ક્યા તુમ નહીં સૂનોગે કિતાબોં કી બાતેં? કિતાબેં કુછ કહેના ચાહતી હૈં, તુમ્હારે પાસ રહેના ચાહતી હૈં.

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. શાં માટે વાંચવુ જોઇએ?

માણસ સિવાય પૃથ્વી પરનાં બીજાં એકેય જીવને વાંચતા આવડે છે? બસ એટલે જ વાંચવું જોઇએ. ના, સિરીયસલી. માણસ બૂકનાં સહારે માહિતીનું એક્સચેન્જ કરી શકે. બીજો કયો સજીવ એવુ કરી શકે. બસ એ માણસ હોવાની એબીલીટી માટે વાંચવુ જોઇએ.

વિચારો કે તમારા ઘરનાં સભ્ય, શિક્ષક કે બીજાં કોઇ લોકો કહે કે તમારે કંઇક લખવાનું છે. તો તમે શું કરો?! સારામાં સારૂં લખવાની કોશિશ કરશો. એક્ઝેક્ટ એવી જ રીતે તમે સક્સેસ ફૂલ વ્યક્તિ છો અને તમને તમારી જીંદગી પર એક કિતાબ લખવાનું કહેવામાં આવે. જે કમસેકમ તમારા ફ્રેન્ડ, ફેમિલી અને આસપાસનાં લોકો તો વાંચશે જ. તો તમે ઓટોમેટીકલી સારૂં લખવા માટે અને ઉંડાણથી વિચારવા મજબૂર થઇ જશો.

કારણકે હર ઇન્સાન નામ કમાવવા માંગે છે. તમે જે પણ લખશો એ તમારી જીંદગીનો શુધ્ધ, ડિસ્ટીલ્ડ અનુભવ હશે. એક સારી કિતાબ, એ પછી ફિક્શન હોય, બાયોગ્રાફી હોય, નોન ફિક્શન હોય કે કવિતા. ઇટ્સ લાઇક મેજીક.

નરેન્દ્રમોદીની વાણી જાદુઇ કેમ લાગે? લોજીક અને પબ્લીક સ્પીકીંગ? અવનવી વાતોથી મિડીયા અને લોકો પર પ્રભાવ આમ જ થોડો પાડી શકાય? એ ચિક્કાર વાંચનથી જ આવે. ટેડ ટોકને ઇન્ડિયન ટેલિવિઝન પર લાવનાર શાહરૂખ ખાન પોતાની બાયોગ્રાફીનું નામ ‘સ્ટીલ રીડીંગ ખાન’ ઉર્ફ ‘હજુયે વાંચતો ખાન’ રાખે.

કેબીસીમાં દેવીયો ઓર સજ્જનો બોલતા અમિતાભ બચ્ચનની વાક્છટા ચૂંબકીય આકર્ષણ જન્માવે અને એટલે જ જીવનનાં અંતિમે પણ હરીવંશરાય બચ્ચન જેવા માતબર કવિ બાપનો દિકરો પરીવર્તનને એક્સેપ્ટ કરતો એંગ્રી યંગમેન મેદાનમાં અડીખમ ઉભો છે. કવિ બાપને લીધે સાહિત્યનાં દરીયામાં ડૂબકી લાગી છે. શુધ્ધ હિન્દી અને અંગ્રેજીમાં ફફડાટી બોલાવતા, ટ્વિટર પર વિચારતા કરી દે એવા ટ્વીટ્સ કરતા અને પોતાનાં સરબચ્ચન નામનાં પર્સનલ બ્લોગ પર એક લેખકને છાજે એવા બ્લોગ પોસ્ટ્સ લખતા સાહેબનો સિક્કો હજુ ઉંચા આકાશમાં ઉછળી રહ્યો છે. કારણકે તે વાંચે છે.

આમિર ખાનથી આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણથી સોનમ કપૂર વાંચે છે. આયુષ્યમાન ખુરાનાનાં ગીતો કેવા મજેદાર હોય. જેન્ટલમેન કિસે કહેતે હૈં? જેવી હાર્ટ ટચીંગ ટ્રેડીશનલ બ્રેકીંગ કવિતાઓ કરતો આયુષ્યમાન લોક ડાઉનમાં રોજ અવનવી કવિતાઓ પોસ્ટ કરે. ફિલ્મની સ્ક્રીપ્ટ પણ જોઇ વિચારીને પકડે, અને કેરેક્ટરમાં ઉંડોય ઉતરે. કારણકે તે બૂક્સ વાંચે છે.

ઓનલાઇન બૂક ક્લબ ચલાવતી ઓપ્રાહ વિન્ફ્રે બૂકને પોતાની સક્સેસનો રસ્તો ગણે છે. વોરન બફેટ રોજાનાં 500 પેઇજ કોર્પોરેટ રીપોર્ટ ઉપર વાંચે છે. આપણો દિવસ જેનાથી શરૂ થાય છે એ વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટા ટ્રાયો કંપનીનો માલિક માર્ક ઝકરબર્ગ પર્સનલ રીઝોલ્યુશનમાં દર બે અઠવાડિયામાં એક બૂક વાંચવાનો ધ્યેય રાખે છે. એલોન મસ્ક એક દિવસમાં બે બૂક વાંચીને મોટો થયો છે. બીલ ગેટ્સ દર વર્ષે 50 બૂક વાંચી નાંખે છે. આટલી સંપત્તિ હોવા છતાં આ બધા શાં માટે વાંચે છે? એક લીટીનો જવાબ. પોતાની સક્સેસને ટકાવી રાખવા માટે.


બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ. એ બધા તો ચાલો માંધાતાઓ છે, બૂક્સ વાંચવાથી સામાન્ય જનતાને બેનેફિટ્સ શું? નો વેઇટ. હું તમને રીસર્ચનાં મસમોટાં મેટાડેટા આપીને પકાવી નહીં દઉં કે પછી ‘પુસ્તક એટલે આત્માનો ખોરાક’ ને ‘પુસ્તક વાંચવાથી સારા માણસ બનાય’ જેવાં ક્વોટેશન્સ મારીને ઉબકા પણ નહીં લાવી દઉં.

કારણકે ‘આર્ટીકલ ઘસુ’ ન્યૂ જનરેશનનો હોઇ એટલું તો સમજાય જ છે કે નવી પેઢી જૂની પેઢીની જેમ કોઇ પણ જે કહે તે માની લે એવી નથી. એ તો ભાવે તો જ ખાય. ડાહી ડાહી ફિલસૂફીકલ ગળી મધ વાતો એમનાં ગળે ન ઉતરે. એ શાં માટે? કેવીરીતે? જેવાં અઢળક સવાલો પૂછે અને પછી જે ગમે જે સમજાય એને માનતી થઇ છે. અને જે ન ફાવે એવી ચીજોને ફગાવતી થઇ છે.

પેલાં સ્ટેન્ડ અપ કોમેડિયન અભિષેક ઉપમન્યુનો જોક છે ને, ‘મને એક દોસ્તે રીડીંગની સલાહ આપી, અને મેં રીડીંગ ઇમ્પોર્ટન્ટ છે એના પર યુટ્યૂબ વિડિયોઝ જોઇ નાંખ્યા.’ હીહીહી. એટલે સુવિચાર ઠોકવાની જગ્યાએ બૂક્સ વાંચવાનાં કેટલાંક પ્રેક્ટીકલ ફાયદાઓ સમજીએ. લેટ્સ સ્ટાર્ટ.

1) ઇમેજીનેશનની ઇન્ક અને ક્રિએટીવીટીનું કારખાનું :

જ્યારે તમે કોઇ બૂક વાંચો છો, ત્યારે કલ્પના તમારી પોતાની ડેવલપ કરવી પડે. ક્યાંક લખેલું હોય કે એક છોકરો છે. તો હરેક વાંચનારને છોકરો અલગ જ દેખાવાનો. બધા પોતપોતાની મેન્ટલ કેપેસિટી પ્રમાણે છોકરાને અલગ અલગ રંગ, અલગ અલગ રૂપનાં કપડાં પહેરાવશે. કોઇકનાં મગજમાં ટોલ એન્ડ ડાર્ક છોકરો હશે. કોઇકનાં મનમાં જાડીયો છોકરો હશે.

હવે આગળ લખેલુ હોય કે તે છોકરો રસ્તા પર જાય છે. ત્યારે કોઇકને એ તેના ઘરની બાજુનાં રસ્તામાં જતો હોય એવું ઇમેજીન થાય. તો કોઇક છોકરાને પોતે ગયા વર્ષે ગામડે ગયા હતા એ ખરબચડા રસ્તે જતો દેખાય. કોઇકને કોઇ ઓર જ રસ્તો દેખાય. પછી લખેલું હોય કે તેને એક છોકરી રસ્તામાં સામે મળે છે. અને બધાનાં મગજ ઇમેજીનેશન માટે પૂરપાટ ભાગવા માંડશે. વાંચક પોતાને મનપસંદ ક્યૂટ ફૂટડીનું નિર્માણ કરી નાંખે. કાળા અક્ષરમાંથી કલરફૂલ કલ્પનાની ઉડાન.

આ જ સ્ટોરી કોઇ મૂવીમાં આવે તો? મૂવીમાં છોકરાનાં કપડાં, રૂપ, રંગ, કપડાં બધુ મગજને રેડીમેઇડ મળે. મૂવીમાં એક્ટરનાં એક્શન્સ હોય તમારા વિચારો નહીં એટલે બહુ વિચારવુ ન પડે. મૂવી અને સંગીત શુધ્ધ મનોરંજન. જેવુ આવે એવું ખવાઇ જાય. એટલે બહુ મગજ કસવાનું ન રહે.

એટલે જ પાવર ઓફ ઇમેજીનેશન માટે રીડીંગ જરૂરી છે. આઇન્સ્ટાઇનનો પેલો ઇમેજીનેશન પરનો ગ્રેટ ક્વોટ યાદ છે? ‘ઇમેજીનેશન નોલેજ કરતા પણ વધારે મહત્વનું છે. નોલેજ તો લિમિટેડ હોય. પણ ઇમેજીનેશન આખી દુનિયાને આવરી લે.’ ઇમેજીનેશન ફ્રીડમ આપે મોટું વિચારવાની. કલ્પનાશીલતા સારી હોય એ જ ઇનોવેટીવલી વિચારી શકવાના. ઇટ્સ ધેટ સિમ્પલ.

ક્રિએટીવીટી કમ્પ્યૂટર નથી કે તમે સ્વીચ ઓન – ઓફ કરી શકો. તે હોંશિયારી – ટેલેન્ટનો એક ભાગ છે જેને દરરોજ રીફ્રેશ કરવી પડે. પોલીશ કરવી પડે. ક્રિએટીવીટી તમારા માઇન્ડને એકધારૂં ટ્રેઇન કરવાની અને આ દુનિયાને અલગ રીતે જોવાની એક ચાવી છે. તેમાં તમારે કંઇક અલગ, અસામાન્ય, આઉટ ઓફ બોક્સ વિચારવુ પડે. ક્રિએટીવલી વિચારવા ઇમેજીનેશન તો જોઇશે જ. ઇમેજીનેશન માટે રીડીંગ.

2) લર્નીંગનું લાલાલેન્ડ :

જો વીલ સ્મિથ તમારો મિત્ર હોય તો તમે કેટલું બધુ શિખી શકત. જો બીલ ગેટ્સ તમારો દોસ્તાર હોત તો તમને કેવી સરસ બીઝનેસ એડવાઇઝ મળત. બધા સક્સેસફૂલ લોકોનો સમય ખૂબ કિંમતી છે. એમની પાસે એટલો બધો સમય ન હોય કે એ બધાને બેસીને સમજે અને સલાહ આપી શકે. અને એટલે એ બૂક લખે. લાઇફની સ્કૂલમાં પ્રેક્ટીકલ નોલેજ તમને સારો એક્સપિરીયન્સ અને સારા રેર ઇન્સાન પાસેથી મળે. અને બૂક્સમાં એ બધુ એક સાથે આવી જાય. યુનિવર્સીટી તમને કદાચ એડ્મિશન ન આપે, પણ યુનિવર્સિટીનું જ્ઞાન તો તમારા ઘરે બેઠા પુસ્તકથી આવી શકે ને.

ગયા વર્ષે એક મૂવી આવેલું. રીયલ સ્ટોરી પર આધારીત બૂક પરથી. ‘ધ બોય વ્હુ હાર્નેસ્ડ ધ વીન્ડ’ મીન્સ ‘એક છોકરાએ પવનની ખેતી કરી.’ એક છોકરો છે મહજ 13 વર્ષનો. રૂપિયા નથી એની પાસે ફી ભરવાના એટલે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. આખા ગામમાં દુકાળ છે. પરીવારને ખાવા માટે ધાન નથી. છોકરો સ્કૂલની લાઇબ્રેરીમાં તાકાઝાંકી કરે છે અને બૂકમાં પવનચક્કી બનાવવાની રીત ભાળી જાય છે. અને પછી સાયકલમાંથી પવનચક્કી બનાવી વિજળી ઉત્પન્ન કરે છે અને કૂવામાંથી પાણી ખેંચતો પંપ ચલાવે છે. અને આખા ગામને ભૂખમરાથી બચાવે છે. બૂક વચ્ચે ઉછરેલા નેકસ્ટ સ્ટીવ જોબ્સ એલન મસ્કે રોકેટ સાયન્સ અને બીજું ઘણુ બધુ બૂક્સમાંથી વાંચી શિખ્યુ છે.

હા, આમતો યુટ્યૂબ વિડીયોઝથી કે બ્લોગ પોસ્ટ્સથી પણ ઘણુ બધુ શિખી શકાય. પણ બૂક રીડીંગ એક લેવલ અપ છે. ના, એવુ નથી કે યુટ્યૂબ કે બ્લોગ પોસ્ટ્સ નકામા. જ્યાંથી મળે ત્યાંથી શિખવાનું, પણ યુટ્યૂબ વિડીયો કે બ્લોગ પોસ્ટ્સ બનાવતા કેટલી વાર લાગે? કેટલાક દિવસો, કેટલાંક અઠવાડિયાઓ!

એક સ્માર્ટ વ્યક્તિએ પોતાની જીંદગીનાં કેટલાંય મહિનાઓ, કેટલાંય વર્ષોનાં એક્સપિરીયન્સ, રીડીંગ, રીસર્ચનો સ્માર્ટ નિચોડ એક બૂકમાં વણી લીધો હોય. એવી જ રીતે બધા લેખકોએ પોતપોતાની બૂકમાં પૂરેપૂરો એફર્ટ નાંખી દિધો હશે. જેમાં તમને અલગ અલગ આઇડિયાઝ, માઇન્ડસેટ, એક્સપિરીયન્સ અને એડ્વાઇઝ મળી રહેશે. જે તમે ગમે ત્યારે વાંચી શકો. સમજી શકો. વિચારી શકો. એક બૂક વાંચો એટલે એ વ્યક્તિનાં વિચારો, અનુભવો તમારામાં ડાઉનલોડ થઇ જશે. તમે એકસાથે કેટલી બધી જીંદગીઓ જીવી શકો.

રીડીંગથી માઇન્ડ વિશાળ થતું જાય. કેટલાંક આપણને લાગતા ‘સત્યો’ ભાંગીને ભૂક્કો થાય અને નવાં જ ‘સત્યો’ ઘડાય. તમે દુનિયાને અલગ નજરીયાથી જોવા લાગો. એક વિષયને સમજવા એનાં પરની અલગ અલગ બૂક્સ વાંચો તો એ વિષયને તમે બારીકાઈથી સમજી શકો. રીડીંગનું લેવલ વધે તેમ વિચારોનું લેવલ પણ વધતુ જાય. બૂક તમારા વતી વિચારી આપે. જેમ કસરત કરવાથી શરીરનાં મસલ બને તેમ વાંચનથી મગજનાં મસલ બને.

3) સેફ્ટી નેટ અને મેન્ટલ ડોક્ટર :

જ્યારે તમે કોઇ બૂક વાંચતા હોવ, ત્યારે તમારી આંખો ઘેરાવા લાગે, તમને ઉંઘ આવે. શાં માટે? બીકોઝ જ્યારે તમે બૂક વાંચો ત્યારે તમે બૂકની અંદર ઉતરી જાવ છો. આજુબાજુની ચીજોની ફિકર ગાયબ થઇ જતી હોય છે. બૂક તમારા મગજનો સ્ટ્રેસ દૂર કરે અને મગજને રીલેક્સ કરે. બૂક ખૂલ્લી આંખે મેડીટેશનનું કામ કરે. બૂકથી ફોકસ અને કોન્સન્ટ્રેશન લેવલ વધે. અને મગજને ભટકતું, અમથા વિચારો કરતુ અટકાવે.

જ્યારે તમે કોઇ નવી સીટીમાં શિફ્ટ થયા હોવ, નવી કંપનીમાં જોબે ચડ્યા હોવ, નવા લોકોને મળવાનું થતુ હોય. ત્યારે બૂક્સ તમારી એકલતા ઘટાડે. બેસ્ટ ફ્રેન્ડનું કામ કરે. કોઇ સરસ સ્ટોરી વાંચો એટલે તમારો મિજાજ ખૂશ થઇ જાય. સેલ્ફ હેલ્પ બૂક તમારી પ્રોબ્લમ દૂર ન કરે પણ પ્રોબ્લમનો મૂકાબલો કરવામાં રાહત આપે. તેમાં રહેલી ઇન્ફો તમારી જાતને બહેતર બનાવવામાં મદદ કરે અને તમારામાં એક અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ બીલ્ડ અપ થાય. અરે, આ લેખ લખનારને રીડીંગે ડિપ્રેશન સામે મૂકાબલો કરવામાં ખૂબ મદદ કરી છે.

જ્યારે તમારા જીવનમાં મૂશ્કેલીઓનો પહાડ તૂટી પડે, શું કરવુ તેની કંઇ ગતાગમ ન પડે ત્યારે હદયમાં કોતરાઇ ગયેલો એક ક્વોટ, એક કવિતા, બૂક થ્રુ જીવેલુ એક કેરેક્ટર, કોઇ મસ્ત વાર્તા તમને યાદ આવે અને તમારામાં નવી એનર્જી આવે, તમારૂં દિમાગ પોઝીટીવીટીથી ભરાઇ જાય, તમને ફટ બેઠા કરી દે. તમને પડતા જીલી લે.

રીડીંગથી એકાએક ધરખમ ફેરફારો ન આવે. ટાઇમ લાગે. પણ ધીમે ધીમે એ ચેન્જ દેખાય. જેમ જેમ રીડીંગ વધે તેમ કપરાં સમયે પણ તમારો કોન્ફિડન્સનો ગ્રાફ એકાએક સાવ નીચે તળીયે ન આવી જાય. પણ અમૂક હદ સુધી જ ઘટે.

4) ટ્રાવેલીંગ એજન્ટ :

જુમ્પા લાહીરીની નેમસેકમાં એક ક્વોટ છે, ‘બૂક્સ એક ઇંચ પણ હલ્યા વગર ટ્રાવેલ કરવા માટે છે.’ યસ, બૂક્સ ટાઇમ મશીનનું કામ કરે. વગર ટીકીટે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી શકે. બૂક તમને ભૂતકાળમાં લઇ જાય. ભવિષ્યમાં ખેંચી જાય. એક સેકન્ડમાં તમે પહાડ પર હોવ. બીજી સેકન્ડે કેરેક્ટરની સાથે નદીમાં વહેતા હોવ. શેરલોક હોમ્સ સાથે મીસ્ટ્રી સોલ્વ કરતા હોવ. તો શિવાજી મહારાજની બાજુમાં ઉભા હોવ. રોબોટની સાથે દોડતા હોવ તો ક્યારેક વિશ્વયુદ્ધનાં ભયાનક વિધ્વંશને ઉપરથી જોતા હોવ.

આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિને ખબર પણ ન હોય કે આપણે બૂકની મદદથી કેવા જબરદસ્ત એડવેન્ચરનું ખેડાણ કરી રહ્યા છીએ.

બૂક અવનવી ભાષા, સંસ્કૃતિ, જીવન શૈલી, લોકો, રાજ્યો, દેશો, ખંડોને જોડે. એક બ્રીજ બનાવે. બૂક તમને બીજાં ધર્મ, સમૂદાય, જાતિનાં લોકોને સમજવાની બારી ખોલે. બૂકની મદદથી તમે લેખકે લખેલી પોતાની જીવની કે કેરેક્ટરને જીવતા કરો છો. તમે તમારી જાતને કેરેક્ટરની જગ્યાએ મૂકવાની કોશિશ કરો છો. એ કેરેક્ટરની જગ્યાએ તમે હોવ તો? અને તમારામાં કેરેક્ટર પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થાય જે તમારા ઇમોશનલ ઇન્ટેલિજન્સનાં ઘડતરમાં ખૂબ મદદ કરે છે. તમે આસપાસનાં લોકો પ્રત્યે પણ થોડાં ઘણાં અંશે ઇમોશનલ બની જાવ છો.

5) શબ્દોનું રામામંડળ, વાક્યોની વારદાત :

‘ટેડ ટોક ઇન્ડીયા- નઇ સોચ’નાં સિઝન – 1 માં જાવેદ અખ્તર સાહેબે શબ્દો ઉપર એક સ્પિચ આપેલી. શબ્દ એટલે શું? કાગળ પર કરેલા લીટોડા, એક અવાજ અને એક અર્થનું કોમ્બિનેશન. એક પ્રાણી છે. એને આપણે કૂતરો કહી દિધો. તેને એક અવાજ આપી દિધો અને કાગળ પર ચોક્કસ રીતે લખીને એને ‘કૂતરો’ શબ્દ આપી દિધો. દિલને ગમતુ કરી જવાનો, કંઈક કરી છુટવાનો એક અહેસાસ છે, જે માત્ર અનુભવી શકાય છે. તેને આપણે ચોપડાં પર ઉતારી લીધો, તેને એક અવાજ આપી દિધો. એનું નામ રાખી લીધુ – જોસ્સો, પેશન, જઝબા.

દુનિયાની કોઇપણ વસ્તુને શબ્દમાં નહીં ઢાળો તો તમે પોતે જ નહીં સમજી શકો. શબ્દોએ વિચાર નથી. શબ્દો ઇંટ છે. અને વિચાર ઘર. જેમ તમારી પાસે ઇંટો વધુ એમ તમારૂં ઘર મોટું બને. જેમ તમારી પાસે શબ્દો વધુ એમ તમે ક્લિયરલી વિચારી શકો. એટલું તમે સરળતાથી અને સારી રીતે વિચારોનું આદાન પ્રદાન કરી શકો. આપણો એક્સપિરીયન્સ, આપણી સમજને આપણે શબ્દોનાં બનેલા ઘરમાં ઢાળી એક જનરેશનથી બીજા જનરેશનને આ ઘર વારસામાં આપતા હોઇએ છીએ. આપણી સંસ્કૃતિ, પરંપરા, વારસો, સભ્યતા આ શબ્દોથી જ ઓલ્ડ થી ન્યૂ જનરેશનમાં ટ્રાન્સફર થતી હોય છે.

એક સારો રાઇટર શબ્દને સાચી જગ્યાએ મૂકે, તેને ખબર હોય કે હું આ શબ્દ અહીંયા ગોઠવુ તો વાંચનારનાં મગજમાં શું ઇમ્પેક્ટ પડશે. તેનાં માઇન્ડમાં શું રેફરન્સ બનશે. કઇ ચીજ એને યાદ આવશે. ત્યારે વર્ડની ચારે બાજુ એક સાચુ સારૂં એટમોસ્ફિયર બની શક્શે. એવું જ શબ્દો બોલનારનું હોય. શબ્દોનો ઉપયોગ કેટલી પાવરફૂલ રીતે કરે એનાં પર એનાં પર કન્વર્ઝેશન પાવરફૂલ થાય.

જમાનો તેજ ગતીએ ભાગે છે, એટલે વાતચીત ય તેજ થઇ ગઇ છે. શબ્દો ખૂટવા માંડ્યા છે. એટલે વિચારોમાં હવે ડેપ્થ નથી રહી. અને એટલે જ રીડીંગની તાતી જરૂર પડે. રીડીંગથી અવનવા શબ્દો મળે અને શબ્દોથી વાતચીત સુધરે. લખાણ પણ ગેહરાઇ વાળું બને.

એટલે બીજાંનું દુ:ખ ન કરો તમે પોતે જ શબ્દભંડોળ ભેગુ કરવાનું શરૂ કરી દો. વર્ડ્સ આર પાવરફૂલ. શબ્દો સાથે મહોબ્બત કરો. કાંઇ નહીં તો સારી કિતાબ લખવા, મૂવી કે વેબસિરીઝની સારી સ્ક્રિપ્ટ તૈયાર કરવા, સોલફૂલ સોંગ્સ રચવા, હીરોનાં મોઢા પર એક દિલ છૂ જાનેવાલા ડાયલોગ મૂકવા ય શબ્દો તો જોઇશે જ ને.

6) એન્ટરટેઇન્મેન્ટ… એન્ટરટેઇન્મેન્ટ… એન્ટરટેઇન્મેન્ટ… :

બૂક્સ જેવું સસ્તુ અને મજેદાર એન્ટરટેઇન્મેન્ટનું સાધન એકેય નથી. બૂક્સ ડે ટૂ ડે લાઇફમાં આનંદ આપે. આખો દિવસ ખૂશનુમા બનાવી દે. કોઇ બૂક પરની મૂવી જૂઓ એનાં કરતા એ બૂક વાંચો ત્યારે એનો અહેસાસ લાજવાબ હોય. બૂકમાં જે થ્રીલ, જે એક્સાઇટમેન્ટ, જે જોય, જે મોજ આવે એ મૂવીમાં ન આવે, કારણકે મૂવીમાં બધુ ઝડપથી પૂરૂં થઇ જાય. પણ બૂકમાં બધા એક્સપિરીયન્સ ડિટેઇલમાં મળે. આખો અહેસાસ લાંબો સમય સુધી ચગળવા મળે.

એક સરસ મજાની બૂક, એક ચાનો કપ, બાજુમાં વાગતુ રોમેન્ટિક ગીત, બારીની બહાર પડતો ધીમો વરસાદ. ખબર જ ન પડે કે સૌથી વધુ નશો કઇ ચીજનો છે. આવી બાદશાહત તો નેપોલિયન કે મૂઘલ સમ્રાટોએ ય ભોગવી નહીં હોય. એવી જાહોજલાલી.


સૌથી મહત્વનો સવાલ શું વાંચવું? એનો જવાબ નરેન્દ્રમોદી સાહેબે સ્વર્ણિમ જ્યંતિનાં કાર્યક્રમોમાંનો એક ‘વાંચે ગુજરાત’ માટે બોલેલી સ્પીચમાં આપી દિધો છે. ગમે તેવું વાંચવું. ગમે તેવુ એટલે નકામુ નહીં. મનને ગમે તેવું. એમ નહીં કે આ જ વાંચવુ કે પેલુ જ વાંચવુ. ઝગમગ ગમે તો ઝગમગથી શરૂ કરવાનુ. ચિત્રવાર્તા ગમે તો ત્યાંથી શરૂ કરવાનુ. પાતળી ચોપડીથી શરૂ કરવાનુ.

બસ શરૂ કરવાનુ. આપણે બાળકને લીક્વીડ પાતા પાતા ખાતો કરીએ છીએ. એવું જ પુસ્તકોનું. ડાયરેક્ટ મોટા કોળીયા ન હોય. એકવાર માણસ વાંચતો થાય પછી એ ગમે તેવી અઘરી ફિલસૂફી અને ભારેખમ બૂકોનેય પચાવી જાય.

એક ભાઇને પાણીપુરી ભાવે છે, એને આખો મહિનો લારી પર લઇને ઉભા રાખો. તો એક દિવસ પાણીપૂરી ખાશે. બીજાં દિવસે એ સામેથી ના પાડશે. ચટપટી ચીજો કાયમ માટે ન હોય. એવી જ રીતે ચટપટુ સાહિત્ય દરરોજ ન ભાવે. એ માણસ ક્યારેક તો પૌષ્ટીક સાહિત્ય તરફ વળે જ. આમ, પુસ્તક સારા માણસ બનાવે. (આ વાત ડાયરેક્ટ કહી દિધી હોત તો અડધા લેખ મૂકીને ભાગી જાત.)

હવે કેટલીક ફૂદડીઓ, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય વાળી (*) :

  • જીવવા માટે વાંચવાનું, વાંચવા માટે નથી જીવવાનું. વાંચન કોમ્પિટિશન નથી કે કેટલું વાંચ્યુ. વાંચન તો તમે કેવુ વાંચ્યુ અને દિલમાં કેટલું ઉતાર્યુ એના પર મપાય. વાંચતા વાંચતા વચ્ચે વચ્ચે અટકવાનું. સમજવાનું. વિચારવાનું. ગમતા વાક્યો અન્ડરલાઇન કરતા જવાના. વાંચતા વાંચતા આવતા વિચારો પર્સનલ ડાયરીમાં નોટ કરતા જવાના. વાંચનનો આફરો ન ચડવો જોઇએ. વાંચન તો ચાવી ચાવીને, ચગળી ચગળીને ખાવાનું હોય. વાંચન સ્ટીકરની જેમ ચોંટી ન રહેવું જોઇએ કે ઉખડી જાય. લોહીમાં ભળી જવું જોઇએ.
  • એક જ સરખી નવલકથાઓ કે એક જ વિચારનાં પુસ્તકો નહીં વાંચવાનાં. એ તમને વેદિયા ઉર્ફ બૂક વોર્મ્સ બનાવી દે. એક ટોપીકને સમજતા હોઇએ તો તેના પર અલગ અલગ એન્ગલનાં એક બીજાંથી વિરૂધ્ધ 360° વિચારોનાં પુસ્તકો વાંચવાનાં. એ તમને ટોપીકનું ઉંડાણ સમજાવશે. દાત. જો તમે અરેન્જ મેરેજનાં ગુણગાન ગાતા પુસ્તકો જ ભચડ્યા કરશો તો તમને લવ મેરેજનાં એંગલથી વિચારવાની ફ્રિડમ નહીં મળે. અને તમારાં માઇન્ડમાં પ્રગટ થતા થોટ્સની એક લિમીટ આવી જશે. જે તમને અમૂક હદ પછી બાંધી દેશે. લેખો, નિબંધો, કવિતા, ટુચકા, નાટકો, બાયોગ્રાફી, નવલકથા, રોમેંસ, સસ્પેન્સ, થ્રિલર, મોટીવેશન, અર્થ, ધર્મ, કામ, મોક્ષ બધુ જ વાંચવાનું. ના, પૂણ્ય કમાવવા નહીં. ટોટલ સ્વાર્થ માટે. વિચારવાનું લેવલ અપ કરવા માટે.
  • બધી બૂકો કવર ટુ કવર વાંચવી ફરજીયાત નથી. સમય ઓછો ને સાહિત્ય ઉંડુ છે. એટલે દરીયામાં બધા પથરા સામે સમય બગાડવો પોસાય નહીં. મોતી જોઇએ એટલા મળે નહીં. બધી બૂકો ફન જ ન હોય. કેટલીક બૂક વાંચતા કંટાળોય આવે. ખાટા બોર બધે જ હોવાના. પુસ્તકો મગજની કસરત છે. એટલે ભારેખમ વાંચનથી મગજને થકાન મળવાની જ. અને એ જ તો પુસ્તકનો મેઇન બેનેફિટ્સ છે. એ તમારા મગજને જીવતુ રાખે. જ્યાં સુધી બૂકમાં આપણને જોઇતુ હોય એવુ મળી રહે ત્યાં સુધી વાંચવાનું. ચાખી ચાખીને જે બોર ખાટા હોય એને દૂર કરતા જવા પડે. એમાંથી જે સારૂં હોય એ ખાઇને બાકીનું ફેંકતા જવું પડે.

સોશિયલ મિડીયા કે અન્ય ટીપીમાંથી સમય કાઢી આજથી જ વાંચવાનું શરૂ કરી દો. જો તમે રોજ પચાસ મિનિટ સોશિયલ મિડીયામાં ટીપી (ટાઇમપાસ, યૂ નો?) કરતા હોવ તો તેમાંથી પચ્ચીસ મિનિટ રીડીંગને આપો.

સમય નથી એવા બહાનાઓ કાઢવાની જગ્યાએ ગમે ત્યાંથી દરરોજનો માત્ર ત્રીસ મિનિટનો સમય વાંચનને ફાળવી શકાય અને ધીમે ધીમે વધારી પણ શકાય. જો એક પાનાથી વાંચવાનું શરૂ કરો અને વધારો તો પણ ફાયદો જ છે. સ્કૂલ રીસેસમાં, કેન્ટીનમાં, લાઇનમાં ઉભા ઉભા, ટ્રેનમાં બેઠા બેઠા, બસમાં ટીંગાતા ટીંગાતા જ્યાંથી મળે ત્યાંથી પાંચ-દસ- પંદર મિનિટ ખેંચી ખેંચીને ભેગી કરવી પડે.

બૂક એટલે હરીફરી શકે એવો જાદુઇ દરવાજો. ઇબૂક, પેપર બૂક, ઓડીયોબૂક, પોડ કાસ્ટ જે પણ માધ્યમ મળે એમાં વાંચો. આપણે રસોઇ બનાવવાની છે, એ પછી ગમે તે વાસણનો ઉપયોગ કરીએ શર્ત એટલી જ કે રસોઈ સ્વાદિષ્ટ બનવી જોઈએ.પુસ્તકોનાં મેજીક વગર જીવ્યા તો શું જીવ્યા, હેં?

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.