લોકડાઉન લાઇફની ફ્રન્ટ લાઇન ફાઇટર્સ : હાઉસ વાઇફ

જો રોજ એકની એક ચીજો નજર સામે બન્યા કરે તો એ રૂટિન થઇ જાય, પછી નજર સામે બનતી ઘટનાઓ પણ નજરમાં ન આવે, નજર અંદાજ થતી રહે. અને પછી ક્યારેક એકાએક કોઇક ઘટના બને અને બધાની નજર એ તરફ આકર્ષાય. એવું જ કંઇક લોકડાઉનમાં થયુ. જે કામવાળી બાય, કચરો કલેક્ટ કરતા, રોડ – રસ્તા પરનો કચરો વાળતા, ગટર સાફ કરનાર કામદારો જે આપણા આરોગ્ય અને હાઇજીનનાં સ્ટાન્ડર્ડને દુરસ્ત કરે છે એને આપણે જરા અમસ્તુ બીના ખર્ચે અપાતુ સ્મિત પણ આપતા નથી હોતા.

દિવાળીમાં જરા અમસ્તો ચંદો માંગવા આવે અને આપણે મોં બગાડી દાનની જગ્યાએ ભીખ આપતા હોય એમ રીએક્ટ કરીએ છીએ. એ જ લોકો આજે ઘરમાં બેઠાં બેઠાં આપણુ સ્મિત બરકરાર રહે એ માટે ખડેપગે બંદૂક વગર સૈનિક બનીને ઉભા છે. એવું જ શાકવાળાથી લઇ દૂધવાળા, કરીયાણા વાળાથી લઇ પેપર વાળા સુધી બધાય આપણને સગવડો પૂરી પાડવા પોતાની જાન હથેળી પર લઇ આપણને તકલીફ ન પડે એ માટે ઘરની બહાર નિકળી રહ્યા છે.

અહીંયા સો કોલ્ડ એલાઇટ અને ભણેલા ઉંચા વર્ગનાં લોકો હંમેશા જ્ઞાની જ હોયને નીચલા વર્ગનાં લોકો છોટી સોચ વાળા જ હોય એ વાત ખોટી સાબિત થઇ. અમેરીકા, ઇટલી જેવા દેશોમાં ઇવન ભારતમાં પણ ભણેલ ગણેલ અભણ પરજા સોશિયલ ડિસ્ટંસીંગ નેવે મૂકીને મોજ મસ્તી માટે ગધેડાની જેમ રખડતા જોવા મળ્યા. સૂરતમાંથી ખાધેલ પીધેલ સૂખી કાઠીયાવાડીઓએ ‘ખાવા-પીવાને રખડવા’ બસો બાંધી ગામડાઓ તરફ ધસારો કર્યો.

ક્વોરટીન સ્થળો પર મેળા ભરાયા. એક-બે મૂતરડી પર હજારો લોકોની ‘ભીડ’ (યસ, ભીડ. આંખ – કાન વગરનો ગાડરીયો પ્રવાહ. એ કરે એવું હું યે કરૂં.) સોશિયલ ડીસ્ટંસીંગની તો ધજ્જીયા ઉડી ગઇ. વાત સાચી કે બહાર પોલીસનો ડર લાગે ને ઘરમાં કંટાળો. એટલે થોડા દિવસ વતન જઇ હવા ફેર કરી આવીએ. પણ જીવ આપણો કે બીજાનો. અને આપણે લીધે બીજા કેટલાય જીવ જોખમમાં આવે એ અલગ. આશિયાના પર પહોંચવા મથતા પરપ્રાંતીય ગરીબની વાત નથી. પોતાના આશિયાનાને છોડી મોજ મજા કરવા રખડતા બૂડથલોની વાત છે.

નીચલા અને ઉપલા વર્ગની બાઉન્ડ્રીઝ ભાંગીને ભૂક્કો થઇ ગઇ. જ્યારે જ્યારે કોઇ સમસ્યા આવે છે ત્યારે સૌનો સાથ જરૂરી છે એ સિધ્ધ થઇ ગયુ. પૈસાદાર વર્ગ પાસે થોડી ઘણી મૂડી હોય તો નીચલા વર્ગ પાસે મહેનતની તાકાત હોય. પૈસા ખાઇ નથી શકાતા. તો પૈસા વગર જીવવુ પણ અઘરૂં છે. બંનેનું એકસરખુ બેલેન્સ, તાલમેલ અનિવાર્ય છે.

આથી હવે જ્યારે પણ કોઇ ગરીબ મજૂર કે આપણી નીચે કામ કરનાર કર્મચારી, પટ્ટાવાળાથી લઇ સફાઇકર્મી સુધીના લોકોને આ કોરોના પેન્ડેમિક પછી પણ કોઇ તકલીફ ન પડે એ જોવાની જીમ્મેદારી આપણી છે. કારણકે આવડી મોટી આફતને પાર પાડવામાં અને આપણી જીંદગીને જીવવાલાયક બનાવવામાં એ જ લોકો આપણી પડખે ઉભા છે. એક વાત ખાસ મદદ ભીખ આપતા હોય એ રીતે નહીં, દાન ધર્માદો માહ્યલાની મોજ ખાતર કરતા હોઇએ એમનાં ઉપકારોને ઇનામ વડે મૂલવતા હોઇએ એ રીતે કરવાની.

એવું જ પોલીસકર્મીઓનું છે. ફિલ્મોમાં જે પોલીસને ખરાબ અને કરપ્શનમાં લથપથ કે કોમિક કેરેક્ટરમાં ખપાવવામાં આવે છે. એ જ પોલિસ કર્મીઓ આજે દિનરાત ડ્યૂટી પર લાગેલા છે. એક તો કોરોના ઉપરથી કાળજાળ ગરમી એમાં ફરજપરસ્તી કરતા ટ્રાફિક પોલીસ. સેલ્યૂટ.

સામાન્ય દિવસોમાં પણ જનરલ પબ્લીક ફટાકડા ફોડતી હોય કે નવરાત્રીમાં નાચતી કુદતી હોય ત્યારેય પબ્લીક સર્વન્ટ તૈનાત જ હોય. કોરોનામાં તો સ્થિતિ વધારે ક્રિટીકલ છે. અને ઓવર ઓલ આખા ભારતમાં દેશની ભીતરનાં ખાખી વર્દી ધારી સૈનિકોએ બોર્ડર પર તૈનાત સૈનિકોની કમસેકમ મદદ વડે લોકોને ઘરે રાખવામાં જે પ્રકારની સફળતા મેળવી છે એ ત્રણ તાળીનું સન્માન આપવા જેવી છે. ખાખીધારી છે એટલે જ ખાદીધારીનાં નિયમોનું પાલન થાય છે.

મેડીકલ ફિલ્ડ પૈસા બનાવવાની કમર્શિયલાઇઝેશનની ફિલ્ડ છે એવું જનરલ પબ્લિકનાં મનમાં ભરાઇ ગયેલુ. એ પણ ધીમે ધીમે ધોવાઇને બહાર નિકળી રહ્યુ છે. હા, એ ફિલ્ડમાંય બધા દૂધે ધોયેલા નથી, ગામ હોય ત્યાં ઉકરડો હોય જ. પણ બધા એવા નથી. કેટકેટલાં ડોક્ટર-નર્સ પોતાની જાનની પરવા કર્યા વિના પોતાના પરીવારથી પણ અંતર રાખી કોરોના સામેના યુધ્ધમાં કૂદી પડ્યા.

ન્યૂઝ ચેનલોનાં એંકર, પ્રિન્ટ મિડિયાને ભાગે હંમેશા ક્રિટીસીઝમ અને ગાળો જ આવે. એ લોકો લક્ષ્મણરેખાને ઓળંગી ઘરની બહાર નિકળી આખી પરિસ્થિતિનો પૂરેપૂરો ચિતાર આપણા ઘર સુધી પહોંચાડી રહ્યા છે. એ પણ સરાહનીય છે. એવું જ ટીવી-કેબલ-નેટ અને બીજાં અનેકોનેક મિડીયમ સાથે જોડાયેલા આપણને નરી આંખે ન દેખાતા હીરોઝ પણ માનને લાયક છે. માથુ તપાવી દેતી ગરમીમાં પંખોને ફ્રિજ ન ચાલતુ તો શું થાય? ઇલેક્ટ્રિસીટી સાથે જોડાયેલા અનસંગ હીરોઝ પણ સન્માનને લાયક છે.

આવા તો કેટલાંય પડદા પાછળનાં હીરોઝ આપણા માટે કામ કરી રહ્યા છે કે જેથી આપણે લોકડાઉનને સુખદ રીતે પસાર કરી શકીએ. તો હવે જ્યારે તમને આ કોરોના વોરીયર્સ કે બીજાં ઉપરની યાદીમાં છૂટી ગયેલા આપણી ડેઇલી લાઇફને હેપ્પી બનાવતા લોકો સામા મળે કે તેની સાથે કામ પાર પાડવાનું હોય તો થોડું આદર આપવાનું, હાલચાલ પૂછવાનું, સ્મિત આપવાનું અને જરૂર હોય અને આપણાથી બની શક્તુ હોય તો હેલ્પ કરવાનું શિખીએ.

પણ આ બધામાં લોકડાઉનનાં સબસે આગળની લાઇનનાં રીયલ લાઇફ હીરોઝને જોઇએ એટલી પ્રશંસા નથી મળી. આમેય એમને બહુ દેખાડો કરવાનીને નોંધ લેવડાવવાની આદત નથી હોતી. આ અનસંગ હીરોઝ પોતાનું કામ કર્યે જ રાખે છે. એ છે હાઉસ વાઇફ. ના, માત્ર પત્નિ નહીં. ઘરની કોઇપણ વૂમન. ઘરની દિકરીથી લઇ, બહેન-માઁ-દાદી-ભાભી-કાકી-વાઇફ કે લવર કોઇ પણ હોઇ શકે.

આમ તો મને હાઉસ વાઇફ શબ્દ થોડો ઓછો પસંદ છે. આમાં ગુલામીની બૂ આવે. એનાં કરતા ગૃહીણી કે ગૃહલક્ષ્મી બેસ્ટ. અથવા તો હોમમેકર પણ ચાલે. (ઘરમાં કામ કરતી હાઉસ વાઇફ તો ઓફિસમાં કામ કરતી ઓફિસ વાઇફ? હહહ) આડા દિવસોમાં પણ જેના પર એટલો બધો બોજ હોય એના પર ત્યારે લોક ડાઉનને લીધે તો એનો ભાર ઓર વધી ગયો છે. હોલીડેમાં આખી ફેમિલી હલ્લા ગુલ્લા, મોજની છોળો ઉડાડતી હોય ત્યારે ઘરની લક્ષ્મીને ભાગે તો થકવી નાંખતું કામ જ આવે.

કોઇવાર પરસેવે રેબઝેબ થઇ ગયા હોઇ સતત પાણીમાં રહેવાને લીધે પગમાં છાલા હોય સતત કામથી મનતનબદન બધુ જ થાકી ગયુ હોય ત્યારે કપડા ચોળવા કે ધોમધખતા તડકામાં ધાબા પર કપડા સુકવવા જાવ તો ખબર પડે. બધી મરદાનગી ખોવાઇ જાય છે કે નહીં. સવારનાં પહોરમાં બધાને ઉઠાડવાનાં હોય, નવડાવી, ખવડાવી પોતપોતાનાં ધંધે મોકલવાનાં હોય ત્યારે જે રીતે તાણ દબાણમાં કેટલાય કામો એક સાથે થતા હોય. સાક્ષાત દૈવી. એ સિટ્યૂએશન કોઇ મૂછોને તાવ દેતા મરદને ભાગે આવે તો એને રીતસરનો તાવ આવી જાય.

સવારનાં પહોરથી રાતે સુતા સુધી સતત અને સખત કામ. અરે ઓફિસ કે બીજા ધંધામાં તો ખાલી આઠ કે દસ વધુમાં વધુ બાર કલાકનું જ કામ હોય, પણ એક હાઉસ વાઇફ તો 24 બાય 7 ફેમિલી પડખે ખડેપગે ઉભી હોય. અને પાછા ટોણાય એને જ ખાવાનાં કે આખો પગાર તો આપી દઇએ છીએ કે તમારે તો આખો દિવસ ઘરમાં જ રહેવાનું છે ને અમારે દુનિયાનો સામનો કરવાનો છે. પણ એ ભૂલી જાય છે કે દુનિયાનો સામનો કરવા માટેની એનર્જીનું રીચાર્જ તેમજ સપોર્ટની હૂંફ તો આ જ હાઉસવાઇફ આપે છે.

જો હાઉસ વાઇફ ન હોય તો? સ્ત્રી વગરનું ઘર કેવુ સુનૂ લાગે? ક્યાંય ખિલખિલાટ અને ઝાકઝમાળ ન રહે.દિવાળીનાં મોહનથાળ, ગણેશ ચતુર્થીનાં મોતીચૂરનાં લાડૂ, ઉતરાયણની તલ-શીંગની ચીક્કી કાંઇ ન રહે. એકેય તહેવાર ઉજવવાની મજા જ ન આવે. બધુ ફિક્કુ થઇ જાય. બાકીના તો બસ ખાઇપીને થાપા ખંખેરી ચાલતા થાય પણ સાફ સફાઇ તો છેલ્લે ગૃહીણીનાં ભાગમાં જ આવે. સંવેદનશીલ સ્ત્રીઓ જ છે જેને લીધે પરંપરા અને સભ્યતા, ભજન કિર્તનથી લઇ ખોવાતી જતી રેસિપીઓ પેઢીદર પેઢી આગળ વધતી રહે છે. સ્ત્રીને જ હોય છે સૌથી વધુ ઉમળકો – થનગનાટ!

ઘરધણિયાણી આમ તો પોતાના નાનકુડા ઘરનું ગૂગલ. એને હરચીજની ખબર હોય. તમારી વસ્તુથી લઇને તમારીલાગણી સુધી. થોડાક દિવસો માટે સ્ત્રી ઘરની બહાર જાય એટલે આખુ ઘર અસ્તવ્યસ્ત થઇ જાય. અન્ડવિયર પલંગ પર રખડવા લાગેને જીન્સ બારણા પર ટીંગાવા લાગે. થોડા દિવસોમાં તો પ્રોપર સાફ સફાઇ વગરનું ઘર કચરાપેટી થઇ જાય. દવાની બોટલથી લોટનો ડબ્બો, હાથરૂમાલથી ઇમ્પોર્ટન્ટ ડોક્યૂમેન્ટ્સ શોધતા પરસેવો નિકળી જાય.

જીન્સનાં પેન્ટથી સૌનુ પોતપોતાનું ફેવરીટ ફૂડ, કેટકેટલું યાદ રાખવાનું ઘરલક્ષ્મીએ. ઓછું ભણેલી હોય તો પણ પોતાના સંતાનને સ્કૂલે લેવા મૂકવા જાય અને શિક્ષક સાથે પોતાના બાળકનાં ભણતરનું ડિસ્કશન કરીને આવે. સંબંધોને કેવીરીતે ટકાવવાને ઘરમાં પડેલા પૈસાને ક્યા કેટલા કેવીરીતે વાપરવા અને એમાંથી યે થોડી બચત કરવી એની પાક્કી ગણતરીઓ કરે. રોટલીને ફૂલકું બનાવવા રોટલીને કેટલો સમય શેકવી કે શાકમાં મીઠું કેટલું નાંખવું એ એને બરાબર ખબર પડે. અરે ઉંચી હોટલનાં શેફ કરતાય બેસ્ટમબેસ ખાવાનું બનાવી જાણે. પણ એમને શેફ જેટલો આદર ન મળે. ઘરનાં કોઇ પણ વ્યક્તિને કાંઇ પણ થાય એટલે હાજર જ હોય. દિનરાત સેવામાં લાગી પડે, બધા માટે જાત ઘસી નાંખે અને છેલ્લે કહેવાય તો ગમાર જ. ‘તને આમાં કાંઇ ખબર ન પડે’ ને ‘તું સાવ ભાન વગરની છો’ જેવાં ટોણા સાંભળવાનાં.

એમાંય ગરીબ પરીવારોમાં પાછું ડોમેસ્ટીક વાયોલન્સનું નવુ દખ(દુખ, યૂ નો?). દારૂ પીધેલા પતિની ધોલધપાટ ખમીને ય પોતાના બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મરી છુટવાનુ. બધા પૈસા વ્યસનમાં ન જાય એનાં ટેન્શનમાં બચતનું ઇન્ટેલિજન્ટ ઇન્ટેન્શન રાખવાનું.

જેનુ આખુ ટાઇમટેબલ હબ્બી, બચ્ચા અને ઘરનાં બૂજુર્ગોની ઇર્દગીર્દ ઘૂમતુ હોય જે દિવસનો મોટાભાગનો સમય ચાર દિવારોની અંદર જ ગુજારતી હોય એમને લોકડાઉનથી કાંઇ જાજી અસર નથી પડી. બહાર ન નિકળી શકવાથી પુરૂષ રઘવાયો થયો છે. ઘરમાં ટકી શક્તો નથી, ને બહાર પોલીસની પ્રસાદી. હાઉસવાઇફે તો પોતાનો નિત્યક્રમ શરૂ જ રાખવાનો છે. એમને કોઇ દિવસ છૂટ્ટી નથી હોતી.

ઘરની સ્ત્રી જરાક આડી અવળી થાય, ઘરે આવવામાં થોડુંક મોડું થાય, કોઇકની સાથે થોડો વધારે વખત વાત થઇ જાય એટલે પૂછપરછ ચાલુ. સ્ત્રીઓ માટે જ નવરાત્રી છે, પણ સ્ત્રીઓને જ ગરબા માટે ઘરનાની પરમિશન લેવામાં ફાફા પડી જાય. છૂટથી ફિલ્મો જોવા પણ ન જઇ શકાય ને સ્કૂલ-કોલેજનું ય ફિક્સ ટાઇમટેબલ.

અહીંયા બધી જ હાઉસવાઇફોની વાત નથી. એમાંય હોય કેટલીક વાતે વાતે ચિડાઇ જતી, નાની નાની વાતે મોં ફૂલાવીને તોરો ચડાવીને બેસી જતી, પોતાનાંમાં જ રહેતી શૂર્પંખાઓ. એમની મરમ્મત તો કરવી જ પડે. આમેય પોતાનામાં જ રહેતી ઇર્ષ્યાળુને પરિવાર સુખ કોને કહેવાય એનુ જ ભાન નથી. એ તો એની સજા જ છે ને. પણ જે બિચારી ગૃહસ્વામિની આખો દિવસ ઉત્સાહથી ઘરનાં સભ્યો માટે મરી છૂટે છે, જે સ્વમાન માટે પોતાના લોકોમાં જરા અમસ્તુ માન મેળવવા સહન કર્યે જાય છે એમને તો માન મળવુ જ જોઇએ.

પોતાનાંમાં સમય પ્રમાણે મોડર્ન વિચારો લાવવા એ જ તો લોકડાઉનમાં સૂપરહીટ મહાભારતનાં કૃષ્ણનો સિધ્ધાંત છે. પરીવર્તન એ જ સંસારનો નિયમ છે. અને મોડર્ન હસબન્ડ-વાઇફનું ભવિષ્ય કામનાં ભાગ પાડવા (વાઇફ ઘરની ભીતરનો મોરચો સંભાળે ને હસબન્ડ ઘરની બહાર લડે) નહીં, પણ એકબીજાંને સપોર્ટ આપી વર્કને શેર કરવાનું વહેંચવાનું દેખાય છે. આપણને પૂરૂષોને બધુ કામ ન પણ આવડે. પણ નાના-મોટા કામ તો આવડે ને. શાક સુધારતાને કપડાંને સાબુ દેતાને ધોવાઇ ગયેલા કપડાંને દોરીએ સુકવતાને ધોવાઇ ગયેલા વાસણને લૂછતા તો આવડે ને. એટલુ સ્વાદિષ્ટ રાંધતા ન આવડે પણ વાસણ અને બીજી સામગ્રીઓ ગોઠવતા તો આવડે ને. અને રાંધતા શિખવામાં ય કોઇ બૂરાઇ નથી.

મારા એક ફ્રેન્ડની લગ્ન કરીને સાસરે ગયેલી સીસ્ટાએ હમણા જ જીજુનો ખાવાનું પકાવતોને ઘરનાં કામો કરતો વિડીયો મોકલેલોને મેં રીપ્લાય આપ્યો કે તમે તો ખૂબ નસીબદાર હોં અને એનો સામો રીપ્લાય આવેલો કે આ વિડીયો જેવડો છે ને બસ એટલો સમય જ એમણે ઘરકામ કરેલું છે. હીહીહી. હું હુકમ કરૂંને બધુ ગોઠવાઇ જવુ જોઇએનો જોહૂક્મી ઇગો ઓગાળી સ્વામી નહીં પણ પ્રેમી બનવાની વાત છે. હોટેલમાં જેમ ફૂડમાં મીઠું કે લીંબુ ઓછું હોય ને ઉપરથી ભભરાવીએ એમ ક્યારેક સ્વાદ ફેર થાય તો રાડો નાંખવાને બદલે પ્રેમથી ભૂલ બતાવવાની વાત છે.

અને જ્યારે હાઉસવાઇફ કોઇ કામ સારૂં કરે તો એને એપ્રેસિએશન આપી, તેનું માન વધારવુ, મોરલ હાઇ કરવું. પછી જો જો એ ફૂલીને ફાળકી થયેલી લક્ષ્મી તમારી પાછળ જાન રેડી દેવામાં કોઇ કસર નહીં છોડે. અરેન્જ મેરેજમાં તો ક્યારેક એવું ય બને કે લગ્નનાં કેટલાંય વર્ષો વહી જાય ને એક ઘરમાં કેટલોય સમય ગાળ્યો હોય તોય પતિને ખબર જ ન હોય કે પત્નિને શું ગમે ને બાળકો ક્યાં ધોરણમાં ભણે. કેટલાંય વર્ષો પ્રેમ વગર કાઢી નાંખે. તો કેટલીક વાર લવમેરેજ કે સગાઇ વખતે લવમાં ભવ ગાળ્યા હોય પણ લગ્ન પછી એ લવનાં પોપડાં ધીમે ધીમે ઉખડતા જાય. એકસમયે જેની સાથે દિલભરીને પ્રેમ ભરી બાતેં કરી હોય એની સાથે વખત ગુજારવાનો ય સમય ન હોય. પતિ સવારે ઉઠે, કામે જાય, સાંજે આવે, દોસ્તો સાથે ગપ્પા મારવા ઘર બહાર જાય અથવા ટીવી જોવે ને સૂઇ જાય. અને બીજાં દિવસથી એ જ રૂટીન.

ગ્રેટ ઇન્ડિયન મેરેજ પણ બાય લક અને બાય એક્સીડન્ટથી ખૂશહાલ ન રહે. એ તો મારાં મમ્મી -પપ્પાને જોઉં છું, ત્યારે ખબર પડે છે. એતો ટાઇમ, ભરોસો, આત્મિયતા, ઘરોબો, માફી, રીસ્પેક્ટ, રોક સોલીડ કમીટમેન્ટથી રહે. રોજ એકની એક વ્યક્તિનાં પ્રેમમાં પડવાનું. આ તો ક્વોટ છે અમેરીકન જર્નાલીસ્ટ મીગ્નોન મેકલાફલીનનો. લોકડાઉને સમય આપેલો છે પોતાનાં હમસફર સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો, ક્વોલીટી કનવર્ઝેશન કરવાનો, પ્રેમ કરવાનો. સજોડે સેલ્ફીથી સજોડે સાફસૂફ સુધીની કવાયત આદરવાનો.

લોકડાઉન તો સીસ્ટાને ચિડવવાનો, દાદી પાસે એમના જમાનાની વાતો સાંભળવાનો, પત્નિને સમજવાનો ને ફેમિલી સાથે ફનગેમ રમવાનો એક સરસ સમય છે. પણ વાત માત્ર લોકડાઉન સુધી સીમીત ન રહેવી જોઇએ. એ પછી પણ ઘરની લક્ષ્મીઓને જાણવાને માણવાની કોશિશ કરતા રહેવી. રોજે રોજ જજૂમતી ઔરતો સાથે સમય વિતાવવાની કોશિશ કરતા રહેવી.

ક્વોરન્ટાઇન લાઇફને લીધે એક ઓર સમસ્યા ઉભી થઇ છે. અત્યારે તો બંને જણા ઘરે હોઇને બાયોલોજી કન્ટ્રોલ ન કરી શક્તો મરદ સેક્સ માટે ભૂખ્યો થાય. લોકડાઉનને લીધે પતિ આખો દિવસ સેક્સની માંગ કરે છે ની ફરીયાદોય આવે છે રોજેરોજ પોલીસ ખાતાને. એક તો લોકડાઉનમાં દિવસમાં ચાર પાંચ વાર ખાવાની માંગ કરતી મેલજનતાને ખાવાનું આપવાનું, બાળકો ય ઘરે હોઇ રડતા બાળકોને લીધે આદમી ચિડાઇ જાય એટલે બાળકોને ય સાચવવાના (અને નવ મહિનાનું દુખ વેઠી મોતને ગોદમાં લઇ બચ્ચા પેદા કરવાથી લઇ બચ્ચાને મોટા કરવા સુધીની જીમ્મેદારી ખાલી હોમમેકરની જ ન હોય એ વાતેય બાપોએ ખાસ મગજમાં ફીટ કરી દેવી.) અને થાક લાગે એટલુ કામ અને એમાં આવા સેક્સનાં ધખારા. એ ય માણસ જ છે એ ભૂલવું ન જોઇએ. અત્યારે એમનાં પર વધી ગયેલા ઇમોશનલ, ફિઝીકલ, બાયોલોજીકલ ભારણને થોડુ કમ કરવાની કોશિશ કરીએ તો ય માતાજીને રીઝવવા જેવડું પૂણ્ય મળશે.

આમ તો હવે હાઉસ વાઇફેય સ્માર્ટ થઇ છે. વોશિંગ મશીન વાપરતાને યૂટ્યૂબમાંથી રસાળ રેસિપી શોધી વાનગીઓ બનાવતી ને બચ્ચાઓને ડ્રાઇવ કરતી સ્કૂલે લેવા જતી થઇ છે. એ ય વાંચતી વિચારતીને ટેક્નોલોજી શિખતી થઇ છે. બાળકોને મોડર્ન વર્લ્ડમાં ઉભા રાખવાની કવાયતો કરતી થઇ છે. પરિવારનાં વડીલોએ કરાવી દિધા એરેન્જ મેરેજ કે લવ મેરેજ પછીયે પોતાની ચોઇસથી કંપનીમાં નોકરી કરતી કે હાઉસવાઇફની નોકરી ખૂશી ખૂશી સંભાળતી થઇ છે. લગ્ન પછી નોકરી કરવા દેશે કે નહીં દે જેવા ચાન્સથી નહીં પણ ખૂદની ચોઇસથી. તો ઘરકામ કરતા કરતા સાઇડ બિઝનેસ કરી ફેમિલીને પૈસેટકે ટેકો આપવા ઇન્ડિપેન્ડન્ટ પણ થઇ રહી છે.

બસ એને જોઇએ છે થોડું પ્રોટેક્શનને થોડો સાથ. અને હેલ્પીંગ હેન્ડ. સો બોય્ઝ, સ્ટેન્ડ બાય યોર વૂમન. સોશિયલ ડીસ્ટંસીંગ તો રાખીએ જ પણ સાથખ સાથે ઘરની ઔરતો સાથેનું ઇમોશનલ ડિસ્ટંસીંગ કમ થાય તેવા પ્રયત્નો કરીએ. ઘરલક્ષ્મીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું બંધ કરીને આપણી જાતને એમની તરફ ઝૂકાવવાની ચેલેન્જ ઉપાડીએ. અને પેલો વર્ષો જૂનો શ્લોક તો છે જ ને. જે કૂળમાં સ્ત્રી કાયમ દુખી રહે એનો નાશ થાય છે!

પૃથ ટીપ્સ :

  • સુખી ઘરની લેડીઝ તમારે પણ કામવાળી બાય પર નભવાને બદલે ટેવ પાડવી જોઇએ ઘરનાં કામ કરવાની. ફૂગ્ગો થયેલુ શરીરેય ઘટેને જીમમાં પરસેવો ય પાડવો ન પડે.
  • ઘરધૂમાડો બંધ રાખીને બહારનું ખાવાનુંને ચટપટી પાણીપૂરીને બીજાં બાજારૂં જંકફૂડ ખાવાનું બંધ કરવુ જોઇએ. હા, વર્ષનાં વચલા દિવસે ક્યારેક ચાલે પણ રોજ રોજ ખાઇ ઇમ્યૂનિટી પર કાતર ફેરવવાનું બંધ કરવું જોઇએ. બહેનપણીને બતાવવાને સ્ટેટસ ખાતર હબ્બીને રેસ્ટોરન્ટમાં જવા ફોર્સ કરવા કરતા ઘરે જ સુગંધીદાર રસોઇ બનાવી ફોટા પાડી બહેનપણી સામે તો સ્ટેટસ ઉંચુ કરી જ શકાય ને ઘરનાં લોકોને ય ખૂશ કરી શકાય.
  • ઘરના વડીલ સ્ત્રીઓ પાસેથી ભૂલાતી જતી રેસિપીઝ શિખી ઘરમાં જ રસોઇ બનાવવાની કોશિશ કરવી.

મારી જીંદગીમાં રંગો ભરતી અને મકાનને ઘર બનાવતી બધી જ હોમમેકર્સને દિલથી શુક્રિયા.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.