સેલ્ફ લવ, જાતને પ્રેમ : પીંજરે સે ઉડા દિલકા શિકરા… ખુદી સે મૈને ઇશ્ક કિયા રે… જીયા જીયા રે. જીયા રે.

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું;
પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું;
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું;
નયન નિરબળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હ્રદયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ’અકબર’ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત નિત નવું સર્જન કરી લઉં છું.

વીસમી સદીનાં શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્ય સેનાની અકબરઅલી જસદણવાળાની કવિતા આજેય એકાંતને સમજાવવામાં એટલી જ અસરકારક છે. કવિ ખરી પડ્યા, પણ કવિતા હજુ અકબંધ છે. આપણે હંમેશાં એક પૂર્વાગ્રહમાં જીવીએ છીએ કે ‘એકલા હોવું’ એ ખરાબ છે. આપણે માની લીધુ છે કે એકલા હોય એ એન્ટી સોશિયલ હોય. આપણી પાસે બીજા બધા માટે ટાઇમ છે, બસ આપણા માટે ટાઇમ નથી. આપણે જાત સાથે પૂરતો સમય જ નથી વિતાવતા. આપણા જ ઘરમાં આપણી સાથે બેસતા આપણને જ શરમ આવે છે.

આપણા સાચા-ખોટા, સારા-ખરાબ, ગમતુ- અણગમતુ બધાની આપણા સિવાય કોને ખબર હોય?! પણ આપણે વરસનાં વચલા દહાડે પણ આપણે ખૂદને મળતા નથી. અરે ટ્રેન-બસ કે ઇવન જોબ પર જતા હોઇએ તો પણ કાનમાં બંબૂડા ભરાવેલા જ હોય. ના, કાંઇક સરસ ઓડિયોબૂક કે પોડકાસ્ટ સાંભળવા નહીં પણ એ જ ઘસાઇ ગયેલા સોંગ સાંભળવા. અને પછી આપણે આપણને પોતાને જ સારી રીતે સમજી શક્તા નથી.

એકાંત સાવ આઉટ ઓફ ફેશન થઇ ગયુ છે. એકલા ક્યાંક વોક પર નિકળવામાં કે ક્યાંક પાંચ મિનિટ એકલા બેસવામાં પણ આપણને ઘા વાગે છે. આખો દિવસ બધાની સાથે ને સાથે. અને જેવા નવરા પડીએ એટલે ટીવી અને રીમોટની ટપાટપી શરૂ. હાથમાં મોબાઇલ અને સ્ક્રોલીંગ શરૂ. એમાંય કાંઇક ઇન્ટરેસ્ટીંગ વાંચીએ, જોઇએ કે સાંભળીએ એમ નહીં પણ ચેનલો ફેરવીને જે આવે એ બસ ટીપી ખાતર જોઇ નાંખીએ કે યુટ્યૂબ ખોલીને વચ્ચે આવતા ગમે તે રેન્ડમ વિડીયો કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂકમાં આવતી પોસ્ટો પર કલાકો કાઢી નાંખીએ. કાં તો વોટ્સએપમાં નકામુ ચેટીંગ ચાલુ. કામકાજ કાંઇ નહીંને ખાલી ફોગટ ટાઇમપાસ.વાત એમ નથી કે કાસ્ટ અવેનાં ટોમ હેન્ક્સ કે 127 અવર્સનાં જેમ્સ ફ્રાન્કો કે ટ્રેપ્ડનાં રાજકુમાર રાવની જેમ કોઇક અજાણી જગ્યાએ ખોવાઇ જાવ કે કલાકો સુધી ક્યાંક પૂરાઇ જાવ. (આમ તો સોશિયલ મિડિયાનાં ઘોડાપૂર વર્લ્ડમાં અજાણી જગ્યાએ ખોવાઇ ગયા હોય તો જ આપણે જાતને મળી શકીએ એવુ લાગે ક્યારેક). પણ રીસ્પોન્સિબીલીટી પણ એક ચીજ છે. માય ફ્રેન્ડ.

અહીંયા વાત બીજા લોકોથી જરા દુર પોતાની જાતને રીલેક્સેશન આપવાની છે. પોતાની જાતને રીચાર્જ કરવા એકલતાનાં મનભાવન મ્યૂઝીકને મોઢે માંડી માણવાની છે. એકલા બેસીને મનનાં માળીયામાં ગુંચવાઇ ગયેલા વિચારો અને લાગણીઓનાં વળ કાઢવાની કોશિશ કરવાની છે. પોતાની જાત સાથે મન મૂકીને મૂક્ત સંવાદ કરવાની છે.

‘ક્રિએટીવ’ માણસે તો પોતાનાં માટે સમય કાઢવો જ જોઇએ. દુનિયાદારીથી અળગા મિસફિટ – મૂંઝાયેલા – પોતાનામાં જ મનમગ્ન રહેવા માટે નહીં પણ પોતાનાં ઇમોશન્સને ડાયરેક્શન આપવા માટે. પાબ્લો પિકાસોનો પેલો ક્વોટ છે ને, ‘સરસ એકાંત વગર સિરીયસ કામ શક્ય જ નથી.’ તો અમેરીકન ફિલોસોફર હેન્રી ડેવીડ થોરો એ પણ સિમીલર ક્વોટ આપેલો છે. ‘સોલિટ્યૂડ જેવો જીગરી ફ્રેન્ડ કોઇ નથી.’ તો ગ્રેટ સાયન્ટીસ્ટ આલ્વા એડીસનનો પણ ક્વોટ છે, ‘સૌથી બેસ્ટ વિચારો એકલતામાં જ આવે.’

સાયન્ટીસ્ટ હોઇએ કે બિઝનેસ પર્સન હોઇએ, લેખક હોઇએ કે મ્યૂઝીશ્યન હોઇએ, રીચ ક્રિએટીવીટી અને બીગ ઇમેજીનેશન માટે ‘મી ટાઇમ’ કાઢવો જ જોઇએ. બીજાંનાં ઇગોને પંપાળવામાંને બીજાંને ખૂશ કરવામાં ખર્ચાઇ ગયેલી ફિઝીકલ અને મેન્ટલ એનર્જીને રીસ્ટોર કરવા માટે. ફાસ્ટ પેસ જીંદગીમાં થોડાં ધીમાં પડી પોતાનાં અંતરાત્માનાં અવાજને સાંભળવા માટે. આપણને શું નવુ ગમ્યુ ને શું નવુ શિખ્યાને શું અપસેટ કરે છે એની અન્ડરસ્ટેંડીંગનો જાત તપાસ કરી ઓવરવ્યૂ લેવા માટે.

આપણી જીંદગીમાં ઘણી વખત ‘ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા ચાર આના’ જેવી નો-વીન સિટ્યૂએશન આવે. આપણે વધારે સોશિયલ બનવા પાર્ટી કે ઇવેન્ટમાં જઇએ, અલગ અલગ વ્યક્તિઓને મળીએ, બીજાંને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરીએ અને એજ ટાઇમે આપણે લોકોથી ભરેલા મેળાવડામાં એટલા એકલા થઇ જઇએ, બીજાંને ઇમ્પ્રેસ કરવામાં ડિપ્રેસ થઇ જઇએ અને વિચાર કરવા લાગીએ કે કાશ ઘરે રહ્યા હોત તો સારૂં થાત. અને પછી એકાંતનો ખૂણો શોધવા લાગીએ.

કારણકે બધાની પર્સનાલિટી અલગ જ હોય. એટલે બધાનું શારીરિક અને માનસિક બેલેન્સ અલગ જ હોવાનું. કોઇકને બીજાં લોકો સાથે વાત કરવી વધારે ગમે. કોઇકને એકલા રહેવુ વધારે પસંદ હોય. જેવી રીતે બધાનો ફિઝીકલ સ્ટેમીના અલગ અલગ હોય એટલે જ્યારે આપણે ફિઝીકલી થાકી ગયા હોઇએ અને થોડો આરામ કરવો પડે, ત્યારે કામ અને આરામ વચ્ચે બેલેન્સ જાળવવુ પડે. જેથી આપણે શારિરીક રીતે હેલ્થી અને કન્ટેન્ટ લાઇફ જીવી શકીએ. એવી જ રીતે મેન્ટલી કે સાયકોલોજીકલી પણ પોતાને આરામ આપવો પડે અને અંદરૂનીક અને બાહરીક દુનિયા વચ્ચે બેલેન્સ જાળવવુ પડે. જેથી આપણે સતત ખૂશીનો અહેસાસ કરી શકીએ અને આખી જીંદગી સંતુષ્ટ-સમૃદ્ધ લાઇફનો ઓડકાર ખાઇ શકીએ.માનવ જાતનાં ભૂતકાળે એકલતાને હંમેશાં એક સજા તરીકે દર્શાવ્યુ છે. કોઇ પણને સજા આપવાની હોય એટલે કાલકોઠરીમાં કેદ કરવાનાંને જેઇલમાં લોક કરવાનાં. બાળકોથી લઇ સ્કૂલ-કોલેજમાં ભણતા ટીનેજરોને એકલા ઘરમાં પૂરાઇ રહેવાની સજા, ઘરની બહાર ન નિકળવાની સજાને, સ્કૂલ પૂરી થાય પછી એકલા રોકાવાનું ડિટેન્શન. આપણે એકલતા અને એકાંતને કન્ફ્યૂઝ કરી નાંખ્યુ છે.

લોકડાઉનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતનાં લેખકો, કવિ, વિચારકોને લઇ એક સરસ વેબીનારનું આયોજન કરેલું. તેમાં હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીએ એકાંત અને એકલતાનો સરસ તફાવત આપેલો.

ઘર અંદરથી બહાર જવાનો તડફડાટ એટલે એકલતા અને બહારથી અંદર આવવાનો તરવરાટ એટલે એકાંત. એકલતા એટલે શાંતિમાંથી કોલાહલ તરફની ગતિ. એકાંત એટલે કોલાહલમાંથી શાંતિમાં પ્રવેશવા માટેનું પ્રયાણ. એકાંત આપણને ડાહ્યા બનાવે ને એકલતા આપણને ગાંડા. એટલે હંમેશાં એકલતાથી એકાંત તરફનો રસ્તો પસંદ કરવાનો.

આમ તો આપણે સંબંધોથી જોય મેળવનારા સોશિયલ પ્રાણીઓ છીએ. આપણા મોટા ભાગનાં મૂલ્યો અને સમજણ સમાજમાંથી મળતા હોય છે. આપણી મોટાભાગની ટેવો-કુટેવો સોસાયટીની દેન હોય છે. આપણે જ્યારે ગૃપમાં હોઇએ ત્યારે આપણી જાતને સેફ ફિલ કરીએ છીએ. પણ આપણે એ માનવા જ તૈયાર નથી કે આપણી પાસે આંતરીક ખેડાણ અને સામાજીક ઘરોબો એમ બે ચોઇસ હોઇ શકે.

જય વસાવડાએ એનાં લેખ ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈં’માં એકલતા અને એકાંતને એક અલગ એન્ગલથી સમજાવવાની કોશિશ કરેલી. ‘લાઇફમાં કમ્પેનિયન હોય – એ સારી વાત છે. અરે, બેસ્ટમબેસ્ટ બાત હૈ.લાઇક માઇન્ડેડ, જેની સાથે કંટાળો ન આવે, જેને જોતાં આંખો ન થાકે અને જેની સાથે વાતો કરવામાં વિષયો ન ખૂટે અને જેના વર્તનથી મન ન કંટાળે એવા પાર્ટનરની સાથે જીવવા, હરવાફરવા, મસ્તી માણવાની મજાઓ કંઇક ઓર જ છે. ધરાર માથે પડતા આવતા ચીટકૂચીબાવલા ચાંપલાઓની વાત નથી. એ તો કમ્પેનિયનને બદલે કસ્ટોડિયન જેવા, જીવનસાથીને બદલે સાડાસાતી જેવા લાગે. બોરિંગ, હ્યુમરલેસ એન્ડ ઓર્થોડેક્સ ભટકાઇ જાય તો પ્રવાસમાં ય વાસ ગંધાવા લાગે. મુક્તિ માંગતા બંધન મળી જાય તો શક્તિનું વિસર્જન થઇ જાય.

પણ આવો પાર્ટનર ન મળે તો ? લાઇફ પાર્ટનર જવા દો, દોસ્તો પણ ન મળે તો ? બધાની પોતપોતાની લિમિટેશન હોય એટલે આપણે ય આસમાનમાં ઉડવાને બદલે લિમિટમાં રહી ધરતીની ધૂળ ફાકવાની ? વળી અન્ય મિત્રોની પ્રાયોરિટીમાં બીજા મિત્રો કે સંબંધો હોય, તો શું બોર બોર જેવા આંસુડા સારીને સેડ સોંગ્સ લલકારતાં (ઓકે, ઈયર પ્લગ્સ ભરાવી સાંભળતા) ફરવાનું ?

કોઇ કેર એન્ડ શેર કરીને લહેર કરે – કરાવે એવા સાથી હોય તો સોનામાં સુગંધ જ નહિ, પ્લેટીનમ ભળે.એકલા રહેવારખડવાની ઘણી તકલીફો છે. સામાન સાચવવાથી શરૃ કરીને ભીતર ઊઠેલી અનુભૂતિની ભરતીને સહન કરવા સુધીની. સિંગલ લાઇફ એટલે જ ઘણાને સેલિબ્રેશન નહિ, ફેબ્રિકેશન લાગે છે.

પણ ડબલમાં ય કોઇ એમેઝોન – ફ્લિફકાર્ટ સેલ જેવી ગેરેન્ટી નથી મળતી હન્ડ્રેડ પરસેન્ટ સેટિસ્ફેકશન એન્ડ રિટર્નની. તમારા આનંદના અબળખા કે શિશુનું વિસ્મય લઇને કોઇ પેદા ન થયું હોય ને ભેગા લટકી જાય તો એના વજનમાં આપણું બલૂન ઉડતું બંધ થઈ જાય !

અને, ક્યાંક પરદેશ નવા નવા આનંદોના આવિષ્કાર કરવા નીકળો, ને કોઇક ચા ને દાળભાત માટે વલખાં નાખે તો ? તમારી સ્પીડે કોઇ ચાલવા જેવું ફિટ ન હોય, તો ? લંચ સ્કિપ કરતા શીખો તો રોમાંચની સફર કરી શકો – એવુ ભૂખ્યા પેટે માથું દુખાડતા નબળાદૂબળાઓના ગળે શુદ્ધ વેજીટેરિયન કોળિયા વિના સાત સમંદર પાર કેમ ઉતરાવી શકો? બાવડું ઝાલીને તમે કોઇકને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ લઇ જઇ શકો, પણ ઉપરથી ન્યૂયોર્ક જોવાની એને થ્રિલ જ ન હોય તો ? હોંશે હોંશે સાયન્સ એક્સ્પોમાં ખેંચી જાવ પણ એને કૂતુહલને બદલે કોલાહલ દેખાય તો ?અને એમાં ય કોઇ મોરાલિટીના મુરબ્બા જેવા ભગતડાં ભટકાઇ જાય, તો એમની રૃઢિજડ શ્રદ્ધા આપણા ધંધા બંધ કાવી દે !

એના કરતા એકલા ચલો રેનો ગુંજારવ કરતા ફકીરાની જેમ આ ચલ ચલા ચલ કરો તો કોઇની સાથે પરાણે કદમ મિલાવવાની માથાકૂટ જ નહિ. મન મારીને જીવવાની મથામણ કરવાના નાટકો કરવા જ ન પડે.

ભૂખ કે થાક લાગે તો ખુદને કન્વિન્સ કરી શકાય કે, બચ્ચા, હજુ દમ ભરી લે ફેફસામાં, મંઝિલ દૂર હૈ. કમ ઓન, લેટ્સ વૉચ બેક ટુ બેક મૂવીઝ. રેસ્ટોરાંમાં જઇ કોણ વેઇટિંગમાં ટાઇમપાસ કરે ! દાંડિયા રમો તો પાર્ટનર જોઇએ, બ્રેક ડાન્સ કરો તો એકલા ય ઝૂમી શકો !’ યસ, અકેલે હૈ તો ક્યાં ગમ હૈ!!!

આપણે બધાને ફિઝીકલ અને ઇમોશનલ જરૂરિયાતો હોય. જે સમયાનુસાર પૂરી થવી જોઇએ. આપણે એકવાર ખાઇ લઇએ એટલે બીજીવાર ખાવુ જ ન પડે? એક વાર સૂઇ લીધુ એટલે બીજીવાર સુવુ જ ન પડે? એકવાર પ્રેમ કરી લીધો એટલે બીજી વાર પ્રેમની જરૂર જ ન પડે? એકવાર જીંદગીમાં ઇન્સ્પિરેશન મળી ગયુ એટલે શું આખી જીંદગી ઇન્સ્પિરેશન ચાલ્યા જ કરે? એકવાર દોસ્તી કરી લીધી એટલે શું જીંદગીભર ચાલ્યા કરે? જી ના, કંઇ પણ ફોરએવર માટે ઇનફ નથી. ખાવુ-પીવુ, પ્રેમ, દોસ્તી, ઇમોશન્સ બધાને લાઇફનાં ઘડામાં વારે વારે ભરતા રહેવાની જરૂર પડે.

અહીંયા જ આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ. આપણે હંમેશાં કોઇ વસ્તુ કે વ્યક્તિ પર બંધાઇ જઇએ છીએ. આપણને જેની પાસેથી હમણા પ્રેમ અને હૂંફ મળે છે એ વ્યક્તિના ભવિષ્યમાં આપણા પ્રત્યેનાં સમીકરણો બદલાઇ પણ જાય, સમય જતા એનો આપણા ઉપર વરસતો પ્રેમ ઓછો પણ થઇ જાય, એવું પણ બને કે એ વ્યક્તિ આપણને છોડીને જતી રહે. અત્યારે આપણને જે જોબથી જીંદગીની સેફ્ટીને પૈસાની સિક્યૂરીટી મળે છે એ જોબ માંથી આપણને ફાયર આઉટય કરી દેવામાં આવે, એક જ ઝાટકે આપણે જોબ લેસ થઇ જઇએ. જે ખૂબસૂરત બદન આપણને બીજાંથી વધારે આકર્ષીત બનાવે છે એ ધીમેધીમે ખોવાઇ પણ જાય. અત્યારે આપણને જે ચીજમાં ક્રિએટીવ સ્પાર્ક દેખાય છે, જીંદગી જીવવાની કિક મળે છે, ખૂશી મળે છે, એ જ વસ્તુ કરવામાં આપણને થોડા સમય બાદ એટલી દિલચસ્પી ન પણ રહે, એટલી બધી મજા ન પણ આવે, એ કામ કરવાથી આપણે ધરાઇ જઇએ.તો?

તો શું? આપણને લવરની નહીઁ પ્રેમની જરૂર છે, તો આપણે કોઇ બીજી વ્યક્તિ શોધી લેવાની જે આપણને પ્રેમ કરે. આપણને ફ્રેન્ડની નહીં, સારી ફ્રેન્ડશીપની જરૂર છે, આપણે બીજા દોસ્તો શોધી લેવાના જેની સાથે સુખ દુ:ખ વહેંચી શકીએ. આપણે કોઇ ચોક્કસ જોબની નહીં પણ આપણને માન – મોભો, સેફ્ટી – સિક્યૂરીટી મળી રહે એવી જોબની જરૂર છે, એવા કામની જરૂર છે. આપણે કોઇ બીજી જોબ કે કામ શોધી લેવાનું જે આપણને સિક્યુરીટી આપે, એક કામમાં આપણને ઉબકા આવવા લાગે તો બીજુ ક્રિએટીવ વર્ક શોધી લેવાનું જેમાં આપણને ખુશી મળતી હોય.

આપણને કોઇ સુંદર ચહેરો કે અન્ય આકર્ષક ચીજ વસ્તુની જરૂર નથી જે આપણને બીજા કરતા આગવું બનાવે, બસ પ્રશંસાની થોડી સમાજમાં ઇજ્જતની જરૂર છે. એટલે આપણે બાહ્ય દેખાવ કરતા આપણી જાતને એવી પર્સનાલિટી આપવાની કે જે ખુદને અંદરથી બ્યૂટીફૂલ બનાવે. માણસ હોવાનો ફાયદો શું જો આપણે એકવાર ભાંગીને ફરીથી ઉભા ન થઇ શકીએ!?

આ આખા જગમેદાનમાં આ જરૂરીયાતો અગણીત જગ્યાએથી મળી રહેવાની. તો શાં માટે કોઇ એક વસ્તુ કે વ્યક્તિ પર ટીંગાઇને મરી પડવુ. આપણુ મગજ આપણી પાસે રહેલી વ્યક્તિ કે વસ્તુમાંથી જીવન જીવવાની રાહ શોધી જ લેશે. આપણે બસ જરૂર છે, તો ખુદની, અને અદ્રશ્ય ખુદાની.

એકલતા મારા જીવનમાં ય આવી છે ને તમારા જીવનમાંય આવી હશે. પોતાની નાનપણની ગલીઓ છોડી જીંદગીને નવા ઘરમાં શિફ્ટ કરતી નવી નવેલી દુલ્હનને સસરાનાં ઘરે એકલું લાગે, મમ્મીઓને પતિ કામ પર અને બાળકો સ્કૂલે ચાલ્યા જાય પછી અવાજ વગરનું ઘર ખાવા દોડતું હોય એવું લાગે, નવી સ્કૂલ – કોલેજમાં પ્રવેશ કરતા ટાબરીયાને અજાણ્યા બાળકો જોડે ફ્રેન્ડશીપ કરવામાં અજૂગતુ લાગે, નવા ઘરમાં – સીટીમાં રહેવા જઇએ ત્યારે પાડોશી સાથે તાલમેલ કરવામાં થોડો વક્ત લાગે, નવી જોબે ચડેલા યંગસ્ટરને સીધા સ્કૂલી વન્ડર વર્લ્ડમાંથી રીયલ દુનિયાનાં રંગો સાથે એડજસ્ટ થવામાં વાર લાગે, ગંદા રાજકારણથી ખદબદતા વાતાવરણમાં જોબ કરતા માણસને એકલો પડી ગયો હોય એવુ ફિલ થાય.એકલતા બધાનાં જીવનમાં આવવાની જ.

લોકડાઉનમાં ઘરે એકલા બેઠા- બેઠા મને વિચાર આવેલો કે, કદાચ કાલે હું ઉઠુંને મારા ઘર પર વીજળી પડેને ઘરની બધી ચીજો ખાક થઇ જાય. મારી ડિગ્રીથી લઇને ખાવા-પીવા, સૂવા બેસવા સુધીનું બધું જ. તો હું શું કરૂં?આ સવાલનો પ્રોપર જવાબ તો ન મળ્યો. કારણકે આપણે મિડલ ક્લાસ લોકો. આપણી બધુ ઇન્વેસ્ટમેન્ટ મોટે ભાગે આપણી એકનીએક મઢુલી એવા ઘર પર કરેલુ હોય. એક જ ઝાટકે જીંદગી, જઝબાત બધુ જ બદલાય જાય. લાઇફમાં ત્સૂનામી ફરી વળે. જીંદગી કાંટાળો રસ્તો લાગવા માંડે. એકલો અટૂલો થઇ જાવ. પહેલા દિવસે તો ખબર જ ન પડે કે પૈસા લાવવા ક્યાંથી?

પણ મને એટલી તો ખબર જ છે કે છેલ્લે હું મારી જાતને સંભાળી લઇશ. થોડો રડીશ, થોડો કકળીશ, થોડી સ્ટ્રગલ કરવી પડશે, સર્વાઇવલ માટેની નવી રીતો શિખવી પડશે. પણ થોડા સમય પછી આઇ વીલ બી ફાઇન. મારી જીંદગીમાં ખોવાઇ ગયેલી ચીજો ખૂશીને નહીં રોકી શકે. પણ જે ખોટ છે એને સ્વીકારી એની સાથે જીવતા શિખીને હેપ્પીનેસ મેળવવાની કોશિશ કરીશ.

કોઇ વસ્તુ કે વ્યક્તિ પૂરતી મારી ખૂશી સિમીત નહીં રહે. હા, મારી જીંદગીમાંથી એ વસ્તુ-વ્યક્તિ જતી રહેશે તો દુ:ખ થશે. પણ લડી લઇશ. મારા નબળા સમયમાં ઘણા વ્યક્તિઓ મને છોડીને જશે, હું નવા શોધી લઇશ. જે સાથ આપશે એને જીંદગીભર સાચવીશ. નવી સ્કીલ શિખીશ. નવી વસ્તુઓ વસાવીશ. નવી આઇડેન્ટીટી બનાવીશ. અને ફોડી લઇશ. એન્ડ લાઇફ ગોઝ ઓન. તમારી સાથે આવુ થયુ હોય તો તમે શું કરો?!

સટલ આર્ટ ઓફ નોટ ગીવીંગ અ એફ બૂકમાં માર્ક મેન્શન કહે છે કે, ‘લાઇફ ક્યારેય પૂરા જ ન થતા પ્રોબ્લમની હારમાળા છે. લાઇફ છે તો પ્રોબ્લમ તો આવવાનાં જ. એક પ્રોબ્લમનું સોલ્યૂશન બીજાં નવા પ્રોબ્લમને ક્રિએટ કરે એન્ડ લાઇફ ગોઝ ઓન. પ્રોબ્લમ સોલ્વ કરવાથી ખૂશી મળે.એટલે પ્રોબ્લમ વગરની જીંદગીની આશા ન રાખો. આશા રાખો કે જીંદગીમાં ‘સારા’ પ્રોબ્લમ આવે.’ વેલ સેઇડ. જીંદગી ક્યારેય સુહાના સફર રહેવાની જ નથી. પ્રોબ્લમ તો આવવાનાં જ. એને ફેસ કર્યા વગર છૂટકો જ નથી. લાઇફની ડાર્ક લો મોમેન્ટ્સ જ આપણને સ્ટ્રોંગ બનાવે.

એક જ તો જીંદગાની મળી છે. જોરથી ન બોલીએ ‘આ જીંદગી ગલે લગા લે.’ ખૂશીઓને આવતી કાલ માટે સાચવીને ન રખાય. જીંદગીની ચૂસ્કીઓ માણતી જ રહેવી પડે. નહીંતર ઠંડી પડી જાય. જાતને પ્રેમ કરતાને જાતની કંપની માણતા આવડવું જ જોઇએ. માહ્યલાને લવ કરતા અને આતમનું સેલિબ્રેશન કરતા શિખવું જ પડે. આપણી ખૂશી કે ગમ માટે બીજું કોઇ જ જવાબદાર નથી એ સમજવું જ પડે.

આજે તમને જો એકલું લાગતું હોય તો ધીમે ધીમે પોતાની જાતને માણવાની, જાણવાની કોશિશ કરવાની. પોતાની જાતને પ્રાયોરિટીમાં મૂકી સમયે સમયે ગમતા શોખ ચાખવાની કોશિશ કરવાની. સમયે સમયે જાત તપાસ કરી સુધારા – વધારા કરતા જવાનાં. જાતની ઉજવણી માટે લર્નીંગ પર ફૂલ ફોકસ રાખી કોઇને નડ્યા વિના પોતાનાં બાહુ બળથી અર્નીંગ પર ધ્યાન આપવાનું. જીવનનાં રણમેદાનમાં લડતી વખતે ડિપ્રેશનનાં અંધકારમાં સરવાને બદલે ઇમ્પ્રેશનનો ઉજાસ ફેલાવવાની કોશિશ કરવાની.

સાથે સારા સુગંધીદાર સંબંધો ખીલવવા પર પણ ધ્યાન આપવાનું. તમે એકાંતમાં હો તો એનો મતલબ એ નથી કે તમે એકલા છો અને તમે લોકો વચ્ચે ઘેરાયેલો છો તો એનો મતલબ એવો નથી કે તમે એકલતાનો અનુભવ કરશો જ નહીં. સમય સાથે ચંદ ગમતા લોકો સિવાયનાં બધા કાંટા-ગોબરને ચાળણીમાં ચાળતા જઇ ધીમે ધીમે દૂર કરતા જવા એ ગોલ હોવો જોઇએ. તો જ જાતની કંપનીને સરસ રીતે માણી શકીએ.

આપણે લોકો સાથે હોવા છતાં પણ ખાલીપો કે એકલતા અનુભવવા લાગીએ એટલે સમજી જવાનું કે સંબંધોનાં લીસ્ટમાં ઉલટ તપાસની જરૂર છે. ટાઇમ ધીમે ધીમે પાસ થતો રહેશે અને તમારાં લીસ્ટમાં એવા જ લોકો જોડાતા રહેશે જેની સાથે તમે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો, જેની સામે દિલ-દિમાગ બધુ જ ખોલી શકો. બાકીનાં આપણને સરખા સમજી જ ન શક્યા હોય, આપણી રીસ્પેક્ટ ન કરતા હોય એવા અધૂરા – અજ્ઞાનીઓની કાતર મારી દેવાની. આપણી લાગણી ચંદ ભરોસેમંદ લોકો સામે જ વહેવડાવવાની.

લાગણીની કદર વગરનાં લોકો આપણને નમાલા ગણી ટેકનફોર ગ્રાન્ટેડ લેવાનું શરૂ કરી દે એવું ય ન બનવુ જોઇએ.એકલા રેસ્ટોરન્ટમાં ડિનર કરી બિન્દાસ સેલ્ફીઓ ખેંચવાની. સેલ્ફી એટલે એક પ્રકારનું જાતનું સેલિબ્રેશન જ છે. ડાઉન મોરલ સાથે જોબ પરથી આવ્યા હોઇએ તો એકલા જ રૂમ બંધ કરી પાર્ટી સોંગ પર મન મૂકી ઝૂમી લેવાનું. બર્થડે સેલિબ્રેશન શેર કરવા સાથે કોઇ ન હોય તો એકલા જ મનગમતી કેક મંગાવી ઝાપટી જવાની.

જીંદગીમાં શોખ રાખવા. શોખ એકલતા દુર કરશે. એકલતાને ક્રિએટીવીટીમાં ફેરવવાની કોશિશ કરવી. દુનિયાભરમાં કેટલાંય લોકોએ પોતાની એકલતાને તકમાં ફેરવી નાંખી છે. કંઇક વાંચવું ને લખવું. દોરવું ને ગાવુ. નાચવુ ને ખાવુ. ફરવા જવુ ને ડાયરી બનાવવી. પાળતુ પ્રાણી – પક્ષીઓ ઘરમાં હોય તોય ખાલીપો દૂર થાય. ઇંગ્લીશ મૂવી જોવાનાં એક શોખને લીધે કોઇ સાથે આવનાર ન હોય તો આ લખનારે ઘણાંય ફિલ્મો એકલા જ થિયેટરમાં જોયેલા છે.

જો તમને તમારી જ કંપની ન ગમતી હોય તો તમે બીજા પાસે કઇ રીતે આશા રાખી શકો? એકવાર તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા અને તમે તમારી અંદર મજબૂત ફાઉન્ડેશનનાં પાયા નાંખી દિધા. એકલતાથી એકાંત તરફનો રસ્તો તય કરી લીધો એટલે કોણ તમારી જીંદગીમાં આવ્યુ કે ગયુ તમને કોઇ ફરક ન પડે. તમે અજેય થઇ જાવ, સીરીયસલી.

તમારી જીંદગીમાં 100% એવો સમય આવશે જ કે કોઇ વ્યક્તિ કે વસ્તુ તમને નિરાશ કરશે, પણ એ વાત પણ નક્કી જ હશે કે તમે છેલ્લે તમારી જાતને સંભાળી લેશો.

આ સમય પણ ચાલ્યો જશે!!!

પૃથ થીંગ :

ढूंढे हर इक सांस में, डुबकियों के बाद में
हर भंवर के पास
किनारे
बह रहे जो साथ में, जो हमारे खास थे
कर गये अपनी बात
किनारेगर माझी सारे साथ में
गैर हो भी जायें
तो खुद ही तो पतवार बन
पार होंगे हम
जो छोटी सी हर इक नहर
सागर बन भी जाये
कोई तिनका लेके हाथ में
ढूंढ लेंगे हम किनारे
किनारे, किनारे…खुद ही तो हैं हम, किनारे
कैसे होंगे कम, किनारे
हैं जहाँ हैं हम, किनारे
खुद ही तो हैं हम
हाँ, खुद ही तो हैं हमऔरों से क्या, खुद ही से पूछ लेंगे राहें
यहीं कहीं, मौज़ों में ही, ढूंढ लेंगे हम
बूँदों से ही तो है वहीं, बांध लेंगे लहरें
पैरों तले जो भी मिले, बाँध लेंगे हम
किनारे, किनारे, किनारे…

(એકલતામાંથી એકાંત તરફ ની કેડી બતાવતી ફિલ્મ ક્વિનનું ‘એકલા ચાલો રે’નો શંખનાદ વગાડતું ગીત.)

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.