મિત્રાળી – દોસ્તીની કલરીંગ રંગોળી : યારો દોસ્તી બડી હસીન હૈં, યે જો ના હો તો ફિર બોલો ક્યા જીંદગી હૈં…

દિલ ચાહતા હૈં કભી ના બીતે યે ચમકીલે દિન,
દિલ ચાહતા હૈં હમના રહે કભી યારો કે બીન.

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે;
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.

આમ તો દોસ્તીની ફિલીંગને ફિલ કરવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની આ ચાર અંકોડાની કવિતા કે આ આખો લેખ વાંચવાની જરૂર જ નથી. એનાં માટે તો દોસ્તોની આંખો અને હદય વાંચતા આવડવું જોઇએ. પણ ખેર શબ્દો વડે દોસ્તીને સમજવાની કોશિશ તો કરી જ શકીએ.

મોટા ભાગની કૂવામાં પાણી ખેંચતા રાંઢવા જેવી મજબૂત દોસ્તી તો સ્કૂલ – કોલેજની કાચી ઉંમરે જ પાક્કી થઇ જતી હોય છે, અને આવરદાની ત્રીસી-પાંત્રીસી સુધીમાં તો જીંદગીનાં ગુલ્લકમાં જેટલા દોસ્તીનાં ખણખણતા સિક્કા ભરવાનાં હોય એટલાં ભરાઇ ગયા હોય છે. પછી ભાગ્યે જ કોઇ યાર – દિલદાર પાછળથી આપણી લાઇફનાં સરઘસમાં જોડાતા હોય છે.

પછીથી જોડાયેલા કામ – ધંધા મિત્રો સાથે સંબંધ તો સુગંધીદાર જ રહે છે, પણ ઝડપથી તૂટી જાય એવી રીલની દોરી જેવાં. બસ હોય તો નજીક બડીઝ, બહારથી છંટાતા અત્તર જેવા. જેમાં પેલો જૂનો શરાબ જેવો નશો ન હોય.

દહીંને બાંધીને બનેલા શ્રીખંડની જેમ સમયે સમયે નિતરતા નિતરતા વધેલાં નિકટનાં મિત્રો આંગળીનાં વેઢાંમાં ગણી શકાય એટલા જ હોય. અને એમાંય જે સાચ્ચા કહી શકાય એવાં મિત્રો તો તર્જની ઉર્ફ ઇન્ડીકેશન આંગળીનાં વેઢાંમાં જ હોય. આમેય કામપતાવ કે દૂરથી દર્શન મિત્રોને સમયે સમયે રદિયો આપવો જ પડે, તાળી મિત્રોથી મૂવ ઓન કરવું જ પડે. ટાઇમે ટાઇમે દાતરડાં વડે ઝાડી – ઝાંખરા કાપતા જવા પડે તો જ તમે તમારો ટાઇમ અને એનર્જી જે ખરેખર ગોલ્ડન છે એવાં ભાઇબંધો માટે આપી શકો.

લાઇફ નામની ધૂળેટીમાં બધા મિત્રો પાસે અલગ અલગ રંગો હોવાનાં. એક જ દોસ્તાર પાસે બધા રંગો ન જ હોય. એટલે તમે કોઇ એક દોસ્ત પર બધી જ રીસ્પોન્સિબીલીટી ઢોળી નાંખો કે એક જ રીશ્તા પર બધા પ્રકારની એક્સપેક્ટેશન્સ રાખો એ ન ચાલે. (આ સબક પ્રેમી કે સ્પાઉઝ માટેય યાદ રાખવા જેવો ખરો.)

કોઇ સાથે તમે ઠહાકાં લગાવી શકો, તો કોઇ સાથે બળાપાં ઓકી શકો, કોઇ સાથે મૂવી રીવ્યુની વાતો કરી શકો, કોઇ સાથે સરસ બૂક પર ડિસ્કશન કરી શકો. કોઇક જોબ-ધંધા મિત્ર હોય, કોઇક બાઇક ઢાળીને ફેંકાફેંકી કરતા મિત્ર હોય.

કોઇક તમારો કોફી ફ્રેન્ડ હોય, કોઇક તમારો ક્રિકેટ બડી હોય. આ બધા મિત્રો ભેગા મળીને આપણી લાઇફનું કલરફૂલ મેઘધનુષ રચતા હોય છે. કોઇ દોસ્ત પાક્કો હોય, કોઇ થોડાં સમય પૂરતો હોય, પણ દોસ્ત નક્કામો ન હોય. બધાનો પોતાનો એક રંગ તો હોય.

બક્ષી સાહેબે લખેલું એમ, ‘બહું હોંશિયાર માણસને દોસ્તાર ન હોય. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે, દાવ પેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે, ખિસ્સામાંથી બંધ મૂઠ્ઠીઓ બહાર કાઢી ખોલવી પડે છે.

દોસ્તી તો ખૂલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડીને રમનારને એ ફાવતી નથી.’

યસ, દોસ્ત જીંગલ એન્ડ મીંગલ ની સાથે જરા પાગલ હોય. દોસ્તાર તમને જેવા છો એવાં જ પસંદ કરી લે (મેરેલીન મનરો). એને ખબર જ હોય કે તમે કેવાં છો, કઇ જગ્યાએ તમારો નટબોલ્ટ ઢીલો છે ને તમે કેટલાં ટકા સોનાથી મઢાયેલા છો. દોસ્તારની સામે તમારે દિલની ખીડકીઓ ખોલી નાંખવી પડે, નહીંતર સામસામે ઓળખી કઇરીતે શકો, અને દિલથી અપનાવી કઇ રીતે શકો.

દોસ્ત મહાન નથી હોતા. દોસ્તી મહાન હોય છે. ઓલ્વેઝ રીમેમ્બર.

દોસ્તી બડી બડી બીગ થીંગ્સમાં નથી હોતી, જો મોટી મોટી થીંગ હોય તો ફિલીંગ ઉપરછલ્લી રહે. દિલનો એક્સરે નિકળતો હોય તો ખબર પડે કે લાગણી બરાબર અંદર તક ઘૂસી નથી. દોસ્તી માત્ર જોક્સ, પાર્ટી, સેલિબ્રેશન જ નથી. માત્ર થિયેટરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાતી મૂવી જ નથી ને એચડી કેમેરામાં ફોટોશૂટ કરી ઇન્સ્ટાગ્રામ પર મૂકાતી પોસ્ટ જ નથી.

યારી તો ઝીણી ઝીણી મિલીયન થીંગ્સ છે.

યારી નિખાલસ થતુ કન્વર્ઝેશન પણ છે ને અવાવરા રોડ પર શિખવાડાતી બાઇક પણ છે. ભાઇબંધીનાં ભડાકા કરતા બાઇક પર ફરવા નિકળેલા ચાર યાર પણ છે ને, એક્ઝામની પાછલી રાતે પાસ કરાવવા બની ગયેલો ગુરૂ પણ છે. એ જોબથી ફ્રસ્ટ્રેશનમાં આવી નિકળતી ગાળોય છે ને, લોંગ ડિસ્ટન્સ દોસ્તીમાં થોડાં થોડાં સમયે થતા ફોન કોલ્સ પણ છે. ટેન્શન છૂમંતર કરતી વોક – ખભા પરનો હાથ પણ છે ને રડી – કકળી શકાય એ હૂંફાળું હગ પણ છે.

દોસ્ત બનાવવાની કોઇ સિક્રેટ રેસીપી નથી. “જ્યારે હું તને પહેલીવાર મળ્યો ત્યારે મને ખબર ન હતી કે તુ મારી જીંદગીનો અહમ હિસ્સો બની જઇશ.’ ફ્રેન્ડશીપની શરૂઆત બસ આ જ રીતે થતી હોય છે : આકસ્મિક. અને પછી આપણે બધા સુગંધીદાર સંબંધોની જેમ ફ્રેન્ડશીપનાં રોઝ-મહેક રીલેશનશીપ માટેયસમયે સમયે પાણી પાવુ પડે, સૂર્યપ્રકાશનો તડકો બરાબર મળી રહે એ જોવુ પડે.

ગરમી-તડકા-વરસાદ કોઇ પણ સંજોગોમાં રક્ષણ કરવું પડે. અને એકબીજાંને ઉગવા માટેનો સમય પણ આપવો પડે. તો જ ફ્રેન્ડશીપ ટકી રહે.

પણ છતાંય એક રેસિપી ડેલ કાર્નેગીએ ‘હાઉ ટુ વીન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લૂઅન્સ પીપલ’ નામની હજુયે બેસ્ટ સેલીંગ બૂકમાં આપેલી. ‘કોઇ તમારામાં ઇન્ટરેસ્ટ લે એવી ટ્રાય કરો તો તમે બે વર્ષમાં જેટલાં ફ્રેન્ડ ન બનાવી શકો એટલાં તમે બીજાં લોકોમાં જીન્યૂઇન રસ દાખવીને બે મહિનામાં બનાવી શકો.’ આ તો ફ્રેન્ડ બનાવવાની વાત થઇ, પણ સજ્જડ બંધ ફ્રેન્ડશીપ બનાવવા તો સોક્રેટીસનું ક્વોટ યાદ રાખવાનુ. ‘દોસ્તીની રફ્તાર ધીમી રાખો પણ સતત અને સખત રાખો.’ તો એરીસ્ટોટલ બાબાએ પણ આ જ વાતને થોડી તોડીમરોડીને પેશ કરેલ છે. ‘એક ફ્રેન્ડ બનાવવો ઝડપી કામ છે, પણ દોસ્તી કરવી એ ફળને પાકવા દઇ ઉતારવા જેવું ધીમું કામ છે.’

દોસ્તી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે – ટાઇમ. જેમ પાણીમાંથી બરફ બને ત્યારે એક્ઝેક્ટ 0°C તાપમાન જોઇએ. ના એનાંથી વધારે ના એનાંથી ઓછું. જેમ પાણીને સતત ઠંડુ કર્યા કરવુ પડે જ્યાં સુધી પાણીનું ફ્રિઝીંગ પોઇન્ટ ન આવી જાય. એવી રીતે કલર ન છૂટે એવી પાક્કી ફ્રેન્ડશીપ માટે પણ સતત એફર્ટ કર્યા કરવા પડે. જેવી રીતે તમે કેટલો વધારે સમય ફ્રિજમાં રાખો છો એનાંથી બરફ ન બને પણ તમારૂં ફ્રિજ કેટલી ઠંડક આપે છે એનાં પર બને તેવી જ તમે કેટલો વધારે સમય કોઇની સાથે સ્પેન્ડ કર્યો છે, એનાં આધાર પર દોસ્તીનું મેઝરમેન્ટ ન થાય પણ તમે એમની સાથે કેવો ક્વોલીટી ટાઇમ પસાર કર્યો છે એનાં પર થાય. એકવાર એ ફ્રિઝીંગ પોઇન્ટે દોસ્તી પહોંચી જાય. એ પછી દોસ્તને બધી વાતો સમજાવવી ન પડે, કેટલીક વાતો બસ કહ્યા વગર સમજાય જાય. પછી તમને ખબર પડવા લાગે કે દોસ્તને શું ગમે છે ને ક્યારે ચૂપ થઇ જવું.

પણ પછી પણ બરફને ઠંડો રાખ્યા કરવો પડે ઉર્ફ દોસ્તને કેલેન્ડરનાં આધાર પર નહીં, દોસ્તીની જરૂરીયાતનાં આધાર પર સમય આપ્યા કરવો પડે, નહીંતર બરફનું ફરી પાછું પાણી થઇ જાય. લાંબા સમય સુધી જે દોસ્ત સાથે વાત ન થઇ હોય, તો કન્વર્ઝેશન ઓકવર્ડ થઇ જાય. લોંગ ટાઇમ કનેક્શન તૂટી ગયા પછી ફરી મળવાનું થાય ત્યારે દોસ્તની પ્રાયોરીટી, લાઇફનાં સિધ્ધાંતો બદલાય ચૂક્યા હોય એટલે તેની સાથે તાલમેલ મેળવતા થોડી વાર લાગે કે પછી બસ હાય હેલ્લો સુધીનો જ સંબંધ બચે એવું ય બને. એટલે દોસ્તી સતત અને સખત થવી જોઇએ. જો રૂબરૂ ન મળી શકાય તો પણ સંપર્ક તો બનાવી જ રાખવો.

દોસ્તી માપવાની મેજરટેપ છે – સાયલન્સ. બે દોસ્ત વચ્ચેનું મૌન કમ્ફર્ટેબલ હોવુ જોઇએ. જેની સાથે તમે વોક પર નિકળ્યા હો અને બોલવાનુ બંધ કરી દો અને ચૂપચાપ ચાલ્યા જાવ તો પણ અજીબ ન લાગે. જ્યારે મૌન ઓકવર્ડ હોય ત્યારે સમજવાનુ કે દોસ્તી બરાબર જામી નથી કે કોઇ એક દોસ્તે ખીસ્સામાં હાથ નાંખી મૂઠ્ઠીઓ વાળી દિધી છે.

દોસ્તીમાં આમેય સેન્સ ઓફ ટાઇમીંગ કમાલ જ હોય. ક્યારે બોલવુ અને ક્યારે ચૂપ રહેવું. આપણને ખબર જ હોય કે મિત્ર સામે તમે ગમે તે બોલશો એ ચૂપચાપ સાંભળી લેશે. આપણી મગજની ગરમ તપેલીને સાણસી, ગાભો કે અન્ય કોઇ રીતે પકડી રાખતો એ હાથ દોસ્ત છે. એ તપેલીને ઢોળાવા ન દે.

તો દોસ્તીને પીછાણવાનો બેસ્ટ સમય છે – આપત્તિ. ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ કે એકાદ – બે મૂશ્કેલ સમય આપે જીવનમાં. ખબર પડે કોણ લાઇફ લોંગ હમરાહી નિવડી શકે છે ને કોણ અડધેથી છટકીને ભાગી જાય છે. દોસ્ત તમારા બધા જ પ્રોબ્લમ્સનાં સોલ્યૂશન આપે, જે તમને એડવાઇસ આપે એ માટે નથી હોતા.

પેલાં ગણીતજ્ઞ પાયથાગોરસે પણ ફ્રેન્ડશીપ પર સરસ વાત કહેલી, ‘દોસ્તો તો જીંદગીનાં રોડ પરની જર્નીમાં ખૂશીથી જીવવા એકબીજાંને મદદ કરતા કમ્પેનિયન છે.’

એ તો એકબીજાંનાં થેરાપિસ્ટ હોય. ધરાઇને હસવા-રડવા માટે હોય, જે દુખ કે ઉલ્જન વખતે તમારી બાજુમાં સાયલન્ટલી ઉભા રહે, ખભા પર ખાલી હાથ પડે અને આપણી સાથે કોઇક છે એવું ફિલ સતત થયા કરે. દોસ્ત તમારી ખૂશીને ડબલ કરી નાંખે અને દુખને અડધું. આપણે જોબ કે વર્ક પ્લેસ પરથી આખા દિવસનું ટેન્શનાત્મક કામ પતાવી નિકળ્યા હોઇએ અને ખબર હોય કે ચાર દોસ્તો રાહ જોઇને બેઠા છે તો ટેન્શન થોડું હળવું લાગે. ભાઇબંધ તમારા ખરાબ સમયને બેસ્ટ અને બહુ ખરાબ સમયને ઇઝી બનાવી દેતા હોય છે.ઓપ્રાહનો પેલો જગવિખ્યાત ક્વોટ છે ને,’

ઘણાય લોકો તમારી સાથે તમારી લીમો ગાડીમાં ફરવા માંગતા હોય છે, પણ તમને એવાં જ લોકો ભાવે કે જે તમારી લીમો રસ્તામાં બંધ પડે, ત્યારે તમારી સાથે બસમાં પણ ફરી શકે.’

ગ્રીક ફિલોસોફર પ્લૂટાર્કે પણ એક તેજતર્રાર વ્યાખ્યા આપેલી.’મારે એવો ફ્રેન્ડ ન જોઇએ જે હું બદલુ એટલે એ ય બદલે, હું હા પાડું એટલે એય હા પાડે, એ તો મારો પડછાયો ખૂબ મસ્ત રીતે કરી શકે છે.’ બૂમ. દોસ્તો તો એવાં હોય જે એકબીજાંને ઉગવાનો ટાઇમ અને સ્પેસ આપે, પણ મૂળીયા તો જોડાયેલા જ રહે. વર્ષોથી માત્ર લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વાતો થકી ટકેલો ફ્રેન્ડ જ્યારે મળે ત્યારે હાય હેલ્લોની ફોર્માલીટીની જરૂર ન પડે. દોસ્તાર એકબીજાંની રીતે પાંગર્યા હોય, ચેન્જ થયા હોય, એકબીજાંનાં પડછાયા ન બની રહે, પણ એકબીજાંની અલગ ઓળખાણ બનાવે છતાંય એકબીજાંને નીકનેમથી બોલાવી ગાળો બોલી ઇરીટેટ કરી શકે.

મશહૂર સ્ટેન્ડ અપ કોમેડિયન ઝાકિર ખાને ગાના એપ્પ પરનાં પોતાના એક પોડકાસ્ટ શો ‘ઉમ્મીદ’માં દોસ્તીને ઓર ગહેરી બનાવવાની એક દેશી રીત આપેલી છે. દોસ્તી હંમેશાં ઘરની કરો. આયા કુછ સમજ મેં? વેઇટ. હી વીલ એક્સપ્લેઇન. દોસ્ત બે પ્રકારનાં હોય – એક દોસ્ત એવાં હોય જે ઘરની દેહલીજ લાંઘીને અંદર આવે જ નહીં. જે ક્યારેય ઘરે ન આવે કે ઘરવાળા સાથે વાત પણ ન કરે. શરમાતા હશે કદાચ. કે પછી ડરતા હશે કદાચ. કે એનાં ઘરનો માહોલ એવો હશે. જે નીચે બહારથી જ અવાજ લગાવે, કોઇ દોસ્ત ઉપરથી જ નીચે આવી જાય. અને જો આપણા મમ્મી – પપ્પાએ પૂછી લીધુ કે ‘શું થયુ બેટા?’ એટલે એકદમથી ડરી જાય, જાણે ચોરી ન કરી લીધી હોય. બીજાં એવાં દોસ્ત જે ઘરે આવે, ઘરમાં ઘૂસીને રહે, પોતાનું જ ઘર હોય એવું સમજી લે.

હવે જ્યારે ધીમેધીમે મોટા થઇએ ત્યારે આપણને રીયલાઇઝ થાય કે જે દોસ્તો નીચે ઉભા રહીને અવાજ લગાવતા હતા એ અત્યારે ગાયબ છે. છૂમંતર થઇ ગયા છે. અને હર એ શખ્સ જેણે ઘરમાં બેસીને વાત કરી. ખાવાનું ખાધુ. ‘હમ પ્યાલા હમ નિવાલા’ રહ્યા એ આજે પણ જીંદગીમાં એટલી જ શિદ્દત અને ઇરીટેશનની સાથે આપણી નાપસંદગી હોય તો પણ એ એટલાં જ પ્યાર, દુલાર, સત્કાર અને અપનેપન કે સાથ જીંદગીમાં એક જગ્યા બનાવીને બેસી ગયા છે.

આવું કેમ?! એનાં માટે ઝાકિર ભાઇ પોતે જ જવાબ આપતા કહે છે. જ્યારે કોઇ તમારા ઘરે આવીને બેસશે કે તમે કોઇનાં ઘરે જઇને બેસો છો ત્યારે એક સેન્સ ઓફ રીસ્પોન્સિબીલીટી આવતી હોય છે. એક જવાબદારી બનતી હોય છે. કે તમે તમારા દોસ્તને ખોટી સલાહ નહીં આપી શકો. ફસાવી નહીં શકો. તમે એને ધોખો નહીં આપી શકો. કેમ? કારણકે તમે એનાં મા-બાપને મળ્યા છો, તમે એનાં ઘરે જઇને બેઠા છો. કાલ સવારે એની સાથે કાંઇક ઉંધુ થશે તો એનાં પેરેન્ટ્સ પહેલા તમને બોલાવશે. અને તમને શરમીંદગી અનુભવાશે. ઘરની દોસ્તીમાં એક સ્પેસ છે.

જ્યારે આપણે પરીવાર જોડે રહીને મોટા થઇએ છીએ, ત્યારે આપણને લાગતુ હોય છે કે બધા મા-બાપ, ભાઇ-બહેન આપણાં પેરેન્ટ્સ અને સીબ્લીંગ જેવાં જ હોતા હશે. પણ દોસ્ત, આ મૂલ્ક આ જહાં બહોત બડા હૈં. રહેનસહેન કલ્ચર હર ઘરનું યૂનિક હોય છે, જ્યારે તમે ઘરની દોસ્તી કરો, ત્યારે તમે એક નવા પરીવાર સાથે તમારી જાતને ઇન્ટ્રોડ્યૂસ કરો છો. તમારી જાન-પહેચાન થાય એમની સાથે. એ કેવીરીતે રહે છે, એ કેવીરીતે પોતાનુ કામ ચલાવે છે.

એવું પણ બને કે તમારાં પપ્પા જેટલા જ પૈસા તમારા દોસ્તનાં પપ્પા પણ કમાતા હશે. પણ એ તમારા કરતા બહેતર જીંદગી જીવતા હશે. એ તો જ્યારે તમે એમનાં ઘરે જશો ત્યારે તમને જોવા મળશે, શિખવાનો મોકો મળશે, સમજવાનો મોકો મળશે. કોઇ દોસ્ત એવાં હશે જેનાં પપ્પા નહીં હોય, કોઇ દોસ્ત એવાં હશે જેની માઁ નહીં હોય, એ પોતાની જાતને કેવીરીતે સંભાળે છે, લાગણીઓનાં વહેણને કેવીરીતે હેન્ડલ કરે છે, એનો પરીવાર ચાલે છે કઇરીતે?! કોઇ દોસ્ત હશે જે એકલો છોકરો હશે ઘરમાં. કોઇ હશે જેનાં સાત – ભાઇ બહેન હશે. કેટલાંય કોમ્બીનેશન. વિભીન્ન પેટર્ન્સ. એ બધુ તમને જોવા મળે એનાં ઘરે જવાથી. એની જીંદગી જીવવાનો મોકો મળે, એમનો પરીવાર બનવાનો મોકો મળે.

તમારા મા-બાપ તો એક જ હશે, પણ તમે દસ દોસ્તોનાં પરીવાર જોડે વક્ત ગુજારો તો તમને દસ પરીવારની જીંદગી એકીસાથે જીવવાનો મોકો મળશે. ફાયદો શું? ફાયદો એ કે તમારામાં કલ્ચરલ અન્ડરસ્ટેંડીંગ આવશે. હ્યૂમન અન્ડરસ્ટેંડીંગ આવશે. કોણ કેવુ બીહેવ કરે? કેટલાંક લોકો આમ વિચારેને કેટલાંક બીજી રીતે. આ જે સમજણ છે એ એટલી કમાલ છે કે જીંદગીમાં આપણે જે પણ બનીએ એમાં એડવાન્ટેજ મળે. આ લર્નીંગ તમને જીંદગીમાં ઘણી બધી કામ આવશે. તમને લાગશે કે તમારૂં લેવલ થોડું અપ છે. કારણકે તમારી સમજણ એક લેવલ અપ છે. એક સૂપરપાવર ફિલ થાય. (આ રીલ લાઇફ નથી, રીયલ લાઇફ છે. અહીંયાં સૂપર પાવર જાદૂથી નથી આવતો, જીંદગીની નાની નાની શિખ-સમજણ-તજૂર્બાથી આવે છે.)

માશાલ્લાહ… આવું તો સિલેબસ બહારનું નિરીક્ષણ એક લેવલ ઉપરની જીંદગી જોએલ,જુદાં જુદાં ધર્મ-કલ્ચરનાં દોસ્તો બનાવેલ, દેશનાં ખૂણે ખૂણે રખડેલ, સંબંધોનાં તાણાવાણાને ગૂંથતા શિખેલ, નાનેથી ઉપર આવેલ ઝાકિર ખાન જેવાં લોકો જ કરી શકે.

જો દોસ્ત ન હોય તો દોસ્તી કરવા નિકળી પડો આ ખૂલ્લા જહાંમાં, જો દોસ્ત હોય તો છીણી હથોડી હાથમાં લઇ પસંદીદાર લોકોને જીંદગીભર દિલની કરીબ રાખી બાકીનાંને ચોંટ્યા વગર ચાળણીમાં ચાળી રદીયો આપતા શિખો, અને જો દોસ્તો પોતપોતાનાંમાં વ્યસ્ત હોય તો એ દોસ્તો સાથે વિતાવેલી મધૂર મોમેન્ટ્સને વાગોળો, બીજાંની દોસ્તી જોઇને ખૂશ થાવ કે દુનિયા હજુય ફ્રેન્ડશીપની અણમોલ સિમેન્ટનાં બંધનમાં જોડાયેલી છે. હજુ યે દુનિયામાં આશા છે.

હેપ્પી ફ્રેન્ડશીપ ડે… લોટ્સ ઓફ લવ માય ફ્રેન્ડ્સ.

પી. એસ. – પોસ્ટ સ્ક્રીપ્ટમ

ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.પ્રથમ તો ફોસલાવીને મને એ મારી અંગત વાત જાણે, ને પછી?પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.- અનિલ ચાવડા(હર એક ફ્રેન્ડ કમીના હોતા હૈં, વાળો ટોન)

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.