ધી પોપ્યૂલેશન બોમ્બ… ટીક… ટીક… ટીક.

મોલમાં ઉભરાતા રસ્તા પર વહેતા અથડાતા ભટકાતા લોકો, ધર્મ સ્થળો પર દર્શન માટે ધક્કા મૂક્કી કરતા દર્શનાર્થીઓ, બસમાં ભરાઇને ટ્રેનમાં ભીંસાઇને જતા પેસેન્જર્સ, એક રૂમમાં પાંચ-સાત ખડકાયેલા ફેમિલી મેમ્બર્સ, જ્યાં જુઓ ત્યાં ગાડીઓનાં હોર્નથી અકળાઇ ઉઠતુને ધૂમાડા સાથે ધીમે ધીમે કોહવાઇ જતુ વાતાવરણ. હજારો માણસોની અવરજવરને લીધે ઘસાતા ધૂળીયા થઇ જતા રોડ ને પડતા ગાબડાં, ભીષણ અકસ્માતો. અને હવે તો ઓછા એરીયામાં ઢગલાનાં ઢગલા લોકોનાં હોઇ કોરોનાથી પીડાતા માણસો…

જ્યાં જુઓ ત્યાં માણસો… માણસો… માણસો. અને ધીમે ધીમે એકબીજાંનાં દુશ્મન બનતા માણસો. લૂંટફાટ મારામારી કરતા ગૂંડાઓ, અખબારમાં રક્તથી લખાતા બળાત્કાર, રોડ- રસ્તાનાં કિનારે તાપડા બાંધીને રહેતો ભૂખમરો. ને શેરીએ શેરીએ ગોબરવાડામાં ડોકાતી ગરીબી. ધીસ ઇઝ અવર ઇન્ડિયા માય રીડર બિરાદર્સ.

અને આ બધાનું કારણ બેંકનાં બેંક બેલેન્સની જેમ ભારતની તીજોરીમાં કૂદકેને ભૂસકે વધતા લોકો. ઓવર પોપ્યૂલેશન. વસ્તીનો બેફામ વધારો. જે એકબીજાંની સામે આંધળુકીયા પ્રહારો કરતા રાજકારણીઓની રશિયન રોલેટ રાજરમત (યૂ ડોન્ટ નો?! ગૂગલ ઇટ. :)) અને વોટબેંકની પાછળ વારંવાર દબાઇ જાય છે.

ઘણા બધા સોર્સ રીફર કર્યા પછી સત્તાવાર આંકડા પ્રમાણે ભારતની 2021ની વસ્તી છે – 139 કરોડ. મોદિ સાહેબની સ્પીચનાં 135 કરોડ દેશ વાસીઓ કરતા 4 કરોડ વધારે. (આ તો સત્તાવાર આંકડો છે. વસ્તી આનાં કરતાંય વધારે જ હોવાની) યૂનિસેફનાં આંકડાં પ્રમાણે ભારતમાં દરરોજ 67385 ભૂલકાંઓ અવતાર લે છે અને 27000 લોકો સ્વર્ગ સીધાવે છે. ડેથ રેટથી ડબલ કરતા પણ વધારે બર્થ રેટ… કોરોનાથી મરતા લોકો તો આ આંકડામાં ક્યાંય દબાઇ જાય.

બીજી સમસ્યા એવી આવી પડવાની છે કે ભારતમાં 2019નાં આંકડાં પ્રમાણે 14 કે 14 વર્ષથી નીચેનાં બાળકોની જનસંખ્યા 26 ટકા હતી. 15 થી 64ની વયનાં કમાઉ લોકો જેનાં હાથ પગ ચાલે છે, જે કામ કરે છે, જેને લીધે ઇન્ડિયન ઇકોનોમી સાવ ઝૂકી નથી જતી, જે ટેક્સ જનરેટ કરે છે એ યંગીસ્તાનની સંખ્યા 67 ટકા હતી તેમજ 65 વર્ષ કરતાં ઉપરનાં વૃધ્ધો માત્ર 6 ટકા હતી. એટલે કે બાળકો અને વૃધ્ધોની સંખ્યા મળીને ટોટલ 34 ટકા જનતા 15 – 64 વર્ષનાં યંગિસ્તાન પર આધાર રાખતા લોકો છે.

હવે તમને થોડા ડરાવી દઉં. 2050માં વૃધ્ધોની સંખ્યા ડબલ થઇ જશે. ભારત દેશ વૃધ્ધ થઇ જશે. આજે તમને હર દસમાંથી એક વૃધ્ધ દેખાય છે 2050માં હર છઠ્ઠો આદમી બુઢ્ઢો હશે. પેન્શન લેવા વાળા લોકો વધશે, સરકારનાં ખર્ચા વધશે એટલે પેન્શનની રકમ ઘટશે. ટેક્સ દેવા વાળા લોકો ઘટશે, ભારત આજે બીજાં દેશો સાથે બરાબરી કરી શકે છે એમ 2050માં નહીં કરી શકે. એટલે આજનાં જુવાન 2050 પછી બુઢ્ઢા થશે એ હેરાન થશે.


ભારતમાં પહેલેથી જ આટલું બધુ માનવ મહેરામણ નહોતુ. પણ દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતની સંસ્કૃતિઓ લાંબાં સમય સુધી ટકી. એટલે ભારતમાં મહત્વનાં શહેરોને પ્રદેશો તો ભરેલા જ રહેતા. ને એવું ક્યારેય ન થયુ કે એક સાથે ઘણી બધી વસ્તી એક જ ઝાટકે ખતમ થઇ ગઇ હોય ને ભારતને પોતાનાં માણસો બચાવવા હવાંતિયાં મારવા પડે. કારણકે હિન્દુસ્તાનને ચારે કોરથી નેચરલ પ્રોટેક્શન મળી રહ્યું ને બાહ્ય સેના આક્રમણ નહોતી કરી શક્તી.

પ્લસ, પહેલેથી જ ભારત વરસાદ પર નભતો દેશ હતો. અને હજુ પણ કેટલીક હદે છે જ. કારણકે અહીંયાં ઓછો વરસાદ પડે. પણ રીતસર પડે. ગાંડું વાતાવરણ નહીં. એટલે જ વર્ષાનાં આગમનનાં વખાણ પ્રાચીન મહાકવિઓ અને લેખકોએ અનહદ કરેલા છે. ભારતમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ ન પડે ને ભૂખમરો ય આવતો. પણ બાકીનાં વિસ્તારોમાં બરાબર ખોરાક મળી રહેતો.

હેલ્થકેર સધ્ધર ન હોઇ રોગચાળો ય ફેલાતો. ભારત નાના-નાના રજવાડાંઓનો દેશ હતો. એટલે યુધ્ધોને લીધે કેટલાંય આમ આદમીને સૈનિકોનો કચ્ચરઘાણ નિકળતો.
પણ ધીમે ધીમે બ્રિટીશરોને બીજી વેસ્ટર્ન પાર્ટીઓએ ભારતીય કોન્ટિનેન્ટમાં ધામા નાંખ્યા. ને ભારત પાસેથી ઘણુ બધુ શિખીને, ઝૂંટવીને ગયા. ને ભારતને હેલ્થ કેરને ટેક્નોલોજીનું પ્રદાન આપતા ગયા. આમ તો પ્રાચિન કાળથી જ ભારત રહેવા અને ખેતી માટે સમૃધ્ધ પર્યાવરણ ધરાવતો દેશ. અને એમાંય અંગ્રેજો ખેતીનાં આધુનિક સાધનો વત્તા વાતાવરણને સમજવાની આવડત આપતા ગયા.

બ્રિટીશરોનાં ગયા પછી લેજેન્ડ ઓફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર પટેલે રજવાડાંઓને ભારતને એક ફ્લેગ, એક સંવિધાન પર લાવી દિધા ને ધીમે ધીમે ભારતનાં લોકોનાં જીવન ધોરણમાં સુધારો આવતો ગયો ને આજે ભારત વિકાસશિલ દેશોમાં આગળ પડતુ સ્થાન ધરાવે છે. ને વસ્તીમાં પણ.


દુનિયા ભરની થીંકીંગ પર્સનાલિટીઝ માટે ઓવર પોપ્યૂલેશન એક કોયડો છે. બૂક રસિયાઓ ને મૂવી ફેન્સ ડેન બ્રાઉનની ઇન્ફર્નો બૂક પરથી બનેલી એ જ નામની ફિલ્મથી પરીચીત જ હશે! જેમાં ધનિક જીવવૈજ્ઞાનિક બાર્ટ્રન્ડ ગોબ્રીસ્ટ પોતાની સ્પિચમાં ઓવર પોપ્યૂલેશનનો ઝીક્ર કરે છે – પૃથ્વીની વસ્તીને એક અબજ સુધી પહોંચતા એક લાખ વર્ષ થયા. 18મી સદીમાં આખો સિનારીયો બદલાઇ ગયો ને બે અબજ સુધી પહોંચતા સો વર્ષ લાગ્યા.1920. ને ચાર અબજે પહોંચતા માત્ર 50 વર્ષ. 1970. ઇમેજીન, આ આંકડાં મૂજબ વસ્તી જલ્દ આઠ અબજે પહોંચી જશે. વર્ષો વર્ષ પચ્ચીસ કરોડ લોકો નવા આ ધરતી પર ઠલવાય છે. એક આખા જર્મની દેશની વસ્તી જેટલાં લોકો! એક વર્ષમાં!

આમ તો ઓવરપોપ્યૂલેશનનો ભય આજકાલનો નથી. અઢારમી સદીનાં અંતમાં જન્મેલા થોમસ માલ્થૂસ નામનાં ઇંગ્લીશ ધર્મ ગુરૂએ પહેલી વાર પોપ્યૂલેશન પર થિયરી આપી. તેણે ખોરાક ઉત્પાદનને પોપ્યૂલેશન સાથે સરખાવ્યું. એની થિયરી મૂજબ માણસ એક વર્ષમાં ચોક્કસ જમીન હોઇ ચોક્કસ જથ્થાનો ખોરાક જ ઉત્પાદન કરી શકે. અને એટલે વસ્તી વધારો થઇ જાય, તો માણસો ભૂખે મરે ને યુધ્ધે ચડે. અને ફરી માણસોની સંખ્યા ઓછી થાય ને ફરી નવી શરૂઆત. નવી ગીલીનો નવો દાવ.

પણ અહીંયાં માલ્થૂસ સાહેબ દિર્ઘ દ્રષ્ટી વાળા ન હોઇ ખોટા પડ્યા. એમણે એનાં જમાનાનું નિરીક્ષણ કર્યુ. આપણે વાત કરી રહ્યા છીએ. હોમો સેપિયન્સની. એક માણસ હજાર ખ્યાલ. ક્રિએટીવિટીની ખાણ. માણસે અવનવા ખેતીનાં અત્યાધુનિક સાધનો વિકસાવ્યા. ઓછી જમીનમાં વધુ પાક લઇ શક્તિ હાઇબ્રીડ ખેતીને ઉચ્ચ ગુણવત્તાસભર ખાતરો લાવ્યા. ને જેમ વસ્તી વધે તેમ માણસની ઉત્પાદન ક્ષમતા પણ વધતી ગઇ. હા, ગરીબી છે, બેકારી છે. પણ કોઇ ભૂખે મરતુ નથી.

અને પછી 1968માં આવી પોલ એલરીક નામનાં સ્ટેનફર્ડ યુનિ.નાં પ્રોફેસરની બૂક – પોપ્યૂલેશન બોમ્બ. જેણે ફરી જગતભરમાં વસ્તી વધારાનો ભય સપાટી પર લાવી દિધો. તેણે માલ્થૂસની થિયરીને જરાક સુધારી સમારીને પ્રસ્તૂત કરી – ઝીરો પોપ્યૂલેશન નામની થિયરીનાં રૂપમાં.

પોલભાઇનાં વિચાર મૂજબ જેમ વસ્તી વધે તેમ વધારેમાં વધારે લોકો નેચરલ રીસોર્સીઝનો ઉપયોગ કરે. જેમ વધારે ઉપયોગ થાય એમ વાતાવરણને ફટકો પડે. અને એક સમય એવો આવે કે માત્ર સમાજનાં ઉચ્ચ વર્ગનાં લોકો જ પર્યાવરણનાં સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે. અને બાકીની વસ્તી ધીમે ધીમે ઓછી થઇ ફરી બેલેન્સ થઇ જાય.

પોલ ભાઇ પણ માણસની આવડતને સમજવામાં થાપ ખાઇ ગયા. માણસ પાસે એક નેચરલ રીસોર્સ ઓછો થાય તો એ બીજાંનો ઉપયોગ કરે. હવે માણસ સૂર્ય શક્તિને વીન્ડ એનર્જીનો ઉપયોગ કરતા શિખી રહ્યો છે. એટલે કદાચ આ થિયરીમાંય ગાબડાં તો છે જ. માણસ ઉત્પાદન શક્તિ વધારતો જાય છે. ને બધાને જીવન ટકાવવા જરૂરી વસ્તુઓ મળતી રહે છે.

માય ડિયર રીડર, આફ્રિકાનાં કેટલાંક પ્રદેશોમાંને ઇવન ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણને લીધે મરતા લોકો આ થિયરીઓને સત્ય નથી કરતા. કારણકે ફૂડ ઇનફ છે. વહેંચણી સપ્રમાણ નથી. બીજી ઘણી બધી આવી થિયરીઓ આવી છે. પણ બધી ઓછા વત્તા પ્રમાણમાં અધૂરી છે.

બધાને ખાવા પીવા જીવન ટકાવવાની વસ્તુઓ તો મળી જ રહે છે. તો પછી વસ્તી શાં માટે ઘટવી જોઇએ? ગુડ પોઇન્ટ. લોકોનાં જીવન ધોરણ ઉંચા લાવવા. લોકો પોતાની જીંદગી બરાબર જીવી જાયને સંતાનોને ય બ્યૂટીફૂલ પેરેડાઇસ અર્પણ કરતા જાય. વસ્તી વધુ હોઇને સસ્તા લેબર મળી રહેને ખરીદશક્તિ વધુ હોઇની વાતો ધામક છે.
કારણકે જેમ માણસો ઓછા તેમ સત્તા વધારે! જ્યાં વસ્તી ઓછી ત્યાં સિસ્ટમ એટલી બધી ગૂંચવાડા વાળી ન હોઇને વહીવટ સરળ હોય. વસ્તુને વેલ્થની વહેંચણીય થોડી સહેલી હોય. હોસ્પિટલો ભરેલી જ ન રહેને રોજ ઠગાઇ-લૂંટફાંટ-મારામારી-હત્યા-એક્સિડન્ટનાં સમાચારથી અખબારોને ટીવી ચેનલો રડતી ન હોય. શિક્ષણથી લઇને સ્વાસ્થ્યનું લેવલ થોડું વધે!


અગત્યનો સવાલ… વસ્તી નિયંત્રણ!!! કઇ રીતે!? આપણે અત્યારે લોકલ ભારતની નજરથી જોઇએ. ઇન્ફિનિટી વોર વાળા જાંબલી સ્કીન વાળાં – ગોલ્ડન ગ્લવ્ઝ વાળા થેનોસની ચપટી? પણ એમ તો બીજાં વિશ્વયુધ્ધમાં હીટલરની નાઝી સરકારનાં કોન્સન્ટ્રેશન કેમ્પમાં હજારો યહૂદીઓને હોમી દેવાયાને સ્તાલિનની કોમ્યૂનિસ્ટ પાર્ટીનાં ‘ગ્રેટ ટેરર’ કેમ્પેઇનમાં સાડા સાત લાખ લોકોને મારી નાંખવામાં આવ્યા ને કમ્બોડિયાનાં ‘કિલીંગ ફિલ્ડ’માં 15થી 20 લાખ લોકોનો કચ્ચર ઘાણ કાઢી નંખાયો છતાં ય વસ્તી પર લગામનું નામ નથી. એટલે એકસાથે અડધી પોપ્યૂલેશન ખતમ કરી બેલેન્સ લાવી શકાય એ વાત તો હવાઇ મહેલ જ છે. જબરદસ્તીથી પોપ્યૂલેશન કંટ્રોલનો અંજામ આવવાનો જ નથી.

જનભાગીદારીની જગ્યાએ દાદાગીરીથી કરેલ સીત્તેરનાં દશકાની નસબંધી યાદ છે ને?! સંજય ગાંધીનો ફૈસલો સારો હતો. પણ જબરન હતો. સિનેમા ઘરોમાંથીને બસમાંથી ઉતારીને કરેલી નસબંદીએ લોકોમાં રોષ ફેલાવી દિધો હતો. સંજય ગાંધીએ મૂકેલા નસબંધીનાં ટાર્ગેટમાં લગભગ સાઠ લાખ લોકોની નસબંધીનાં અહેવાલ છે. એ વખતની 54 કરોડ વસ્તીમાંથી સાઠ લાખની નસબંદી. છતાંય આજે વિશ્વનાં વધુ આબાદી વાળા 12 થી 15 દેશોને સમાવી લે એટલી જનસંખ્યા એકલો ભારત દેશ લઇને બેઠો છે.

પોલ એલરીક ભાઇએ ઝીરો પોપ્યૂલેશન થિયરીમાં વસ્તી નિયંત્રણ કરવાની એક રીત સૂચવેલી છે. એમનાં કહેવા મૂજબ આપણો ગોલ ઝીરો પોપ્યૂલેશન રેટનો હોવો જોઇએ. મતલબ, જેટલાં જન્મે એટલાં મરે. જેટલાં એ જગ્યા પર આવે એટલાં નિકળવા જોઇએ. પોપ્યૂલેશનનો રેટ ઝીરો હોવો જોઇએ. લોકોની જેટલી સંખ્યા હોય એ અકબંધ રહેવી જોઇએ. ઘણા આને સોલ્યૂશન માને છે. પણ આઇડીયલ તૂક્કો જ છે. લોકો વધે તો એનું શું કરવાનું!? મારી નાંખવાનાં કે બહાર કાઢી મૂકવાનાં?

ચાઇનાની ‘વન ચાઇલ્ડ પોલીસી’ જ જીરવાતી નથી તો ઝીરો પોપ્યૂલેશનની વાત જ બેબુનિયાદ છે. ચાઇનાની વન ચાઇલ્ડ પોલીસી ય ફેઇલ્યર જ હતી. જ્યારે 1960ની 70 કરોડની ચાઇનાની પોપ્યૂલેશન વધીને 1980માં 100 કરોડની થઇ ત્યારે 1979માં ચાઇનીઝ ઓફિશ્યલ્સે ‘હમ દો હમારે એક’ની પોલિસી ચાઇના ભરમાં લાદી દિધી. 2011માં ચાઇનીઝ ગવર્નમેન્ટનાં રીપોર્ટ મૂજબ વન ચાઇલ્ડ પોલિસી અને બીજાં બર્થ કંટ્રોલ મેથડથી 40 કરોડ નવા ભૂલકાંઓ અવતર્યા જ નહીં. અને એટલી વસ્તીનો દર ઓછો રહ્યો.

પણ સેકન્ડ બર્થ વખતે કેટ કેટલાંય એબોર્શન થયા એનું શું? રીપોર્ટ પ્રમાણે 40 વર્ષમાં 33.6 કરોડ.એબોર્શન. ચાઇના પણ ભારતની જેમ જેન્ડર બાયેઝ્ડ. લોકો એક છોકરો પેદા કરી શકે તો મેલ ચાઇલ્ડ પ્રિફર કરી રહ્યા હતા. એટલે પહેલી છોકરી જન્મે એટલે કેટલાંય ગર્ભપાત થયા. અને કેટલીયે છોકરીઓને મારી નાંખવાનાં, રખડતી મૂકી દેવાનાંને બીજાં દેશોમાં વેચી દેવાનાં સમાચારોય આવ્યા. 2005થી 2008 વચ્ચે ચાઇનામાં છોકરા – છોકરીનો રેશિયો સૌથી ખરાબ હતો. 120 મેલ સામે 100 ફિમેલ.

એક બીજી સમસ્યા હતી. ફોર-ટુ-વન. યાની કી ફેમિલીમાં એક છોકરાનાં બે મા-બાપ અને એ બંનેનાં ચાર મા-બાપ. જ્યારે ચાર ગ્રાન્ડ પેરેન્ટ્સ વૃધ્ધ થઇ જશે અને પેરેન્ટ્સ વૃધ્ધ થઇ જશે. ત્યારે એક વ્યક્તિ છ જણાંનું ભરણપોષણ કરશે અને ઘરની ઇકોનોમિક સિસ્ટમ આખું વહીવટી તંત્ર ખોરવાઇ જશે. અને ભાઇ-બહેન વગરનાં એકલાં બાળકમાં કેટલીક માનસિક સમસ્યાઓ આવે. બાળક ચિડિયુ કે એકલવાયું બને. કમ્યુનિકેશનમાં પ્રોબ્લમ આવે. બીજા લોકો સાથે તાલમેલ બરાબર ન કરી શકે.

અને એક મોટી સમસ્યા એંગ્રી આમ આદમી. તમે કોણ છો મને કહેવા વાળા કે મારે કેટલાં બચ્ચાં પેદા કરવા. રાઇટ?

ભારતમાં ય આવી જ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા ‘ટુ ચાઇલ્ડ પોલિસી’નાં નિયમની માંગ કરવામાં આવી હતી અને રાજકારણ ગરમ થઇ ગયુ હતુ. ‘ટુ ચાઇલ્ડ પોલિસી’માં બે બાળકો કરતા વધારે બાળકો વાળા પરીવારને ગવર્મેન્ટ જોબ, સબસિડી તેમજ બીજાં સરકારી લાભો અને મતાધિકાર પર નિયંત્રણ લાદવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ કોઇ મિનિસ્ટરને બે બાળકો કરતા વધારે બાળકો હોય તો ચૂંટણી નહીં લડવા દેવાની અને પદ ભ્રષ્ટ કરવાની પણ વાત હતી. પણ વોટબેંક રાજનિતીમાં ફરી ઓવર પોપ્યૂલેશનનો મૂદ્દો ખોવાઇ ગયો.

આ પોલિસીમાં ય ચાઇનિઝ પોલિસી જેવી જ સમસ્યાઓ હતી. ભારત પણ ચાઇનાની જેમ જેન્ડર બાયેઝ્ડ દેશ. એમાંય ઘણાં પ્રદેશોમાં દહેજ પ્રથા છે. એટલે બધાને દિકરા જ જોઇએ. અને કેટલીય દિકરીનો જન્મ જ ન થાય. એક તો મેલ ફિમેલ સેક્સ રેશિયોમાં તફાવત છે જ. આ પોલિસીથી ગેપ ખૂબ વધી જાય.

બે કરતા વધારે બાળકો થાય તો એબોર્શન અને રખડતા કરી દે એવી ભિતી તો ખરી. કેટલાંય ડાઇવોર્સ થાય. ઘર ભાંગે. ચૂંટણીમાં ઉભો રહેલો મિનિસ્ટર પત્નિને છોડી દે ને બાળકને અપનાવવાની ના પાડી દે. જો કાયદો ઘડવો હોય તો આખા દેશ માટે એક તિરંગા, એક સંવિધાન નીચે હરેક નાગરીક માટે સમાન હોવો જોઇએ. જે ખૂબ મૂશ્કેલ કામ છે.

સૂરજ વધારે ગરમી ફેંકે તો એનું તાપમાન ઘટાડવાની સ્વીચ ઉપલબ્ધ નથી એમ જ એકાએક જનસંખ્યા ઘટી ન જાય. અને ઇન્સ્ટન્ટ મેગીની જેમ આ સમસ્યા ઇન્સ્ટન્ટ ખતમ ન થઇ શકે અને બળજબરીથી મામલો ઓર બગડે અને લોકોમાં રોષ ભરાય, ડર ફેલાય, બળવો ફાટે એ અલગ. ઇમરજન્સી વખતનાં સંજય ગાંધી કૃત નસબંધી જેવો જ.

પણ બળજબરીને જબરદસ્તી કરતાંય વધુ એક ખૂબ સરસ અને મોસ્ટ ઇફેક્ટીવ રસ્તો છે. એજ્યૂકેશન. ચોંક ગયે? યસ, અધકચરૂં નહીં પણ પૂર્ણ શિક્ષણ. જવાબ થોડો બોઓઓરીંગ છે. પણ રીયાલિસ્ટીક છે. એનાં માટે આપણે સમજવુ પડે કે ફર્ટીલીટી રેટ ઉર્ફ પ્રજનનદર એટલે શું?

ફર્ટીલિટી રેટ એટલે એક દેશ કે પ્રદેશમાં એક મહિલા પોતાની લાઇફ ટાઇમમાં કેટલાં બાળકો પેદા કરે છે. જો ફર્ટીલીટી બે છે. તો એનો મતલબ બધી મહિલાઓ એવરેજ બે બાળકો પેદા કરે છે. એટલે જેટલાં લોકો પેદા થાય છે એટલાં જ મરે છે એટલે પોપ્યૂલેશન રેટ સ્ટેબલ રહે છે. પણ રીયલ લાઇફનું ગણીત આટલું સિમ્પલ નથી. ઘણી વાર બાળકોને જનમ્યા પછી મારી નાંખવામાં આવેને બાળકો અમૂક સમયે મરી પણ જાય એટલે પોપ્યૂલેશન સ્ટેબલ રાખવા વાસ્તવિક ફર્ટીલિટી રેટ 2.2 ગણવામાં આવે છે.

શિક્ષણ અને વૂમન એમ્પાવરમેન્ટ ઓવરપોપ્યૂલેશનની સમસ્યાનો એક કામિયાબ હલ છે. કારણકે કેટલાંક અહેવાલો પ્રમાણે શિક્ષણનાં દર અને પ્રજનન દર વચ્ચે એક સંબંધ જોવા મળેલ છે. જેમ જેમ શિક્ષિત લોકોની સંખ્યા અને એમાંય ખાસ કરીને શિક્ષિત મહિલાઓની સંખ્યા વધતી જાય તેમ તેમ પ્રજનન દરમાં ઘટાડો જોવા મળેલ છે. આ સંબંધ ઘણી બધી જગ્યાએ જોવા મળેલ છે. ઇનફેક્ટ, વર્લ્ડ વાઇડ જોવા મળેલ છે. ભારતમાં ય ઘણા પ્રદેશોમાં આ ચીજ જોવા મળેલ છે.

કેરેલામાં શિક્ષણનું પ્રમાણ સો ટકા માનવામાં આવે છે. ત્યાં ફર્ટીલિટી રેટ 1.6 છે. બિહારમાં અશિક્ષિત મહિલાઓની સંખ્યા 26.8 ટકા હોઇ ફર્ટીલિટી નો દર 3.2 જેવો હાઇ છે.
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર જેવા કેટલાંક રાજ્યોને બાદ કરતા બાકીનાં સ્ટેટનો પ્રજનન દર 2.2 જેટલો કે તેનાંથી નીચે આવી ચૂક્યો છે. અને ભારતમાં ઓવર પોપ્યૂલેશન આ કેટલાંક ચોક્કસ રાજ્યોને લીધે વધે છે. એટલે આપણે પોપ્યૂલેશન કંટ્રોલ માટે એજ્યૂકેશન પર ભાર મૂકતી અને શિક્ષણ અને વૂમન એમ્પાવરમેન્ટ પર વધારે બજેટ ફાળવતી સરકારોને વોટ આપવો જોઇએ.

આપણા દેશનું કલ્ચર એવું છે કે કેટલીક મહત્વની વસ્તુઓને આપણે છાની રાખીએ છીએ. ભોલ્યોને રાધી ભણતા હોય ને શિક્ષક ગુપ્તાંગો વાળા ચેપ્ટર સ્કીપ કરી નાંખે. શિક્ષક પાસેથી તો જે એજ્યૂકેશન મળવુ જોઇતુ હતુ એ મળ્યુ નહીં.

જ્યારે ભોલ્યોને રાધી સમજણાં થાય, દુનિયા જોતા થાય ત્યારે એનાં શરીર વિશેને બીજી સમસ્યાઓ વિશે આસપાસનાં ને ઘરનાં સભ્યોને સવાલ પૂછી શકે એવાં બેબાક થયા ન હોય. અને આપણે ત્યાં ઘર ઘરની કહાનીમાં સેક્સ શબ્દનો ઉલ્લેખ નહીંવત થતો હોય છે. પોતાની બહેન પણીઓને મિત્રો પાસે પણ અધકચરા જવાબો હોય એટલે સેક્સ એજ્યૂકેશન અધકચરૂં રહી જતુ હોય છે.

અને એમાંય લગ્ન થયા પછી અધકચરા જ્ઞાનની સાથે એક શાશ્વત સવાલ ઉભો જ હોય કે,’ખૂશખબરી કબ સૂના રહે હો?!’ અને બચ્ચામાંય છોકરી નહીં છોકરો જોઇએ.જનસંખ્યા વધવાનું ભારતમાં સૌથી મોટું રીઝન આ જ છે.

એટલે વસ્તી વધારાને નાથવા ફેમિલી પ્લાનીંગ ઉર્ફ પરીવાર નિયોજન એક અસરદાર ઉપાય છે. એનાં પર પૂરજોર લગાડવું જોઇએ. માનો કે ભોલ્યો કે રાધીને દાદા દાદી જે કમાતા નથી એનો જ પરિવારમાંથી છેદ કરી નાંખો. એ ચાલે? બળવા ફાટી નિકળે. અને એવી કોઇ કુદરતી આફત નથી આવવાની કે જે સિલેક્ટીવ લોકોને મારે.

એટલે જ્યારે ભોલ્યો ને રાધી મોટા થાય ત્યારે પોતાનું કુટુંબ પ્લાનિંગ સાથે આગળ વધારે. ક્યારે, ક્યા સમયે, કઇ રીતે એ બધાનું પૂર્ણ ફેમિલી પ્લાનિંગ કરીને જો બાળકને દુનિયામાં અવતરવાની પરવાનગી આપવામાં આવે તો કુટુંબ ય સૂખી થાય ને બાળકો ય હેલ્થી થાય.

ક્યારે લગ્ન કરવા, એક બાળક પછી બીજા બાળક વચ્ચે કેટલો સમય રાખવો, કેટલાં બાળકો કરાય કે જેથી બરાબર બધા બાળકોને સમય અને હેલ્થકેર, જીવનજરૂરિયાતની વસ્તુઓ આપી શકાય, શિક્ષણ આપી શકાય જેવાં પરીવાર નિયોજનનાં ખૂબ બધાં ઓપ્શન વિશે કમ્પ્લીટ અન્ડર સ્ટેન્ડીંગ મળવી જોઇએ.

સેક્સૂઅલ પ્લેઝર અને સારી સેક્સ લાઇફ માટે ગર્ભ નિરોધકો ગોળીઓને કોન્ડમ્સનો ઉપયોગ ટીનેજ થી જ ખબર પડે એવી સિસ્ટમ ઉભી કરવી જોઇએ અને જરૂર પડે ત્યારે બીના શરમે ઉપલબ્ધ થઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. શહેરોથી ગામડાંઓ સુધી વિસ્તારોથી શેરીઓ સુધી કુટુંબ નિયોજનનાં કેમ્પ ભરાવવા જોઇએ, સ્કૂલો કોલેજોમાં સ્પેશિયલ લેક્ચર રાખવા જોઇએ.
સિગારેટ અને કેન્સરની એડવર્ટાઇઝમેન્ટ કરતાંય વધુ જોશથી લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો થવા જોઇએ. માત્ર પોલિટીકલ એજેન્ડા માટે નહીં પણ સાચે જ દેશની તરક્કી માટે થવું જોઇએ.

પૃથથીંગ –
જો ભવિષ્યની દુનિયા બચાવવી હશે તો વર્તમાનમાં પ્લાનિંગ કરવું પડશે. માત્ર નેચરલ રીસોર્સનો ઉપયોગ ઘટાડીને વાત નહીં બને, નેચરલ રીસોર્સનો ઉપયોગ કરતાં લોકો ઘટાડવા પડશે. જેટલા વધુ લોકો હશે એટલું મૂલ્ય ઓછું હશે.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.