હોય તો માસ્ક પહેરેલી વ્યક્તિઓ ઇન્વર્ટેડ છે, એમ યાદ રાખવું.

અહીંયા મારા મત પ્રમાણે એક લૂપહોલ છે. આપણી આંખોને રોશની કઇ રીતે મળે? આસપાસની ચીજો આપણે કઇ રીતે જોઇ શકીએ? સૂર્ય કે કોઇ પ્રકાશનાં સ્ત્રોતમાંથી આવતો પ્રકાશ એ વસ્તુ પર પડે અને એ વસ્તુ પર ભટકાઇને પ્રકાશ આપણી આંખમાં પડે. અને આપણી આંખો વસ્તુ જોઇ શકે. પણ જો કોઇ વ્યક્તિ ‘ટર્નસ્ટાઇલ્સ’ થકી ભૂતકાળમાં જતી હોય તો તેમને કંઇ પણ દેખાવુ ન જોઇએ. કારણકે અહીંયા તો બધી વસ્તુઓની જેમ પ્રકાશ પણ આપણી આંખ પર પડવાને બદલે રીવર્સમાં જતો હોવો જોઇએ. અને આપણને કંઇ પણ દેખાવુ ન જોઇએ.

બટ ધીસ ઇઝ મૂવી. અને આમેય દુનિયામાં જેટલાં માતબર ઇન્વેન્શન થયા એ બધા આ જ રીતે કાગળ પર વાર્તા બનીને આવેલ છે. એટલે આવાં ટેક્નિકલ પ્રોબ્લેમ્સ આવકાર્ય છે. ડાયરેક્ટર કેટલીક ક્રિએટીવ લિબર્ટી લઇ શકે. કોઇકને આવો જબરદસ્ત વિચાર આવવો એ પણ ખૂબસૂરત વાત છે.


એક મહિનાનાં લોંગ ડિલે પછી માંડ રિલીઝ થયેલી ‘ટેનેટ’ થિયેટરમાં જોવી એ પણ એક જીંદગીનો ગ્રાન્ડ એક્સપિરિયન્સ છે. ફિલ્મમાં એવા સીન છે કે દિલ બોલી ઉઠે. ‘ઓ ભાઇ… ક્યા થા યે!’ ગનમાંથી ગોળી છૂટવાને બદલે પાછી આવે એ અદ્ભૂત છે. ફિલ્મમાં આવતો દિલધડક કાર ચેઝ શાનદાર છે. અને એનાંથીયે શાનદાર છે, બિલ્ડીંગ સાથે આખે આખુ ભટકાડાતુ અને બળતુ વિમાન અને ફરી રીવર્સ ગિયરમાં થતી આખી પ્રક્રિયા. મૂવીનાં ક્લાયમેક્સમાં પડી ગયેલી બિલ્ડીંગ ફરી પાછી ઉભી થાય એ તો માઇન્ડ બોગલીંગ સીન છે.

મૂવી થિયેટરમાં જોઇએ ત્યારે સાઉન્ડ ક્યારેક એટલું બધું લાઉડ થઇ જાય છે કે મૂવીમાં કેટલાંક ડાયલોગ નિરખીને સાંભળવા પડે છે.

ક્રિસ ભાઇની બીજી બધી મૂવીઝની જેમ આમાં પણ પાત્રો રોમેન્ટીક લેસ, ઇમોશન લેસ લાગે. હા, ક્રિસ ભાઇ સ્ટ્રોંગ આઇડિયાઝ અને ક્રિએટીવીટી માટે તો સન્માનનાં હકદાર છે જ. પણ તમે મીસ્ટર નોલાનની કોઇ પણ મૂવી ઉઠાવી લો. ડનકર્ક, ઇન્સેપ્શન, પ્રેસ્ટીજ, મોમેન્ટો. પાત્રો જાણે ઠંડા અને કુત્રિમ હોય એવું લાગે. દર્શક સેક્સલેસ અને કુદરતી આવેગો વગરનાં પાત્રો સાથે અટેચમેન્ટ બાંધી જ ન શકે.

અને છેલ્લી બે ફિલ્મો ‘ડનકર્ક’ અને આ ‘ટેનેટ’ બંનેમાં સ્ક્રીપ્ટમાં બરાબર કામ કરેલું ન હોય એવું લાગે છે. આમ તો ટેનેટ ક્રિસ ભાઇની સૌથી કોમ્પ્લેક્ષ મૂવી છે. પહેલી વાર ફિલ્મ જોઇએ તો કન્ફ્યૂઝ થઇ જઇએ. કિન્તુ બીજીવાર જોઇએ ત્યારે વાર્તા સ્ટ્રેટ ફોરવર્ડ, એકદમ સીધી સાદી લાગે. પાત્રોની બેકગ્રાઉન્ડ લાઇફ વિશે વધારે વાર્તા ઘડી હોત તો ઓર મજા પડત.

બધા લોકોને પોતાનું સ્પેસિફીક ઓબ્સેશન હોય. ક્રિસ ભાઇને ફિલ્મનાં કેરેકટર્સનો ‘ટાઇમ’ ભાગી જતો હોય, આટલા ટાઇમમાં કામ પતાવી જ દેવું પડશે એવું બતાવવાનું અને એક સીન પછી ટાઇમ ફ્રેમ બદલાવી સીધા બીજા સીન પર જમ્પ કરાવી સ્ટોરીને કોમ્પ્લીકેટેડ કરવાનું વળગણ હોય એવું લાગે. એની મોટાભાગની ફિલ્મો ટાઇમ થીમ પર બેઝ્ડ હોય છે. ‘મેમેન્ટો’ (આમીર ખાનનું ગઝની) માં ફોરવર્ડ બેકવર્ડમાં ચાલતી સ્ટોરીમાં ફ્લેશબેક અને ફ્લેશ ફોરવર્ડ નાંખીને આપણા હિરો પાસે કેટલો ઓછો ટાઇમ છે એ બતાવ્યુ. તો ‘ઇન્સેપ્શન’માંય ઊંઘમાં સપનાની અંદર સપનામાં ટાઇમને બેન્ડ કરીને સપનામાં જલ્દી જલ્દી વ્યક્તિનાં મગજમાં આઇડીયા ફીટ કરવો પડશે. એનાં પર આખી વાર્તા ગૂંથી.

‘ડનકર્ક’માં ફરી પાછી ત્રણ અલગ અલગ સ્ટોરીમાં ઘડીયાળનાં કાંટા દોડે છે. થોડાંક કેરેક્ટર્સ એક કલાક પહેલાની સ્ટોરી બયાં કરે, કેટલાંક એક દિવસ પહેલાની ટાઇમ લાઇનની સ્ટોરીનાં કેરેકટર્સ હોય તો કેટલાંક એક અઠવાડીયા પહેલાની ઘટનાઓ બયાં કરતા હોય. અને મૂવી બે કલાકમાં પતાવવાનું છે એટલે ત્રણેય જૂથનાં પાત્રો માટે ટાઇમ અલગ અલગ રીતે કામ કરતો હોય. ‘ઇન્ટરસ્ટેલર’ની આખી સ્ટોરી લાઇન જ ટાઇમની ઇર્દગીર્દ ઘૂમે છે.

‘બેટમેન’ ટ્રાયોલોજીમાં તો ક્યારેક ટાઇમ ભાગતો હોય, ક્યારેક ટાઇમ ધીમો થઇ ગયો હોય, ક્યારેક ટાઇમ ચહેરા સામે આંખો ફાડીને ઉભો હોય એવું બતાવેલ છે. બેટમેન રાચેલને બચાવશે કે હાર્વેને, બ્રુસ જલ્દી જલ્દી ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરે. અને બીજી કેટલીયે ઘટનાઓ થકી આખી ટ્રાયોલોજીમાં ‘ટાઇમ’ને ખૂબ સરસ રીતે દર્શાવેલ છે. તો ‘પ્રેસ્ટીજ’માં ય પ્રેજન્ટ અને પાસ્ટ ટાઇમ ફ્રેમનો મજેદાર ઉપયોગ કરેલ છે. કોમ્પ્લેક્સ સ્ટોરી ટેલીંગની સાથે બંને કેરેક્ટર એકબીજાંની સાથે બદલો લેવામાં કેટલો ટાઇમ વેસ્ટ કરે એ બખૂબી બતાવેલ છે. ટાઇમ અને નોલાનને ક્યારેય જુદાં પાડી જ ન શકાય.

ક્રિસ ભાઇની બધી ફિલ્મોમાં મૂખ્ય પાત્ર ત્રીસી વટાવી ચૂકેલ અમેરીકન ગોરો હોય પણ અહીંયાં બ્લેક હીરો જ્હોન ડેવીડ વોશિંગ્ટનની પસંદગી થઇ. પણ ફિલ્મમાં જોવા જેવી ચીજ તો ઉંચી બ્યૂટીફૂલ એલીઝાબેથ ડેબીકી છે તો ‘ટ્વાઇલાઇટ’ ફેમ રોબર્ટ પેટીન્સનનાં ચાર્મને જોવાનીયે મજા આવે છે. સ્ટાયલીશ ડિમ્પલ કાપડીયા પણ ધ્યાન ખેંચે છે. બાકી વિલન કેનેથ બ્રાનાઘને તો કાર્ટૂન બતાવી દીધો છે. ક્રિસ ભાઇ પાવરપેક્ડ કાસ્ટનો બરાબર ઉપયોગ નથી કરી શક્યો એવુ લાગે.

છતાં પણ ‘ટેનેટ’ થિયેટરમાં તો પૈસા વસૂલ જ છે. તમને ટર્મીનેટર પ્લસ જેમ્સ બોન્ડ પ્લસ ક્યૂરીયસ કેસ ઓફ બેન્ઝામિન બટન (બ્રાડ પીટનું આ મૂવી જોયુ છે? ન જોયુ હોય તો જોઇ નાંખો.) નો ત્રિવેણી સંગમ જોવા મળશે. વોચ ઇટ.


પૃથથીંગ: જો તમે સાયન્સનાં રસિયા કે સાયન્સનાં સ્ટૂડન્ટ ન હો તો ય આ મૂવી જોવાની મજા પડશે. ફિલ્મમાં પેલી ‘હેરી પોટર એન્ડ ગોબ્લેટ ફાયર’ ફેમ ક્લેમેન્સ પોસીનાં મોઢે બોલાયેલો ડાયલોગ યાદ રાખવો. ‘સમજવાની કોશિશ ન કરો, બસ ફિલ ઇટ.’

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.