લોક ડાઉનનાં લોક અપમાં લોક આઉટ થઇ ગયેલા લોટકા મનનાં લોકને અનલોક કરવા જોવા, વાંચવા, સાંભળવા, વિચારવાનું પૌષ્ટીક બ્રેઇન ફૂડ.

દેશભરમાં લોકડાઉન 2.0 શરૂ થઇ ચૂક્યુ છે. આખી દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વીસ લાખ પ્લસ થઇ ચૂકી છે. ‘કન્ટેજીયન’ કે ‘વર્લ્ડ વોર ઝેડ’ સુધીની સાય-ફાઇ ફિલ્મોમાં બતાવાતી મહામારી, ટપોટપ મરતા લોકો, ઉથલપાથલ થઇ જતી આર્થીક-સામાજીક-સાંસ્કૃતિક વ્યવસ્થાઓ જોઇ-સાંભળી-વાંચી-અનુભવી શકાય છે. જાણે કોઇ સાય-ફાઇ મૂવી ચાલતી હોય અને આપણે એનું પાત્ર હોઇએ એવું જ.

લોકડાઉન તો કોરોનાને કંટ્રોલ કરવા માટે છે. લોકડાઉનથી સ્થિતિ વકરતા અટકી છે. પણ પૂર્ણપણે નિયંત્રણમાં નથી. નદી પરનો ડેમ ટેન્શનમાં હોય અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિ હોય એવું જ કંઇક. જ્યાં સુધી કોરોનાની રસી ન મળી જાય ત્યાં સુધી સ્થિતિને કાબૂમાં રાખવી મૂશ્કેલ થઇ પડવાની છે. લોકડાઉન કોરોનાનો અંત નથી. પણ જનજીવન તો ફરી રાબેતા મૂજબ શરૂ કરવુ જ રહ્યુ. માતબર જર્નલ સાયન્સમાં હાર્વર્ડનાં રીસર્ચર્સોએ એક રીસર્ચ પેપર અપલોડ કર્યુ છે. જેનાં કહેવા પ્રમાણે આખી દુનિયાએ 2022 સુધી સોશિયલ ડિસ્ટંસીંગનું ધ્યાન રાખવુ પડશે. એટલે કે આ ફાઇટ થોડી લાંબી ચાલશે. ત્યાં સુધી ધંધા-રોજગાર, શિક્ષણથી લઇ અને બીજી રોજબરોજની વૃત્તિ-પ્રવૃતિમાં સોશિયલ ડિસ્ટંસીંગથી લઇ બીજી અનેક હેલ્થ સાવચેતીઓ રાખવી જ પડશે. એટલે રીસન્ટ ફ્યૂચરમાં તો એકાંત જ એક સહારો બની રહેવાનો.

આમ જોઇએ તો કોરોનાએ મોકો આપ્યો છે, અવનવુ રંગીન જોવા-માણવા-અનુભવવાનો. હા, ઘર બહારની દોટ ઓછી થઇ જશે પણ ભીતરની દોટ તો માંડી જ શકાય ને. તો પેશ હે, સ્ક્રીનનું સ્કીનમાં વળગણ ઘૂસી ન જાય તે પહેલા, ફેસબૂક-ટ્વિટર-વોટ્સએપ પરની પોલિટીકલ તજવીજથી દૂર, ન્યૂઝ ચેનલોનાં ટેન્શન ભરતાં સમાચારોથી અળગું વીણી – ચૂંટીને ભેગા કરીને બનાવેલું વીડીયો-ઓડીયો-વેબસિરીઝ-મૂવી-વાંચનનાં વૈભવ વિહારનું લોકડાઉન લાઇફમાં મગજમાં ડાઉનલોડ કરવા જેવું લીસ્ટ.


A) ઓડીયો- વિઝ્યૂઅલનો જલસો અને ગીત-સંગીતની ગંગા :

ટીકટોક કલ્ચરમાં ટીપટોપ વિડીયોઝ શોધવા એ ઘાસનાં ઢગલા નહીં પહાડમાંથી સોય શોધવા જેવુ કપરૂં કામ થઇ પડે છે. રોજ કેટલાંય સારા નઠારા ગીતોનો ફાલ માર્કેટીંગનાં મેદાનમાં આવે છે. કેટલાંય ટોપનાં મ્યૂઝીક રેકોર્ડ લેબલ અને સોંગ પ્રોડક્શન કંપનીઓ પણ ફાલતું જેવા સોંગ્સને રીલીઝ કરે છે. તો મફતડેટાંને લીધે વધેલા મોબાઇલ યૂઝને લીધે યૂટ્યૂબ પર ઢગલાબંધ કચરો ઠલવાતો રહે છે. યૂ ટ્યૂબ કે અન્ય સાઇટ્સ ખોલીએ એટલે મનેકમને હાફ માઇન્ડેડ સ્ક્રોલ ડાઉન કરીને ટાઇમ કિલ કરતા હોઇએ છીએ. તો આ રહી ફૂરસદે માણવા જેવા વિડીયોઝની યાદી.

1) 60 યર્સ ઓફ બોલિવૂડ ઇન 4 કોર્ડ્સ :

(https://youtu.be/LbeXiLJ57_A)

આજકાલ તો બોલિવૂડમાં રીમીક્સનો દોર શરૂ છે. એવુ નથી કે સારા ગીતો નથી આવતા, પણ લાંબા સમય સુધી યાદ રહી જાય એવા નથી આવતા. બોલિવૂડ મ્યૂઝીકની ગીત ગંગા છીછરી થતી જતી હોય એવો અહેસાસ થાય છે. અંતાક્ષરી રમવા બેસીએ તોયે પેલા ઓલ્ડ ઇઝ ગોલ્ડ 80s અને 90s નાં કાનને સૂકૂન આપતા ગીતોનો ફાલ જ યાદ આવે.

બોલિવૂડનાં ગોલ્ડન પિરીયડનાં લીજેન્ડ કિશોર કુમાર, રફી સાહેબ, લતા મંગેશ્કર અને બીજાં સૂપર સ્ટાર સીંગર્સનાં દિલો દિમાગમાં ઘર કરી ગયેલા ઓરીજીનલ કમ્પોઝીશન્સને કોઇ બીટ કરી શકે એમ નથી. એ ગીતોની કડીઓ એક વાર સાંભળી લીધી હોય એટલે આખો દિવસ રીપીટ ટેલિકાસ્ટની જેમ મગજમાં ઘૂમસળીયા લીધા કરે. એવાં જ સદાબહાર ગીતોની કડીઓ ભેગી કરીને ગિટારનાં માત્ર ચાર કોર્ડ ઝણઝણાવીને અંકુર ડોબ્રીયાલ અને અક્ષય નાયર નામનાં બે યૂવાનોએ સ્કુપવ્હૂપ કાફે સાથે મળીને 8 મિનિટની મ્યૂઝીકલ જર્નીમાં બોલિવૂડનાં 60 વર્ષની જાત્રાનાં ઓલ્ડથી ન્યૂ ગીતોને ફરી તરોતાજા કર્યા છે. અંકુર અને અક્ષયનાં 20 યર્સ ઓફ ઇન્ડીપોપ થી લઇ 20 યર્સ ઓફ ફ્રેન્ડશીપ સુધીનાં કમ્પાઇલેશન સોંગ્સ પણ લાજવાબ છે.

2) વર્લ્ડ ઓફ ડાન્સ, ધ કિંગ્સ & અમેરીકાઝ ગોટ ટેલેન્ટ, વી અનબીટેબલ :

(https://youtu.be/Qr7DQ41StlM)

(https://youtu.be/vweyQrGMEAk)

ન્યૂ યંગીસ્તાન. જે માત્ર સર્જીકલ સ્ટ્રાઇક પૂરતુ નથી. જે પોલિટીકલ અજેન્ડામાં ફસાઇ હાથમાં હાથ નાંખી બેસી રહેતુ નથી. જે પીડિત બનીને બેસી રહેતુ નથી, પણ સામા સવાલો કરે છે. આ એ હિન્દુસ્તાન છે જ્યાં રોજ નવા સપનાની ઉડાનો ભરાય છે. જે રોજ અવનવી ક્રિએટીવીટીથી છલક છલક થાય છે. એ કોઇ એક બીબાંમાં કેદ થવા નથી માંગતુ.

આમ તો મૂંબઇ સપનાઓનું શહેર તેમજ ભારતનું હીપ હોપ ડાન્સ હબ. ધ કિંગ્સ ગ્રુપે મુંબઇનાં વસઇમાંથી શરૂ કરેલી જર્ની એન્ટરટેઇન્મેન્ટ કે લીયે કુછ ભી કરેગાથી બૂગીવૂગી, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનાં ડાન્સ સ્ટેજ પર આગ લગાડતી છેક વર્લ્ડ ઓફ ડાન્સ સુધી વણથંભી ચાલુ રહી. અને હમણાં જ ગયા વર્ષે વર્લ્ડ ઓફ ડાન્સમાં પણ જીતનાં જંડા ગાડી દિધા. મિલીયન ડોલરનું માતબર પ્રાઇઝ જીતી લીધુ. હાઇ ફ્લાય જમ્પથી પર્ફેક્ટ મૂવમેન્ટ્સ, યૂનિક ટ્રીક્સ થકી ધ કિંગ્સની ડાન્સનાં મેદાનમાં એક અલગ પહેચાન છે. ધ કિંગ્સની વર્લ્ડ ઓફ ડાન્સ જીતવાની જર્નીમાં વરૂણ ધવને કરેલી હેલ્પ, વર્લ્ડ ઓફ ડાન્સની તૈયારી વખતે થયેલી ઇજાઓ, આવડા મોટા ડાન્સ સ્ટેજ પર પર્ફોર્મન્સનું ટેન્શનની વાર્તા પણ એટલી જ ઇન્ટરેસ્ટીંગ છે. બાય ધ વે, આ એ જ ડાન્સ ગૃપ છે જેની જીરોથી ફાર્સ સુધીની યાત્રા પરથી એબીસીડી- 1,2 બનેલી છે. તેમજ હમણાં આવેલું મૂવી સ્ટ્રીટ ડાન્સરમાં ઘણા બધા ડાન્સ સ્ટેપ્સ ધ કિંગ્સનાં યૂનિક સ્ટેપ્સ પણ છે.

(https://youtu.be/nyzN8wgZ-_4)

મૂંબઇમાંથી વધુ એક ડાન્સ ગૃપની જર્ની શરૂ થઇ. વી અનબીટેબલ. 2018માં ડાન્સ પ્લસ સીઝન 4 માં ચોથા રેન્ક પર રહેલુ આ ગૃપ સીધુ અમેરીકન ગોટ ટેલેન્ટ સીઝન 14 માં પહોંચી ગયુ. ફાઇનલ સુધી પહોંચ્યુ. ગોલ્ડન બઝર મેળવ્યુ. કોન્ફિડન્સ વધ્યો. ફરી અમેરીકાઝ ગોટ ટેલેન્ટ : ધ ચેમ્પિયન્સ સિઝન 2માં ભાગ લીધો અને ડાન્સ ફ્લોર પર રીતસરનું ગાબડું પાડી દિધું. ફાઇનલીસ્ટ બન્યુ. આ ગૃપનાં પર્ફેક્શન અને શ્વાસ થંભાવી દેતા સ્ટંટ્સ મોબાઇલની સ્ક્રીન પર જોતા હોઇએ તોયે રૂંવાડા ખડા કરી દે છે.

3) દુઆ-એ-રીમ – શોએબ મન્સૂર | માહિરા ખાન :

(https://youtu.be/QcON6vmP9no)

જે વસ્તુ મોટા મોટા દળદાર પૂસ્તકો કે પાનાંનાં પાનાં ભરેલા લેખો નથી સમજાવી શક્તા એ મહજ સાત – આઠ મિનિટનું આ ગીત સહજ રીતે સમજાવવામાં કામિયાબ રહે છે. આ વખતનાં વૂમન્સ ડે પર રિલીઝ થયેલુ એવુ જ એક ગીત દુઆ-એ-રીમ જેન્ડર ઇક્વેલીટી અને વૂમન એમ્પાવરમેન્ટનાં અર્કને બખૂબીથી સમજાવી જાણે છે. પાડોશી મૂલ્ક પાકિસ્તાનમાંથી આવેલું આ ગીત એકદમ ખૂબસુરત રીતે લખાયેલું છે.

ગીતનાં પ્રોડ્યૂસર – ડાયરેક્ટર શોએબ મન્સૂરે ખૂદા કે લીયે અને બોલ જેવાં પાકિસ્તાની ફિલ્મોમાં ધાર્મિક વેલ્યૂઝ સામે બખાડા લીધા હતા. અને હવે 1902માં લખાયેલી અલ્લામા ઇકબાલની ‘બચ્ચે કી દુઆ’માં ફેરફાર કરી પુરૂષપ્રધાનતા સામે બે-બે હાથ કર્યા છે. ગીત દામિયા ફારૂક, શેહનાજ, મહેક અલીએ ગાયુ છે. તો ‘રઇસ’ ફેમ માહિરાખાન પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીત બે હિસ્સામાં છે : દુલ્હનને નસિહત ઉર્ફ શિખામણ અને દુલ્હનનો શિખામણ લેવાથી ઇન્કાર અને બગાવત. પતિ હી પરમેશ્વર હોતા હૈં, ગાલી – ગલોચ, ધોલ-ધપાટ ચૂપચાપ સહી લેવા જોઇએ જેવી કચરા પેટીમાં નાંખવા જેવી શિખામણ દુલ્હનને પરોસવામાં આવે છે. દુલ્હન એવી રદ્દી જેવી શાખનો ઇન્કાર કરે છે. અને એનો સુંદર રીપ્લાય સાંભળવા ખૂદ જ જોઇ લો ગીત.

4) વ્હાઇટ રણ, કચ્છ – અદિતિ રાવળ :

(https://www.youtube.com/playlist?list=PLD5YZzlRScbH4AlZrPJPNOHe3fXQgzP7q)

કચ્છનું રણ આમ તો યૂનિક. દુનિયામાં એક માત્ર સફેદ રેતનું ડિઝર્ટ. પણ એ યૂનિકનેસનો ફાયદો પણ મેળવી શકાય, ટૂરીઝમ વિકાસથી, રણ ઉત્સવ યોજીને. દર વર્ષે ગુજરાત સરકારનાં ટૂરિઝમ ખાતા દ્વારા કરવામાં આવતી પબ્લિસિટીનો ફાયદો છેક રહીને રહીને થોડા વર્ષોમાં દેખાતો થયો છે. હજારો લોકો દર વર્ષે વૈવિશાળ રણ પરથી પૂનમનાં ચાંદને જોવા, રણમાં ડૂબતા સૂરજને નિરખવા, કચ્છની રેત પર થતા સાંસ્કૃતિક કાર્યક્રમોનો લુત્ફ ઉઠાવવા નિકળી પડે છે.એ કચ્છનાં રણ ઉત્સવનું એક એક સૌંદર્ય ખૂબસુરત ટેન્ટથી માંડી, બજારમાં લટાર, સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક અને રણને ભેટવા નિકળેલા સૂરજ સુધીનાં તમામ દ્રશ્યો ઘર બેઠાં જોઇ નાંખો. ચૂલબૂલી અદિતિ રાવળની 10 ચેપ્ટરમાં કમ્પાઇલ થયેલા વ્હાઇટ રણનાં ટૂંકા વિડિયો સિરીઝમાં.

5) કોલ્ડ / મેસ – પ્રતિક કુહાડ :

(https://youtu.be/Il7Nv270zNk)

મ્યૂઝીશિયન અને સોંગ રાઇટર પ્રતિક કુહાડનાં બધા જ સોંગ એવી સરસ સોલફૂલ ક્વોલીટીથી લખાયા હોય છે કે સીધા દિલ સોંસરવા ઉતરી જાય છે. અને એટલે જ એનું કોલ્ડ / મેસ ગીત લાખો યુવાઓનાં પ્લે લીસ્ટમાં છે. હર્ટ બ્રેક કરી નાંખતુ, ગળામાં ડૂમો લાવી દેતુ આ ગીત પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં ફેવરીટ સોંગ લિસ્ટમાંનું એક છે.

વિડીયોમાં રીલેશનશીપની લાઇફ સાયકલને ગીતનાં લફ્જ તેમજ જીમ સર્ભ અને ઝોયા હૂસેનની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને ફીટ બેસાડી એકદમ ઇમોશનલ રીતે રજૂ કરાયેલુ છે. પ્રેમનું શરૂઆતી એટ્રેક્શન, કડવી ફાઇટ્સ અને મૂવ ઓન કરવાનું રીલેશનશીપની મિન્ટી મેમરીઝનાં સહારે જીવવાનું નક્કી કરીએ એ પહેલા લવરની વાપસી. અને ઇશ્કિલા દર્દમાં ડૂબાડી દેતું લિરીક્સ અને અવાજ. બધી લવસ્ટોરી પૂર્ણ ન પણ હોય, પણ જે મોમેન્ટ્સ ફોર એવર સાથે રહે એ જ આપણને હર્ટ બ્રેક પછી પણ જીવતા રાખવા કાફી હોય છે.

6) માખણનો ચોર – યોર મ્યૂઝીક પ્રોડક્શન :

(https://youtu.be/wUJFoTu9etA)

આપણે ત્યાં ગુજરાતી ગીતોમાં પણ જૂના ઝવેરાત ગીતોને નવા સંગીતમાં મોડર્ન વોઇસમાં ઢાળવાનો ટ્રેન્ડ કેટલાક વર્ષોથી શરૂ થયો છે. પણ નવા સારા ગીતો ઓછા બને છે, જે બને છે એ ગઝલ અને કાવ્ય ક્ષેત્રમાં હોય છે. બોલિવૂડમાં પણ ગુજરાતી લોક ગીતો ટપકી પડે છે. અને એ સારૂં જ છે. ગુજરાતી ગીતો ભારત તેમજ દુનિયા ભરમાં પ્રસિધ્ધ થાય. આમેય ગરબાને લીધે તો લોક ગીતો વિદેશોમાં વાગવા જ લાગ્યા છે ને. પણ ક્રિએટીવીટી સભર નવા ગીતો પણ આવતા રહેવા જોઇએ.

સંત્વની ત્રિવેદીએ ગાયેલું આ ગીત યંગ એન્ડ ડાયનેમીક રાધા અને કાનૂડાની કેમેસ્ટ્રીને હોળી – ધૂળેટી અને ગરબામાં એવી તો સરસ રીતે ઘોળે છે કે ગણગણવાનું મન થયા કરે.

7) ડિલેટેડ સીન્સ ઓફ લવ યુ જીંદગી – આજકલ કે બચ્ચે & જીંદગી ક્યાં હૈં?! :

(https://youtu.be/A_yLc5omT1w)

(https://youtu.be/Gkoxn6Nyijk)

છેલ્લા કેટલાંક સમયથી શાહરૂખનો સિક્કો બરાબર જામતો નથી. કરીયર ડાઉનહીલ તરફ જઇ રહ્યુ હોય એવું લાગે છે. પણ એક ફિલ્મ એનું હીટ ગયેલું. લવ યુ જીંદગી. એ પણ યૂથ કનેક્શનને કારણે. ટીનેજ આલિયા ભટ્ઠ તેનાં મેન્ટોર ડોક્ટર શાહરૂખની વાતોથી સલાહથી પોતાની પાટેથી ઉતરી ગયેલી લાઇફને ફરી પાટા પર લાવે છે.

પણ આ ફિલ્મનાં કેટલાંક સીન ફિલ્મ મેનેજમેન્ટે ડિલીટ કર્યા છે. જે પાછળથી યુ ટ્યૂબ પર મૂકવામાં આવ્યા. હા, ફિલ્મ એ સીન્સ વગર પણ સરસ જ છે. પણ એમાંથી બે તો એટલા સરસ સીન છે કે આપણને લાગે કે આ તો ફિલ્મમાં ડેફિનેટલી હોવા જ જોઇએ.

8) અ ટ્રાઇબ્યૂટ ટુ ક્લાસિક ઇન્ડિયન એડ્સ :

(https://youtu.be/EjD3ZK91DHo)

90નાં દાયકામાં દૂરદર્શન જ એકમાત્ર એન્ટરટેઇન્મેન્ટનું અલ્ટીમેટ ડેસ્ટીનેશન હતું. કલર ટેલિવિઝન મનોરંજન ઇન્ડિસ્ટ્રીમાં પગપેસારો કરવા ઇન્ડિયન મિડલ ક્લાસ લોકોને રીઝવવા મથામણ કરી રહ્યુ હતુ. ફેવરીટ પ્રોગ્રામ કરતા પણ ત્યારે આવતી એડવર્ટાઇઝમેન્ટ જોવાની ઉત્સુકતા વધારે રહેતી. જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવતી ત્યારે ગણગણવાનીયે મજા આવતી. મહાભારત, રામાયણ અને શક્તિમાન જેવી મેમરી લેનમાં લઇ જતી ટીવી સિરીયલ દૂરદર્શનમાં શરૂ થઇ ગઇ છે. પણ તે સમયની એડ પણ હમીંગ કરવા મળી જાય તો!?

ભારતનું સૌથી પહેલું અકાપ્પેલા ગૃપ (જે મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ ન કરે, માત્ર ગળા અને મોઢાંનાં અવાજનાં સહારે મ્યુઝિક પ્રોડ્યૂસ કરે) વેરોનિકા અને એઆઇબીનાં કોમ્બિનેશને આ વિડીયો બનાવેલો. આ વિડીયામાં મોટાભાગની જુની એડ્સને મસ્ત રીતે લહેકામાં ઢાળી કોઇપણ સંગીતનાં સાધનોનાં ઉપયોગ વગર ફની રીતે પ્રેઝન્ટ કરી છે. ઘર વાપસી થઇ હોય અને નોસ્ટાલ્જીયામાં સરી પડ્યા હોય એવુ ફિલ થાય.

9) આવાજ – રાકેશ તિવારી (અનઇરેઝ પોએટ્રી)

(https://youtu.be/pfntx06hWNs)

એક સમય હતો જ્યારે ભારતમાં ગણ્યા ગાંઠ્યા થોડાં વધારે ફેમસ થયેલા કવિઓની બૂકો વંચાતી અને મૂશાયરાઓમાં એ જ કવિઓ ભીડ ઉમટાવી શકતા. નવા કવિઓને ખૂબ સ્ટ્રગલ કરવી પડતી નામ બનાવવામાં. કારણકે નવા કવિઓને સાંભળવા કોણ આવે?! આ બહુ દુરનાં ભૂતકાળની વાત નથી. પણ હમણાં કેટલાંક વર્ષોથી આખો સીનારીયો ચેન્જ થયો. જૂની પબ્લીશીંગ ઇન્ડસ્ટ્રીઓએ પણ પોતાની ક્ષિતિજો વિસ્તારી. ફ્રેશ ટેલેન્ટ્સને આવકાર આપ્યો. ઇન્ટરનેટનાં દોરમાં ઓપન – માઇક ઇવેન્ટ્સમાં નવા ઉગતા સિતારાઓને સ્થાન મળ્યુ. કોલેજ-સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની જેવડાં યંગ એન્ડ ડેશીંગ કવિઓ કવિતા વાંચતા જોયા. ઇન્ટરનેટ હાથવગુ હોઇ કેટલાંય બચ્ચાંઓ ઇન્સ્પાયર થયા. સોશિયલ મિડિયા અને યુ ટ્યૂબ જેવા માધ્યમો ક્રિએટીવીટીનું હબ બન્યા.

એવાં જ એક ઓનલાઇન પ્લેટફોર્મ અનઇરેઝ પોએટ્રી પરની રાકેશ તિવારીની એક કવિતા – આવાજ. આવાજ એક એવી કવિતા છે જે તમે સાંભળો પછી તમારાં મનમાં ઘેરાઇ રહે. રાકેશ તિવારીએ ફ્રિડમ ઓફ એક્સપ્રેશનને ખૂબ સરસ રીતે રજૂ કર્યુ છે. કોઇપણ જાતનાં પક્ષ લીધા વગર કે ઉગ્ર સ્લોગન આપ્યા વગર એકદમ સરળ રીતે અવાજની આઝાદીને ઇન્સ્પિરેશનલ રીતે આવનારી પેઢીને આવરી લઇ રાકેશભાઇએ સરસ લહેકામાં રજૂ કરેલું છે.

માત્ર આ એક જ કવિતા નહીં આનાં જેવી તો હજારો કવિતાઓ ધ હેબીટેટ, મોર ધેન માઇક્સ, ધ કૂકૂ ક્લબ, ટર્નીંગ ફોર્ક્સ, ટ્રૂ ટ્રામ ટ્રંક, સ્પીલ પોએટ્રી થી ધ વોઇસ ફેકટ્રી અને બીજાં ઘણાં ઓનલાઇન પ્લેટફોર્મનાં ખેતર પર કવિતાઓનાં મબલખ પાક ઉભા છે. જેટલા લણી શકાય એટલા લણી લો.

10) લાઇવ એઇડ- બોહેમિયન રાસ્પડી સીન કમ્પેરીઝન :

(https://youtu.be/2cH5htm6T4E)

ક્વિન બેન્ડનાં લીડ સીંગર ફ્રેડી મર્ક્યુરી પરની બોહેમિયન રાસ્પડી હ્યૂજ સક્સેસ મૂવી હતી. મૂવીને બેસ્ટ મૂવીનો ઓસ્કાર થઇને પાંચ ઓસ્કાર મળ્યા. મૂવીનો ક્લાયમેક્સ જબરદસ્ત હતો. એ એકવીસ મિનિટનો લાઇવ એઇડનો મ્યુઝિક પ્લોટ મૂવી પૂરી થઇ ગયા પછી પણ મગજમાં રમ્યા કરે એવો.

1985માં ફંડ ઉભુ કરવા લાઇવ એઇડનો કાર્યક્રમ થયો હતો. મૂવીનાં ડાયરેક્ટર બ્રાયન સીંગરે એ કોન્સર્ટનાં વિડીયોને સાથે રાખીને આખો મૂવીનો ક્લાઇમેક્સ ઘડ્યો છે, જે અદ્દલ એવો જ છે જેવો વર્ષો પહેલા લોકો સામે પર્ફોર્મ થયો હતો. એ વખતે ક્વિન બેન્ડનું હિસ્ટોરીકલ પર્ફોર્મન્સ અને આખા વીમ્બલે સ્ટેડિયમમાં ઉપસ્થિત 72,000 પબ્લીક બેન્ડની રીધમમાં એક સાથે એક જ લયમાં ઝૂમે છે. એ જોવા આ મૂવી vs રીયાલીટીનાં કમ્પેરીઝન વાળો સ્ટનીંગ વિડીયો જોવો રહ્યો.

B) મૂવીઝ મસ્તી અને વિવિધ વેબ સિરીઝ વિહાર :

સિનેમેટોગ્રાફી એટલે અવાજ સાથે મૂવમેન્ટ પર ચિત્રોનું લખાણ.
– રોબર્ટ બ્રેસન

એન્ટરટેઇન્મેન્ટ અને લર્નીંગ એકબીજાંથી વિરૂધ્ધ નથી. એન્ટરટેઇન્મેન્ટએ લર્નિંગનો એક કારગત પ્રકાર જ છે.
– હાર્બર્ટ મર્ક્યુઝ

અ) મૂવીઝ:

1) ડિસ્ટર્બીયા :

જો થ્રિલર જોવામાં રસ હોય તો જરાય વિલંબ કર્યા વગર આ મૂવી જોઇ નાંખો. સ્ટીવન સ્પીલબર્ગે પ્રોડ્યૂસ કરેલી અને ટ્રાન્સફોર્મરનાં હીરો શીઆ લેબોફ સ્ટારર નેઇલ બાઇટીંગ એન્ટરટેઇનર. એક અકસ્માતમાં બાપ ભગવાનને પ્યારો થઇ ગયો છે. જેને લીધે છોકરાનો સ્વભાવ ચિડીયો થઇ ગયો છે. જેને લીધે એ હવે હાઉસ અરેસ્ટમાં છે. પગમાં સેન્સર છે. એટલે ઘરની બહાર જવાનું નથી. નહીંતર પોલિસ આવી ચડે. મા પણ ખીજાઇને ટીવી-ઇન્ટરનેટ બંધ કરી જતી રહે છે.

હવે એકલો પડેલો બોર થયેલો છોકરો બાજુમાં નવી રહેવા આવેલી ફૂટડીને દૂરબીન વડે જોયા કરે છે. ત્યાંજ એક બીજાં ઘરમાં રહેતા પડોશી સિરીયલ કિલર હોય એવું લાગે છે. ખૂનથી ખરડાયેલી હિલચાલ નજરે પડે છે… અને પછી. બોસ તમે ખૂદ જ જોઇ નાંખો.

2) પ્લેટફોર્મ :

હમણાં જ આજ વર્ષે 21 ફેબ્રુઆરીનાં રોજ રીલીઝ થયેલી આ સ્પેનિશ સાય હોરર થ્રિલર જ્યારથી નેટફ્લિક્સમાં રીલિઝ થઇ છે, ત્યારથી ટોપ 10 માં પોતાની જગ્યા ફિક્સ કરી દિધી છે. મૂવીમાં વર્ટીકલ જેલ છે. જે ટાવર સ્ટાઇલમાં બનેલી છે. દરેક ફ્લોર પર બે-બે કેદીઓ છે. ત્યાં એક એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે. સૌથી ઉપરનાં ફ્લોર પર ટોપ રસાઇયાઓ દરરોજ સેંકડો સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી ચોરસ પ્લેટફોર્મ પર મૂકી દે. હવે આ પ્લેટફોર્મ ઉપરથી નીચે આગળ વધે. બધા ફ્લોર પર બે મિનિટ ઉભુ રહે. જેને જેટલુ ખાવુ હોય એટલુ એ બે મિનિટમાં ખાઇ લેવાનું. પછી એ પ્લેટફોર્મ નીચેના માળ પર જતુ રહે. આ પ્લેટફોર્મ પર બધા ફ્લોરનાં કેદીઓ ખાઇ શકે એટલું ખાવાનું છે.

પણ હ્યૂમન સાયકોલોજી પણ એક ચીજ છે. ઉપર બેઠેલો નીચે બેઠેલાનાં ભાગનું ખાઇ જાય એ તો ડાર્વિનનો નિયમ છે. પોલિટીક્સથી સોશિયલ સિસ્ટમ સુધીનો. બસ એવું જ અહીં થાય છે. જેમ સ્કૂલમાં શિક્ષક તોફાની બાળકોનાં ક્લાસને ટ્રીટ કરવા દર અઠવાડિયે બધાની જગ્યા બદલે એમ જ અહીં દર મહિને કેદીઓની જગ્યા બદલાય છે. મહિનો પૂરો થાય એટલે રેન્ડમલી બધાને અલગ જ ફ્લોર પર ગોઠવી દેવામાં આવે. જે ઉપર આવે એને પેટભર જમવાનું મળે અને સાવ નીચેનાં ફ્લોર વાળા ઠનઠનગોપાલ. અને પછી જે લોહીયાળ રમત રમાય છે…

3) ફ્રિડમ રાઇટર્સ :

કેલિફોર્નિયાની વૂડ્રો વિલ્સન હાઇ સ્કૂલનાં બાળકોએ અંગ્રેજીનાં ક્લાસમાં પોતાની જીંદગી પર લખેલી ડાયરીઓનાં કમ્પાઇલેશન પરથી છપાયેલી અને ખૂબ વંચાયેલી એ સ્કૂલની ટીચર એરીન ગ્રુવેલની રીયલ લાઇફ બેઝ્ડ બૂક ફ્રિડમ રાઇટર્સ ડાયરી પરથી બનેલું આ રીયલ લાઇફ બેઝ્ડ મૂવી છે. કેવી રીતે એક નવી આવેલી શિક્ષક ક્લાસનાં તોફાની બાળકો સામે સર્વાઇવ કરે છે અને સ્કૂલમાં ટકે છે. કેવી રીતે એક શિક્ષક એકબીજાંથી નફરત કરતાં બ્લેક, કમ્બોડીયન, લેટીન અને બીજાં ઘણાંય ગેંગનાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને એક કરે છે, અને જીંદગીનાં મહત્વનાં પાઠ શિખવે છે. શિક્ષકની ભણાવવાની રીત ભણાવવાની મજા જ અનેરી છે. આ ફિલ્મ જોયા પછી શિક્ષક પ્રત્યેનું માન ઓર વધી જાય છે.

4) ઓલ ધ બ્રાઇટ પ્લેસીઝ :

એક છોકરી છે જેની બહેનનું તાજેતરમાં જ એક્સીડન્ટમાં મોત થયુ છે, જેથી એ ઉદાસ રહે છે. એક છોકરો છે જેને બધા પગલેટ કહે છે. એક જ ક્લાસમાં ભણતા હોય છે, છતાંય બંને એ ક્યારેય વાત નથી કરી. પણ એકવાર છોકરી નદીનાં પૂલની પાળી પર ઉભેલી છે, અને છોકરો ત્યાં પહોંચે છે. વાતો કરીને છોકરો છોકરીને પાળી પરથી નીચે ઉતારે છે. આ એક હાદસો બંનેને કરીબ લાવે છે. અને બાંધી રાખે છે. અને પછીની ઢેરસારી વાતો કેવીરીતે આપણને સૂખી અને બહેતર ઇન્સાન બનાવી શકે છે એ બંનેનાં કેરેક્ટર સમજાવે છે.

મોટે ભાગે ફિલ્મોમાં ટીનેજને બાગી, સેક્સ માટે ઉતાવળા બતાવવાનો જમાનો ચાલે છે. ત્યારે આ ફિલ્મ ટીનેજ રોમાન્સને ખૂબ મેચ્યોર રીતે બતાવે છે. આ ફિલ્મમાં વર્જીનિયા વૂલ્ફનો જીક્ર આવે છે જે પોતે માનસિક બિમારીમાં જઝૂમતી હતી. વર્લ્ડ વોર ટુ પછી બ્રિટીશ રાઇટરમાં વિર્જીનિયા વૂલ્ફ એક મોટું નામ છે. આ ફિલ્મ હૈયાને હસતા હસતા રડાવી દે છે. મગજ શાંત હોય ત્યારે આ ફિલ્મ જોવી. પી.એસ. જો બૂક વાંચવાનો શોખ હોય તો જેનિફર નિવેનની આ જ નામની મૂળ બૂક વાંચી લેવી. મૂવી કરતા વધારે મજા આવશે.

5) લાઇફ ઇઝ બ્યુટીફૂલ :

ડાયરેક્ટર-કોરાઇટર-મેઇન એક્ટર રોબર્ટો બેનિગ્નીની એક વોર મૂવી અને તે પણ કોમેડી-ડ્રામા! એક સેન્સ ઓફ હ્યૂમર અને જીંદગીને હસતા ખેલતા જીવતો ગમે તેને ઇમ્પ્રેસ કરવામાં અને બાટલીમાં ઉતારવામાં સક્ષમ ગ્યૂડો ઓરીફિસ નામનો વ્યક્તિ ઇટલી આવે છે. બૂક સ્ટોર ખોલવા. ડોરા નામની છોકરી સાથે લગ્ન કરે છે. બંનેની ફેઇરી ટેલ લવસ્ટોરી શરૂ થાય છે. અને તેમને જોશૂઆ નામનો દિકરો થાય છે.

તેમની જીંદગીમાં ટ્વિસ્ટ આવે છે. જ્યારે ગ્યૂડો યહૂદી હોઇ નાજી શાસકો તેને અને જોશૂઆને કેમ્પમાં લઇ જાય છે. અને ત્યાં ગ્યૂડો પોતાના બાળકનાં મનમાં ડર અને વોરથી દૂર એક અલગ જ કહાની ઠસાવી દે છે કે આ કેમ્પ એક રમત છે. અને આપણે છેલ્લે સુધી રમવાની છે. કોરોના જેવી મહામારી ચાલે છે ત્યારે રમતા રમતા એક બાપ કઇ રીતે પોતાના બાળક ફરતે પ્રોટેક્શનનું શિલ્ડ બનાવી દે છે એ જોવા આ મૂવી અચૂક જોઇ લેવી.

બ) વેબ સિરીઝ :

1) રીક એન્ડ મોર્ટી :

આ એક ડાર્ક કોમેડી સીટકોમ (સિટ્યૂએશનલ કોમેડી) ડ્રામા છે. આમાં એક રીક સાન્ચેજ નામનાં સાયન્ટીસ્ટ ભાભા છે અને તેનો ભોળો ભાણીયો મોર્ટી સ્મિથ છે. ભાભા તેનાં ભાણીયાને અવનવા અવકાશથી મલ્ટીવર્સ સુધીનાં સાયફાઇ એડવેન્ચરમાં દોરી જાય અને ત્યાં ઠહાકેદાર કોમેડી સર્જાય છે.

પીન પોઇન્ટ – આલ્કોહોલ, એબ્યૂઝ અને બીજાં એડલ્ટ કન્ટેન્ટ હોઇ ઇયરફોન ભરાવી એકલા કે પછી જો એડલ્ટ કન્ટેન્ટ સાથે જોઇ શકાય એવા દોસ્તો, સીબ્લીંગ કે પેરેન્ટ્સ હોય તો તેની સાથે જોઇ શકાય. આમાં કેટલાંક એવા મસ્ત ડાયલોગ છે કે આપણને વિચારતા મૂકી દે. ક્યારેક તો એટલું જબરદસ્ત વાક્ય આવી જાય કે આપણે વિડીયો પોઝ કરી રીવાઇન્ડ કરી ફરી જોવા માટે મઝબૂર કરી દે.

2) પંચાયત :

‘ગુલ્લક’, ‘હસમૂખ’ કે ‘યે મેરી ફેમિલી’ જેવી મિડલ ક્લાસ ફેમિલી અને અસલ ઇન્ડિયાની સુગંધને આવરી લેતી વેબ સિરીઝો હીટ થઇ રહી છે. કારણકે એ લોકોને કનેક્ટ કરે છે. લોકો પોતાનો ચહેરો પાત્રોમાં નિહાળે છે.

ખૂન ખરાબા કે કેચી-પેપી લવ રોમાન્સ વગર પણ આખે આખી વેબ સિરિઝ બની શકે અને હીટ પણ થઇ શકે છે એનું એક ઉદાહરણ. પંચાયતની સ્ટ્રેંગ્થ એની સીમ્પ્લીસીટી છે. કોટા ફેક્ટરીમાં કોટામાં ભણતા યુથની જેમ જ એન્જીનિયરીંગ કે અન્ય ગ્રેજ્યુએશન પતાવી જોબ ન મળતા સરકારી નોકરી કરવા ઉપડતા યુવાનની કહાની.માસ્ટરપીસ ‘કોટા ફેક્ટરી’ વાળા જીતુ ભૈયા ઉર્ફ જીતેન્દ્ર કુમાર, જેની આઠ ફિલ્મો ઓસ્કાર નોમિનેશન માટે જઇ ચૂકી છે એવા રઘૂવીર યાદવ, નીના ગુપ્તા, ફૈઝલ મલીક, ચંદન રોય એકથી એક ચડિયાતા એક્ટીંગનાં માંધાતાઓ. જાણે બધા એક્ટર વર્ષોથી ગામમાં રહેતા હોય એવુંજ લાગે.

3) સમથીંગ ઇન ધ રેઇન :

ધ ક્લાસિક અને અ મોમેન્ટ ટુ રીમેમ્બર જેવા ક્લાસિક કોરીયન ફિલ્મો આપી ચૂકેલી મેલોડ્રામા ક્વિન સોન-યે-જીન અને કે-ડ્રામાનાં પોપ્યૂલર એક્ટર જંગ હાઇ-ઇન વચ્ચેની સ્વીટ ખટ્ટમીઠ્ઠી ઇશ્કિલી કેમેસ્ટ્રી દિલમાં ગલગલીયા કરાવી દે છે. જાણે ભારતીય કોન્ટીનેન્ટલની સ્ટોરી હોય એવું જ લાગે.

મોટા ઘરમાં પોતાની દિકરીનાં લગ્ન કરવા જીદે ચડેલી માઁ, એક શાંત સોબર પોતાની દિકરીની ખૂશી ચાહતા પપ્પા, એક બહેનપણી કે જે તેની મમ્મીની અપેક્ષા જેટલા ઉંચા ખાનદાનની નથી તેનાં ભાઇ સાથે જાણતા અજાણતા થઇ ગયેલો પ્રેમ, તેને પામવા પાછળ પડેલો એક્સ. ચટાકેદાર ચેટીંગ, મસાલેદાર ડેટીંગ. કેવી રીતે નોકરી, રીલેશનશીપ અને પરીવાર વચ્ચે સંતુલન સાધવા મથતી કન્ફ્યૂઝ્ડ ક્યૂટ ફટાકડી પ્રેમનગરમાં આગળ વધતા બહાદુર વૂમન બની જાય તેની ચેતનભગત ટાઇપ મોડર્ન લવસ્ટોરી.

4) બ્લેક મિરર :

આ વેબ સિરીઝ નથી, એક એક એપીસોડ અલગ સાય- ફાઇ મૂવીઝ જ છે. શોર્ટ ફિલમ્સ કરતાં તો ક્યાંય ઇન્ટરેસ્ટીંગ. માનવસંવેદનાઓ અને ડિજીટલ ગૂંચવાડાઓને ભવિષ્યની નજરે બતાવતી જબરદસ્ત કટાક્ષ ગાથાઓ. આપણો પોતાનો જ અરીસો. સ્ટ્રાઇકીંગલી બ્યૂટીફૂલ મનોરંજનની સાથે આશ્ચર્યનાં ‘ઓ’ જેવડું મોઢું ખોલી દેતું મનોમંથન પણ.

બેસ્ટ ક્વોલિટી, બે ચાર જ્ઞાનની વાતો સાથે અદ્ભૂત આડિયાઝનું સંગમ અને મજબૂત પ્લોટ્સમાં દોડતી પોએટીક કહાની. જો વીએફએસ અને એનિમેશનનો જન્મ ન થયો હોત તો આવી મૂવી-સિરીઝોનું એક અલાયદા આઇડિયાઝ વર્ણવતું વાર્તા વિશ્વ અસ્તિત્વમાં જ ન આવ્યું હોત.

5) અવર પ્લેનેટ :

આઠ ભાગની નેટફ્લિક્સની મલ્ટીમિલીયન ડોલરનાં માતબર ખર્ચે બનેલી, 600 વ્યક્તિગત લોકો દ્વારા ચાર વર્ષમાં લગભગ 50 જેટલા દેશોમાં ફિલ્માવાયેલી આ સિરીઝ નામ પ્રમાણે જ આપણી પૃથ્વીનાં અલગ અલગ હિસ્સામાં રહેલા પ્રાણીઓનો ચિતાર આપે છે. આ સિરીઝ દ્વારા એમી એવોર્ડ જીતેલા ઇકો – વોરીયરની ભૂમિકા અદા કરતા ડેવીડ એટનબરોફનાં બોલ સાંભળવા એ પણ એક પ્લેઝર છે.

ડિસ્કવરી કે અન્ય ચેનલોમાં જ્યારે પ્રાણીઓની કહાની બતાવવામાં આવે ત્યારે તે હ્યૂમન બાયેઝ્ડ હોય છે. પણ રણ, દરીયા, બરફથી જંગલમાં રહેતાં કિસમ કિસમનાં પ્રાણીઓની એપીસોડ વાઇઝ કહાનીઓ જોવી એ પણ હેવનીય લ્હાવો છે. મસ્ત બારીક કેમેરા વર્ક અને વચ્ચે વચ્ચે આવતી શિખામણો જેમાં આપણે એવુ તો શું કરી શકીએ કે પૃથ્વી પરનાં જીવો યૂંહી હસતા ખેલતા રહે.

C) લાજવાબ લિટરેચર :

હું માનું છું કે જ્યારે તમે બૂક વાંચો છો ત્યારે કંઇક તો જાદુ થાય જ છે.
– જે.કે.રોલીંગ

બૂક તમારા પગ હલાવ્યા વગર જ તમને મૂસાફરી કરાવી શકે છે.
– જુમ્પા લહેરી

અ) ફિક્શન :

ફિક્શન એક એવો અનુભવ છે કે જે તમારી એકલતા સામે મૂકાબલો કરી તેને ભગાડવામાં મદદ કરે છે.
– ડેવીડ ફોસ્ટર વેલેસ

1) દુખિયારા :

કહેવાય છે ને કે ક્લાસિક બૂક્સ શરાબ જેવી હોય જેમ વધારે સમય ઉંડા ઉતરો એમ વધારે નશો આપે. આમ તો આ મૂળ બૂક મહાન ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યૂગોની 1900 પ્લસ પાનાંની ‘લા મિઝરેબ્લ’. પણ લા મિઝરેબ્લનાં જાદુઇ ખજાનાને માણવો હોય તો પર્સનલી ફેવરીટ મૂળશંકર મો. ભટ્ટનું અનુવાદ દુખિયારા. મૂળ બૂકનો અર્ક ગુમાવ્યા વગર એકદમ રસાળ ટ્રાન્સલેશન. (આ લેખકડાંએ 1300 પાનાંનો મૂળ અંગ્રેજી અનુવાદ પણ ઢસડી નાંખ્યો છે.)

બ્રેડ ચોરવાનાં ગુનામાં જેલમાં ગયેલા જીન વાલજીનથી શરૂ થતી કહાની માનવમાં રહેલી દેવ – દાનવીય પર્સનાલિટી, માનવીય વેદના-સંવેદનાઓમાંથી પસાર થતી છેક ફ્રેંચ રીવોલ્યૂશને ઉભી રહેતી મહાગાથા.

2) એન્જલ્સ એન્ડ ડિમન્સ :

દુનિયાનાં ટોપ 10 સૌથી વધુ વેચાયેલા પૂસ્તકોમાંનાં એક ‘ધ દા વીન્સી કોડ’નાં લેખક ડેન બ્રાઉને ઘડેલા ફિક્શનલ કેરેક્ટર રોબર્ટ લેન્ગ્ડોમને લઇ લખેલી વિસ્ફોટક થ્રિલર ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર. સાયન્સ અને ધર્મ વચ્ચેનાં ઝઘડામાંથી ઉત્પન્ન થયેલું યુધ્ધ. જ્યારે સ્વીસ રીસર્ચ ફેસેલિટીનાં રીસર્ચર ભૌતિકવિજ્ઞાનીનું મર્ડર થઇ જાય અને તેની બોડી પર મર્ડરરે કરેલો સિમ્બોલ મળી આવે, સિમ્બોલોજીસ્ટ રોબર્ટ લેન્ગ્ડોમને બોલાવવામાં આવે અને શરૂ થાય વેટીકન સિટીમાં લોહીયાળ ટ્રેઝર હન્ટ.

અસૂર જેવી માયથોલોજીકલ વેબ સિરીઝને વામણી કરી નાંખતી પળેપળ એક્સાઇટમેન્ટથી ભરપૂર ગ્રીપીંગ પેજ ટર્નર એવી તો જકડી રાખે કે તમે બૂક નીચે મૂકી જ ન શકો.

3) ધ પર્ક્સ ઓફ બીઈંગ અ વોલફ્વાવર :

મહજ પંદર વર્ષનાં કન્ફ્યૂઝ્ડ ટીન ચાર્લી પર લખાયેલી સ્ટીફન ચ્બોસ્કીની બૂક. આમ તો આનાં પર હરમાયોની ગ્રેંજર ઉર્ફ એમ્મા વોટ્સન અને પર્સી જેક્સન ઉર્ફ લોગન લેરમાનનું મૂવી આવી ગયુ છે પણ બૂકની મજા અલગ જ છે. બૂકમાં ચાર્લી જ્યારે ફ્રેશમેન યરમાં પહોંચે છે ત્યારે બૂકની શરૂઆત થાય છે. ચાર્લીની જીંદગીમાં તેને ગમતી બે વ્યક્તિઓનાં મોત થઇ ગયા છે. એક, તેની આંટીનું એક્સિડન્ટ અને એક તેનાં દોસ્તે તાજેતરમાં કરેલું સ્યુસાઈડ. ચાર્લી આમ તો ચૂપ છે, કન્ફ્યૂઝ છે, પણ એક સારો ઓબ્ઝર્વર છે, આસપાસની બધી ચીજોને બહેતર રીતે બારીક આંખોથી જૂએ છે.

બૂકની ખૂબી એ છે કે આખી બૂક પત્રનાં ફોર્મેટમાં છે. તે સમયાંતરે પોતાનાં એક ફ્રેન્ડ ને પત્ર લખે છે. પણ એ મિત્ર કોણ છે એ આપણને છેક સુધી ખબર પડતી નથી. ડિયર ફ્રેન્ડથી શરૂ થતા અને લવ ઓલ્વેઝ ચાર્લીએ પૂરા થતા પત્રોમાં ચાર્લી ચાર્લી પોતાની પર્સનલ લાઇફ, ફેમિલી લાઇફ, સ્કૂલ લાઇફ, લવ લાઇફ, ફ્રેન્ડશીપ લાઇફ વગેરેને એવી ઓનેસ્ટ રીતે પત્રમાં ઉતારે છે કે રીડર કનેક્ટ થયા વગર રહેતા નથી. ડિપ્રેશન, પાર્ટી, બૂઝ, હોમવર્ક, લવ કન્ફ્યૂઝન, પોર્ન, ગે કલ્ચર જેવાં અલગ અલગ વિષયોને આવરી લેતી બૂકનાં અંતમાં ચાર્લી લખે છે કે તે હવે પત્ર નહીં લખે, અને લાઇફમાં વધુ ભાગીદાર થવાની કોશિશ કરશે…

4) ગોન ગર્લ :

વાર્તા શરૂ થાય છે. નીક ડ્યૂન અને એમી એલીયટ ડ્યૂનની પાંચમી વેડીંગ એનિવર્સરીની સવારથી. નીકને તેના પાડોશીનો કોલ આવે છે કે તેના ઘરે કાંઇક શંકાસ્પદ વારદાત ઘટી રહી છે, નીક દોડતો ઘરે પહોંચે છે. નીકની વાઇફ એમી એકાએક ગાયબ થઇ જાય છે. જોતા તો એવુ લાગે છે કે એમીનું અપહરણ થઇ ગયુ છે. પોલિસને બોલાવે છે. પોલિસ અને મિડીયાનું અટેન્શન તેના પર આવી જાય છે. પોલીસ નીક પર શક કરે. એમીની ફ્રેન્ડ નીકને એવુ સિક્રેટ બતાવે કે તે નીકથી ડરતી હતી. પોલીસ એક્ઝામિનેશનમાં શકની સોય તેના પર તોળાતી રહે. અને તેના મોબાઇલ પર વારંવાર આવતા ફોન કોલ્સ… શું થયું હશે નીકની બ્યૂટીફૂલ વાઇફ સાથે?!

તે જાણવા માટે વાંચી નાંખો વધુ એક ખૂરશી પર સીટ બેલ્ટ બાંધેલો હોય એમ જકડી રાખતી ગીલીયન ફ્લીનની આઠ અઠવાડિયા સુધી ન્યૂયોર્ક ટાઇમ્સનાં બેસ્ટ સેલર ચાર્ટમાં ટોપ પર ખોડાઇ રહેલી આ ક્રાઇમ સસ્પેન્સ થ્રીલર બૂક.

5) વિશ્વમાનવ :

એક યુવાન મુસ્લિમ છોકરી ‘મુસ્કાન’,તેની જ ઉંમરનો એક હિંદુ છોકરો ‘રામ’. એ બંને જગતના-જ્ઞાતિના-સમાજના રીવાજોની સામે બળવો કરીને પ્રેમ કરી સાથે રહેનારા બળવાખોર. એમને એક માસૂમ બાળક થાય છે ‘રૂમી’. પરંતુ એમના જીવનને સદંતર બદલી દેનારી એક ઘટના બને છે. એ ઘટના પછી જે જીવન શરુ થાય છે, એ જીવન જે વાર્તા બને છે…એ છે- વિશ્વમાનવ. જગતના સૌથી લાચાર, ગાંડા, ભૂખ્યા એવા બાળકની જીંદગી જીવી છે? જીવવી છે? તો વાંચી નાંખો આ બૂક. (બૂકનું ઇન્ટ્રોક્શન એટલુ ગમી ગયુ કે અહીં બેઠ્ઠુ ઉતારી દિધુ.)

જીવન જીવવાની પ્રેરણા શિખવતી આ બૂક ગોધરા કાંડથી શરૂ થતી આ મજેદાર કહાની છેલ્લે ફૂટબોલ સ્ટેડિયમ પર જઇને ઉભી રહે છે. જીતેશ દોંગાએ નોવેલની પીડીએફ પહેલા ‘ફ્રિ’ માં વહેંચેલી, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા. પછી આ નોવેલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. લેખકને સ્પોન્સર મળ્યા અને પીડીએફ પેપરબેકમાં કન્વર્ટ થઇ.

બ) નોન ફિક્શન :

નોન ફિક્શન લખવું એ મૂર્તિ બનાવવા જેવું છે. રીસર્ચનાં શેપને ફિનીશીંગ આપવું.
– જોઆન ડિડિઓન

1) 21 સોલ્યુશન ફોર ધ 21st સેન્ચ્યુરી :

તમે તમારા બાળકને 2050 કે 2100ની ગાભાફાડ કોમ્પિટિશન માટે કઇ રીતે પ્રિપેર કરશો?! આ એક ગ્રેટ સવાલ છે. આપણે જાણતા નથી કે આજથી થોડા વર્ષો પછી દુનિયા કેવી હશે. આમ તો મનુષ્ય વર્ષોથી ભવિષ્યનો ચિતાર કરતો આવ્યો છે. પણ હવેની ફાસ્ટ પેસમાં દોડતી દુનિયાનું ફ્યૂચર તો નક્કી થાય એમ જ નથી. પણ એનો મતલબ એવો જરાય નથી કે અચોક્કસ ફ્યૂચર વિશે વિચારવાની ટ્રાય ન કરી શકાય.

માનવ જગતનાં ભૂતકાળ પર ‘હોમો સેપિયન્સ’ અને માનવ જગતનાં ભવિષ્ય પર ‘હોમો ડ્યૂસ’ બૂક્સ લખી બેસ્ટ સેલર ચાર્ટ્સ પર ટોપ કરનાર યુવલ નોઆહ હરારીની આ નવી બૂકમાં જોબનાં ફ્યૂચર થી એજ્યૂકેશન ફિલ્ડ, ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીનાં માનવ જગત પરનાં પ્રભાવથી ક્લાઇમેટ ચેન્જ, ન્યૂક્લિયર વોર થી આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, સેક્યૂલરીઝમ અને ધર્મ, યૂરોપિયન નેશનનાં ફાઉન્ડેશનમાં થયેલો બ્રેક્સીટ વાળો ક્રેક અને બીજાં કેટલાંય મૂદ્દાઓને આવરી લીધા છે. યુવલ ભાઇ જે બોલે એ જ ક્વોટ બની જાય છે. તમે એમની વાતોને કાં સમર્થન આપી શકો કે પછી નકારી શકો. પણ અવગણી તો ન જ શકો.

2) યે દોસ્તી – Book Of Friendship :

ગુજરાતી લીટરેચરમાં જય વસાવડા એક મોટું નામ. યુથને લીધે લેખક ખૂબ હીટ એન્ડ ફીટ છે. એમનાં ગુજરાત સમાચારનાં શતદલ અને રવિપૂર્તિમાં છેલ્લાં પાને આવતા લેખો એકદમ સરસ ડેકોરેશન કરેલા શબ્દોમાં ગહન મનોમંથન પછી લખાયેલા હોય. એમાંથી સરસ લેખોનું કમ્પાયલેશન કરી જય ભાઇએ પ્રેમ, નવયુવાનો, પેરન્ટીંગ, જનરલ નોલેજ, ઇન્સ્પિરેશન અને બીજાં કેટલાંય ટોપીક્સ પર જોરદાર બૂકો બનાવેલી છે.

હમણાં ગયા વર્ષે આ બૂક રીલીઝ થઇ. જેમાં એમણે લખેલા દોસ્તી પરનાં એમનાં લેખોનું સંકલન કરી કલરફૂલ ચિત્રો અને બ્યૂટીફૂલ કવર વાળી બૂક તૈયાર કરી. જય ભાઇનાં રાઇટીંગ માટે તો કાંઇ કહેવાપણું જ ન હોય. એમની લખવાની કળા જ એવી મેજીકલ કે વાંચવા બેઠા હોઇએ તો ઘડી ભરમાં અડધા ઉપરની ઝપટાઇ જાય.

3) પાવર ઓફ હેબીટ :

જો આપણે આપણી હેબીટ વિશે સમજી શકતા હોઇએ, નવી હેબીટ બનાવી શક્તા હોઇએ તેમજ અણગમતી હેબીટને બાયબાય કહી શકતા હોઇએ તો?! આપણી રોજબરોજની જીંદગીમાં વણાયેલી હેબીટ કઇ રીતે આપણા મગજને ટ્રીગર કરે છે એ સમજી શક્તા હોઇએ તો?! રીસર્ચરોએ હેબીટને સમજવા કરેલી વર્ષોની મહેનતનાં સાર જેવી ચાર્લ્સ દહીગની આ બૂક હેબીટને સમજવા ખૂબ અગત્યની છે.

આ બૂકમાં ઘણી બધી હેબીટ લૂપ પરની કેસ સ્ટડીઝ, વૈજ્ઞાનિક રીસર્ચ છે. આ બૂકમાં માત્ર વ્યક્તિગત જ નહીં પણ કોઇ સંસ્થા કે સમાજમાં ટેવ કઇ રીતે કામ કરે છે એ બહુ જ ફ્લૂએન્ટ રીતે સમજાવેલું છે. આમ તો આ બૂક ક્યારેક બોરીંગ લાગી શકે. પણ આ બૂક વાંચવા કરેલી મહેનત બેકાર નહીં જાય એની ગેરંટી.

4) એક મહિના નઝમોં કા… :

‘અલ્ફાઝોં કા એક ખજાના મેરે પાસ, ઓર ખ્વાબો કી એક પિટારી તેરે પાસ, મૈં તેરે ખ્વાબો કા કોઇ નામ ધરૂં, તુમ મેરે ખ્વાબોમાં ખ્વાબ પીરો દેના…’ જેવી સદાબહાર નઝ્મનો આખો એક ખજાનો છે આ કવિતા પોથીમાં. ઇશ્કને ગૈર જરૂરી કહીને પણ ઇર્શાદ કામિલ એની નઝ્મોમાં વારેવારે ઇશારા કરતા રહે છે કે પ્યાર મહોબ્બત ન હોત તો દુનિયા જીવવા લાયક ન હોત.

બોલિવૂડમાં ગીતોની સરવાણી ધીમે ધીમે સૂકાઇ રહી છે એવા ટાઇમે થોડાં બચેલા કૂચેલા સારા સોંગ રાઇટરમાંનાં એક ઇર્શાદ કામિલ એક ગુલાબી શબ્દોની નદી વહેવડાવી રહ્યા છે. શબ્દ પાંદડીઓ બાંધતુ, હવામાં પ્રેમની સુગંધ ફેલાવતુ, ઇશ્કની બજારમાં એક લટાર જેવું ઇર્શાદ પોકારાવી દેતી નઝ્મોનું આ કલેક્શન અવશ્ય વાંચવું. ઇશ્કની ભાષામાં વિચાર વિસ્તાર થશે. અને એમાંય પેલું ‘વો લડકી નજાને કહા હોગી’ તો આહાહા. દિલ ગાર્ડનમાં મોજનાં ઉછાળા.

5) સબ્ટલ આર્ટ ઓફ નોટ ગીવીંગ અ ફક :

ફક. આ એક શબ્દે તમારૂં ધ્યાન ખેંચી લીધુ. રાઇટ? આમ તો લેખક બૂકનાં ફ્રંટ પેઇજ પર બૂકનાં નામની નીચે સારી લાઇફ જીવવાનો એપ્રોચ લખે. અને પાને પાને પાછા એફ-બોમ્બ?! આમ તો આ મેન્સન મહાશય બ્લોગરમાંથી રાઇટર બનેલો છે. તેની સાઇટ markmansion.com પરથી તમને કાળજીથી તૈયાર કરેલા લેખોનો આખો એક સંગ્રહ મળી જશે. આ બૂક પણ એમાંથી જ લીધેલા કેટલાક આર્ટીકલ્સનું કમ્પાઇલેશન છે. એનાં લેખો મીઠા મધૂરા નથી હોતા, એકદમ રીસર્ચ કરેલા ખૂબ જ બારિકાઇથી લખેલા રો રીયાલીટી બયાં કરતા અદ્ભૂત લેખો છે.

માર્ક મેન્સનની આ બૂક તમારી જીંદગીમાં શું સાચેજ ઇમ્પોર્ટન્ટ છે અને બાકીનો કચરો દૂર કરવાની અને પોતાની જાત સાથે ઓનેસ્ટ થવાની ક્લેરીટી આપે છે. કેવીરીતે કોઇ અઘરી વાતને રીફ્રેશીંગ રીતે કહી શકાય, એની આ આખી સ્કૂલ છે. સેલ્ફ હેલ્પ અને ઇન્સ્પિરેશનનો ઘૂઘવતો દરીયો છે.

પ્લસ ટીપ, જવાની જાનેમન, મોઢા પર હસી અને આંખોમાં ઝળઝળીયાં સાથે દિલમાં એક સારૂં મૂવી જોયાનો સંતોષ. જોઇ નાંખો વીથ ફેમિલી.

પૃથ બોમ્બ :મનોરંજન આમ તો ટેમ્પરરી હેપીનેસ, પણ જો તમારે પરમનેન્ટ હેપીનેસ જોઇતો હોય તો કોઇ શોખ રાખી મનોરંજનને પણ પરમનેન્ટ કરી નાંખો.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.